ચર્ચગેટ સ્ટેશનમાં પાણી ભરાવાનું કારણ કોસ્ટલ રોડનું કામકાજ?

07 August, 2020 08:42 AM IST  |  Mumbai Desk | Rajendra B Aklekar

ચર્ચગેટ સ્ટેશનમાં પાણી ભરાવાનું કારણ કોસ્ટલ રોડનું કામકાજ?

ગઈ કાલે ઘણા લાંબા સમય સુધી ચર્ચગેટ સ્ટેશન પર પાણી ભરાયેલું રહ્યું હતું.

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન-સર્વિસના દક્ષિણ છેડા પરના ચર્ચગેટ સ્ટેશનના બિલ્ડિંગ, પાટા અને સમગ્ર સ્ટેશન પ્રિમાઇસિસમાં પાણી ભરાઈ જવાની ઘટના કદાચ પહેલી વખત બની હતી. છેલ્લા અનેક દાયકાઓમાં ચર્ચગેટ સ્ટેશનના પરિસરમાં પાણી ભરાયાંનો બનાવ બન્યો નહોતો. પાંચમી ઑગસ્ટની અતિવર્ષામાં પશ્ચિમ રેલવેના હેડ ક્વૉર્ટરના હેરિટેજ બિલ્ડિંગમાં પણ પાણી ભરાયું હતું. ચર્ચગેટ સ્ટેશન પર આટલા પ્રમાણમાં પાણી ભરાય એવી ધારણા રેલવે તંત્ર, મુંબઈ મહાનગરપાલિકા કે સામાન્ય નાગરિકોમાંથી કોઈએ રાખી નહોતી.
રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ તથા જાણકારો-નિષ્ણાતોએ એ ઘટના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ માટેની જમીનભરણીને કારણે બની હોવાનો મત વ્યક્ત કર્યો હતો. મેઇન્ટેનન્સ સ્ટાફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કેટલાક દાયકાઓમાં ખૂબ ભારે વરસાદના અનેક પ્રસંગો બન્યા. એમાં ચર્ચગેટ સ્ટેશનના છેક બફર સુધી પાણી ભરાયું હોય એવું મને યાદ આવતું નથી. સ્ટેશન અને પશ્ચિમ રેલવેના હેડ ક્વૉર્ટર બિલ્ડિંગમાં પણ પાણી ભરાયું હતું. આસપાસના સમગ્ર વિસ્તારની એ સ્થિતિ હતી. કેટલાંક ઠેકાણે પાણીના નિકાલ માટે પમ્પ્સ સક્રિય રાખવામાં આવ્યા હોવા છતાં પાણી સ્થિર રહેતું હતું અને ધીમી ગતિએ નીકળતું હતું.’
વાહનવ્યવહાર ક્ષેત્રના નિષ્ણાત અજિત શેણોયે જણાવ્યું હતું કે ‘એ વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અને કોસ્ટલ રોડ એમ બે યોજનાઓનાં કામ ચાલે છે. મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ કેટલાંક વર્ષોથી ચાલે છે, પરંતુ આટલા વખતમાં ચર્ચગેટ સ્ટેશન પર પાણી ભરાયું નથી. એથી તાજેતરમાં શરૂ કરવામાં આવેલા કોસ્ટલ રોડ પ્રોજેક્ટનાં કામકાજને લીધે પાણી ભરાવાની શક્યતા તપાસવી જોઈએ.’
મુંબઈ વિકાસ સમિતિના કન્વીનર અને મુંબઈ મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ચીફ હાઇડ્રૉલિક એન્જિનિયર નંદકુમાર સાળવીએ જણાવ્યું હતું કે ‘કોઈ પણ ધારણાને સાચી માની લેવાની જરૂર નથી. વરસાદના પ્રમાણ, દરિયામાં ભરતી તથા અન્ય પાસાં સહિત અનેક બાબતો તપાસ્યા પછી ચર્ચગેટ રેલવે સ્ટેશન પર પાણી ભરાવાનાં કારણો નક્કી કરી શકાય.’

mumbai mumbai news mumbai trains rajendra aklekar churchgate