પોલીસ જ કરી રહી છે ગેરકાયદે બાંધકામ?

26 November, 2021 08:11 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઝવેરી બજારના નાકા પર જંજીકર સ્ટ્રીટના ખૂણે બંધાઈ રહેલી બીટ ચોકીની બબાલ : એને કારણે દુકાન ઢંકાઈ જતાં ગુજરાતી વેપારી ગયા છે કૉર્ટમાં : જોકે પોલીસ કહે છે અરજી આપી છે અને કામ પણ થઈ ગયું છે

એલટી માર્ગની બીટ ચોકી બની એ પહેલા શેઠ ટેકસ્ઈટાઇલ દુકાન રસ્તા પરથી જોઈ શકાતી હતી. ચોકી બન્યા પછી ઢંકાઈ ગઈ છે.

મુંબઈ પોલીસના એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશન દ્વારા ઝવેરી બજારના નાકા પર જંજીકર સ્ટ્રીટના ખૂણે આવેલી ગુજરાતી વેપારી મિતેશ શેઠની દુકાન શેઠ ટેક્સટાઇલની બહાર જ બીટ ચોકી ઊભી કરી દેવાઈ છે. એને કારણે તેમની દુકાન બીટ ચોકીની આડે ઢંકાઈ જાય છે. એ બીટ ચોકી બનાવવાનું માપ લેવાઈ રહ્યું હતું ત્યારથી જ એનો વિરોધ કરી રહેલા મિતેશ શેઠે એ કામ રોકવા પોલીસને કહ્યું હતું, પણ પોલીસે તેમને ગણકાર્યા જ નહીં. તેમણે બીએમસીનો સંપર્ક કરીને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે અમે ચેક કરીશું. જોકે ખાસ કોઈ પગલાં ન લેવાતાં આખરે તેમણે હવે કોર્ટમા ધા નાખી છે. જોકે હવે બાંધકામ તો ખાસ્સું કરી લેવાયું છે. એથી કોર્ટે પણ એના કામ પર રોક લગાવવાને બદલે પોલીસને તેમનો જવાબ નોંધાવવા કહ્યું છે.  
આ વિશે માહિતી આપતાં મિતેશ શેઠે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દુકાન સામે એ લોકોએ બીટ ચોકી બનાવવાનું માપ લેવા માંડ્યું ત્યારે મેં તેમને પૂછ્યું હતું કે શું કરી રહ્યા છો? ત્યારે કામ કરી રહેલા માણસોએ કહ્યું હતું કે અહીં પોલીસની બીટ ચોકી બનશે. મને ખ્યાલ આવી ગયો કે જો અહીં બીટ ચોકી બનશે તો મારી દુકાન પૂરી ઢંકાઈ જશે. વળી પોલીસ કે પછી બીએમસીએ પણ એ માટે મારી પાસે કોઈ એનઓસી માગ્યું નથી તો અચાનક આ કામ કેવી રીતે શરૂ થઈ ગયું? એટલે મેં પોલીસનો સંપર્ક કર્યો તો મારી વાત જ ઉડાવી દેવાઈ. એથી મેં પોલીસ કમિશનરની ઑફિસમાં એ બદલ લેખિતમાં ફરિયાદ કરી. મેં જ્યારે સુધરાઈના ‘સી’ વૉર્ડનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે બીટ ચોકી બાંધવા સંદર્ભે એલ. ટી. માર્ગ પોલીસ પાસેથી અમને કોઈ અરજી મળી નથી એટલે અમે ચેક કરીશું. એ પછી ગયા શુક્રવારથી બીટ ચોકીનું કામ પુરજોશમાં શરૂ થઈ ગયું હતું. આજે પરસ્થિતિ એ છે કે બીટ ચોકીનું બાંધકામ ઑલમોસ્ટ થઈ ગયું છે અને મારી દુકાન એની પાછળ ઢંકાઈ ગઈ છે. હવે મેં આ સંદર્ભે સિટી સિવિલ કોર્ટમાં એના પર સ્ટે મૂકવાની અને બંધાયેલું બાંધકામ તોડી પાડવાની ફરિયાદ કરી છે. ગઈ કાલે એના પર સુનાવણી પણ થઈ. જજે કહ્યું કે હવે બાંધકામ થઈ ગયું છે ત્યારે એને રોકવું યોગ્ય નહીં ગણાય. એમ છતાં પોલીસ શા માટે અને કોની પરવાનગી સાથે આ બીટ ચોકી બનાવી રહી છે એનો જવાબ ૩૦ નવેમ્બર સુધી નોંધાવે.’

પોલીસનું શું કહેવું છે?
આ સંદર્ભે ‘મિડ-ડે’ દ્વારા એલ. ટી. રોડ પોલીસ સ્ટેશનના સિનિયિર પોલીસ ઇન્સ્પેક્ટર દીપક નિકમનો સંપર્ક સાધવાની ઘણી કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા. જ્યારે એલ. ટી. માર્ગ પોલીસ સ્ટેશનના ક્રાઇમ પીઆઇ વિવેક ભોસલેનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આમ્હી યા સંદર્ભાત અર્જ દીલેલા આહે, ઝાલેલા આહે. (અમે આ બાબતે અરજી આપી છે, કામ થઈ ગયું છે). આ સિવાય કંઈ પણ કહેવાનું તેમણે ટાળ્યું હતું.
જ્યારે એસીપી સમીર શેખને પૂછતા તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મને આ બાબતે કંઈ જાણકારી નથી.
અમને અરજી મળી જ નથી : બીએમસી    
આ બાબતે સુધરાઈના ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર (મેઇન્ટેનન્સ) પ્રમોદ વાઘમારેનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બીટ ચોકી માટે પોલીસ તરફથી અમને કોઈ અરજી મળી નથી. વેપારીએ અમારો સંપર્ક કરીને અમને ફરિયાદ કરી છે અને હવે તે કોર્ટમાં ગયા છે.’  

 બીટ ચોકી માટે પોલીસ તરફથી અમને કોઈ અરજી મળી નથી. વેપારીએ અમારો સંપર્ક કરીને અમને ફરિયાદ કરી છે અને હવે તે કોર્ટમાં ગયા છે.
પ્રમોદ વાઘમારે, બીએમસીના ‘સી’ વૉર્ડના અસિસ્ટન્ટ એન્જિનિયર (મેઇન્ટેનન્સ) 

Mumbai mumbai news bakulesh trivedi