MNSના કૉર્પોરેટરના ગુંડાઓ હપ્તાવસૂલી તથા મહિલાઓની છેડતી કરતા હોવાનો ફેરિયાઓનો આક્ષેપ

25 December, 2012 06:12 AM IST  | 

MNSના કૉર્પોરેટરના ગુંડાઓ હપ્તાવસૂલી તથા મહિલાઓની છેડતી કરતા હોવાનો ફેરિયાઓનો આક્ષેપ



અકેલા

મુંબઈ, તા. ૨૫

એમએનએસના કૉર્પોરેટર ઈશ્વર તાયડેના કથિત ગુંડાઓ વિરુદ્ધ ૯ ડિસેમ્બરે ફૂલ વેચતી મહિલા ૩૭ વર્ષની છાયા ગાયકવાડે નૉન-કૉગ્નિઝેબલ કમ્પ્લેઇન્ટ (એનસી) નોંધાવી હતી, જેમાં પ્રોટેક્શન મની આપ અથવા તો માર્કેટ ખાલી કર એમ જણાવી અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને ધમકી આપવામાં આવી હોવાનો કથિત આરોપ મૂકવામાં આવ્યો છે. છાયાએ કહ્યું હતું કે છેલ્લાં ૨૫ વર્ષથી હું અહીં ફૂલ વેચું છે, પરંતુ હવે માર્કેટ ખાલી કર અથવા તો હપ્તા આપ એમ જણાવીને ઈશ્વર તાયડેના ગુંડાઓ મને હેરાન-પરેશાન કરે છે તથા મારી છેડતી કરી રહ્યા છે.

સાકીનાકાના ચાંદીવલીના શાકભાજી વેચતા ફેરિયાઓનો આરોપ છે કે ઈશ્વર તાયડેના ગુંડાઓ દરરોજના ૩૦ રૂપિયા અથવા તો મફત શાકભાજી માગે છે. જો તેમની માગણીઓ સ્વીકારવામાં ન આવે તો સુધરાઈમાં ફરિયાદ કરીને તેમના સ્ટૉલને હટાવવામાં આવે છે. એક મહિલા ફેરિયાનો તાયડેના માણસે દુપટ્ટો પણ ખેંચ્યો હતો. એમ છતાં પોલીસે તેની ફરિયાદ ગંભીરતાથી લીધી નહોતી. આ માર્કેટમાં એક કૉન્સ્ટેબલના પણ શાકભાજીના ત્રણ સ્ટૉલ છે. એક વેપારીના મતે તેમના સમર્થનમાં વોટ ન આપવા બદલ ઈશ્વર તાયડે તેમને સંઘર્ષનગરમાંથી હાંકી કાઢવા માગે છે.

હપ્તા માગવાની પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ વિશે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઈશ્વર તાયડેએ કહ્યું હતું કે ‘શાકભાજી વેચતા ફેરિયાઓ વિરુદ્ધ મને ઘણી ફરિયાદો મળી હતી. તેઓ મૉનોપોલીની માફક બિઝનેસ કરે છે. એક ફેરિયા પાસે ત્રણથી પાંચ સ્ટૉલ છે. તેઓ ગમે ત્યાં ગંદકી કરતા હોવાથી હું આખા વિસ્તારને સ્વચ્છ રાખવા માગું છું. મારા માણસો પૈસા લે છે એવા આક્ષેપો ખોટા છે. મને તેમનાં નામ આપો, એમએનએસમાંથી હું તેમને હાંકી કાઢીશ.’

ઘણા પ્રયત્નો છતાં સાકીનાકા પોલીસ-સ્ટેશનના સિનિયરઇન્સ્પેક્ટરનો સંપર્ક થઈ શક્ય નહોતો.