તમે રોજ જેને સનફ્લાવર સમજીને ખાઓ છો એ પામતેલ તો નથીને?

19 May, 2022 07:55 AM IST  |  Mumbai | Mehul Jethva

પામોલીન તેલને સનફ્લાવરની થેલીમાં ભરીને વેચતા મલાડના તેલના એક વેપારી સામે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશને પોલીસમાં ફરિયાદ નોંધાવી

તમે રોજ જેને સનફ્લાવર સમજીને ખાઓ છો એ પામતેલ તો નથીને


મુંબઈ : યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધને પરિણામે ભારતમાં સનફ્લાવર તેલની આયાત ઘટતાં સનફ્લાવર તેલનો ભાવ મુંબઈમાં આસમાને પહોંચ્યો હતો. એનો ફાયદો ઉઠાવીને મલાડનો તેલનો એક ગુજરાતી વેપારી પામોલીન તેલને સનફ્લાવર તેલની થેલીમાં પૅક કરીને વેચતો હોવાની માહિતી ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશનને મળી હતી. એણે એ પછી એના પર કાર્યવાહી કરીને આશરે સાડાઆઠ લાખ રૂપિયાનો માલ તપાસ માટે જપ્ત કર્યો હતો. એનો રિપોર્ટ આવતાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશનને દિંડોશી પોલીસ સ્ટેશનમાં વેપારી સામે ફરિયાદ નોંધાવી હતી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના ફૂડ સેફ્ટી ઑફિસર મનીષ સાનપે કરેલી ફરિયાદ અનુસાર ૨૧ એપ્રિલે મલાડ-ઈસ્ટના કોંકણીપાડા વિસ્તારમાં શિવમ ઑઇલ ટ્રેડિંગ કંપનીમાં તેમણે ગુપ્ત બાતમીના આધારે રેઇડ પાડી હતી. એ પછી તમામ બિલિંગની માહિતી લઈને તપાસ કરતાં અહીં તેલનું રીપૅકિંગ કરવામાં આવતું હોવાનું આ અધિકારીઓના ધ્યાનમાં આવ્યું હતું. અહીં રાખેલા રીપૅકિંગ મશીન પાસેની તેલની અમુક થેલીઓમાં રાખેલું તેલ શંકાસ્પદ લાગતાં આશરે સાડાઆઠ લાખ રૂપિયાનું તેલ જપ્ત કરીને એમાંનું કેટલુંક તેલ તપાસ માટે લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું. એનો રિપોર્ટ આવતાં અહીં તેલમાં મિક્સિંગ થતું હોવાની માહિતી આ અધિકારીઓને મળી હતી. એના આધારે દિંડોશી પોલીસ સ્ટેશનમાં શિવમ ઑઇલ ટ્રેડિંગ કંપનીના માલિક મહેશ દામા સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને બાતમી મળી હતી કે અહીં તેલમાં મોટા પ્રમાણમાં મિક્સિંગ કરવામાં આવી રહ્યું છે. એના આધારે અમે અહીં રેઇડ પાડી હતી. ત્યારે તેલની કેટલીક થેલી પર સનફ્લાવર નામ લખ્યું હતું, પણ એમાં એ તેલની સુગંધ નહોતી આવી રહી. એટલે અમે તમામ માલ જપ્ત કર્યો હતો. એનો રિપોર્ટ અમારી પાસે આવતાં અમે વેપારી સામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાની કલમ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
બાંદરાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ‍્મિનિસ્ટ્રેશનના ફૂડ સેફ્ટી ઑફિસર મનીષ સાનપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે અહીં રેઇડ પાડી હતી. એના રિપોર્ટમાં અમને જાણ થઈ હતી કે સનફ્લાવરની થેલીમાં પામોલીન તેલનું વેચાણ થઈ રહ્યું છે. એટલે અમે પોલીસને આ માહિતી આપી હતી. તેઓ આગળની કાર્યવાહી કરી રહ્યા છે.’

mumbai news