શિવસેનાની નગરસેવિકાનો પતિ BJPનો ઉમેદવાર

05 October, 2014 05:28 AM IST  | 

શિવસેનાની નગરસેવિકાનો પતિ BJPનો ઉમેદવાર




રણજિત જાધવ

અંધેરીમાં શિવસેનાની નગરસેવિકા સંધ્યા યાદવ સામે વિધાનસભાની ચૂંટણી વખતે પાર્ટી પ્રત્યેની નિષ્ઠા કે પત્નીધર્મ એ બેમાંથી આકરી પસંદગી કરવાનો સમય આવ્યો છે, કેમ કે તેના પતિ સુનીલ યાદવે અંધેરી (ઈસ્ટ)ની સીટ પર BJP તરફથી ઉમેદવારી નોંધાવી છે. અત્યાર સુધી આ કપલ અલગ-અલગ પાર્ટીમાં હોવા છતાં કોઈ તકલીફ નહોતી, પરંતુ હવે શિવસેના-BJPની યુતિ તૂટી ગઈ છે અને શિવસેનાએ આ સીટ પર રમેશ લટકેને ઉમેદવારી આપી છે તેથી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરવો કે તેના પ્રતિસ્પર્ધી પતિનો એ મહાપ્રશ્ન સંધ્યા યાદવને મૂંઝવી રહ્યો છે.

શિવસૈનિકોએ આક્ષેપ કર્યો છે કે તેમની આ નગરસેવિકા પતિનો પ્રચાર કરી રહી છે તેથી તેની પૉલિટિકલ કરીઅર જોખમમાં આવી શકે છે. જોકે તેના પતિ અને BJPના ઉમેદવાર સુનીલ યાદવે દાવો કર્યો હતો કે કેટલાક વિરોધીઓ આવી ખોટી વાતો ફેલાવીને મારી પૉલિટિકલ કરીઅરને ખરાબ કરવા મેદાને પડ્યા છે. 

આ મામલે ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં સુનીલ યાદવે કહ્યું હતું કે ‘હું BJP તરફથી ચૂંટણી લડી રહ્યો છું અને શિવસેનાની નગરસેવિકા મારી પત્ની તો ચોવીસે કલાક ઘરમાં જ હોય છે. તે મારા માટે ક્યાંય પ્રચાર કરવા નથી જતી. તેની અને મારી પાર્ટીની આઇડિયોલૉજી અલગ હોવાથી તે મારા માટે પ્રચાર શા માટે કરે? સંધ્યા મારો પ્રચાર કરી રહી હોવાના આક્ષેપો કરીને કેટલાક લોકો મારું નામ ખરાબ કરવાના પ્રયાસો કરે છે, પરંતુ આવા લોકો મારી પત્ની મારો પ્રચાર કરવા મારી સાથે જોડાઈ હોય એવો એકાદ ફોટો કે વિડિયો-ક્લિપ તો મને બતાડે. આવા આક્ષેપો સાવ પાયાવિહોણા છે.’

સંધ્યા અંધેરી (વેસ્ટ)ના ગુંદવલી ગાવઠણ એરિયાની શિવસેનાની નગરસેવિકા છે અને તેનો પતિ સુનીલ યાદવ અંધેરી (ઈસ્ટ)ની વિધાનસભા સીટ પર BJPનો ઉમેદવાર છે. આ સીટ પર કૉન્ગ્રેસના હાલના વિધાનસભ્ય અને મિનિસ્ટર રહી ચૂકેલા સુરેશ શેટ્ટી અને શિવસેનાના ઉમેદવાર રમેશ લટકે જેવા મજબૂત ઉમેદવારો સામે સુનીલ યાદવની પૉલિટિકલ ટક્કર થઈ રહી છે.

શિવસેનાની નગરસેવિકા તરીકે પાર્ટીના ઉમેદવાર રમેશ લટકેના પ્રચારમાં જવું કે પ્રતિસ્પર્ધી પાર્ટી BJPના ઉમેદવાર બનેલા પતિ સુનીલ યાદવનો પ્રચાર કરવો એ ધર્મસંકટ સંધ્યા સામે આવ્યું છે. ગુંદવલી એરિયાના એક શિવસૈનિકે કહ્યું હતું કે ‘સંધ્યા શિવસેનાની નગરસેવિકા હોવાથી BJPના ઉમેદવાર બનેલા તેના પતિનો પ્રચાર કરવા જાહેરમાં તો આવી જ ન શકે, પરંતુ તેણે પડદા પાછળ રહીને પોતાના સપોર્ટરોને સુનીલ યાદવને વોટ આપવાનું કહ્યું છે. ખરેખર તો તેને જે પાર્ટીએ નગરસેવિકા બનાવી છે તેના ઉમેદવારને સપોર્ટ કરવો જોઈએ તેથી તેણે રમેશ લટકેના પ્રચારમાં ઝંપલાવવું જોઈએ.’

સંધ્યા યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે હું ચૂંટણી કે પ્રચાર વિશે કંઈ જ કહેવા નથી માગતી. તમે પતિનો કે તમારી પાર્ટીના ઉમેદવારનો પ્રચાર કરો છો? એવા સવાલનો પ્રત્યુત્તર આપવાને બદલે સંધ્યાએ ફોન ડિસ્કનેક્ટ કરી નાખ્યો હતો.