મહારાષ્ટ્રમાંથી ઑપરેટ થાય છે ISISનાં ત્રણ ટ્વિટર અકાઉન્ટ

15 December, 2014 05:24 AM IST  | 

મહારાષ્ટ્રમાંથી ઑપરેટ થાય છે ISISનાં ત્રણ ટ્વિટર અકાઉન્ટ



મહારાષ્ટ્રમાંથી ISISનાં ત્રણ ટ્વિટર અકાઉન્ટ ઑપરેટ કરવામાં આવી રહ્યાં છે અને આ અકાઉન્ટ્સની ગતિવિધિ પર સુરક્ષા એજન્સીઓની ચાંપતી નજર છે. આ સંબંધે આગામી દિવસોમાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવે એવી શક્યતા પણ છે.

મેહદી બિસ્વાસની ધરપકડ પછી પોલીસ-ઑફિસરને મોતની ધમકી

આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટતરફી સૌથી વધુ વગદાર ટ્વિટર અકાઉન્ટના હૅન્ડલર મેહદી મસરૂર બિસ્વાસની ધરપકડ કરવામાં આવી એના બીજા દિવસે ગઈ કાલે એક સિનિયર પોલીસ-અધિકારીને મોતની ધમકી આપવામાં આવી હતી. બીજી તરફ બૅન્ગલોર પોલીસે મેહદી મસરૂર બિસ્વાસના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તેને શનિવારે રાત્રે મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

મેહદી મસરૂર બિસ્વાસની ધરપકડ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ક્રાઇમ) અભિષેક ગોયલની ટીમે શનિવારે કરી હતી. તેની ધરપકડ પછી અભિષેક ગોયલે કરેલી ટ્વીટના રિપ્લાયમાં આવેલી ધમકીમાં જણાવવામાં આવ્યું હતું કે ‘અમે અમારા ભાઈઓને તમારા હાથમાં રહેવા નહીં દઈએ. વેરની વસૂલાતનો સામનો કરવા તૈયાર રહેજો.’આ ધમકી બાબતે અભિષેક ગોયલે કહ્યું હતું કે અંગત રીતે હું આવી ધમકીઓને ગંભીર નથી ગણતો. હું મારું કામ કરતો રહું છું અને વધુ પડતો સાવધ પણ નથી રહેતો.