ત્રણ જણનો ભોગ લેનારી સાંતાક્રુઝની આગ માટે કોઈ જવાબદાર નથી?

26 September, 2023 08:48 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગૅલૅક્સી હોટેલમાં લાગેલી આગને મહિનો થયો હોવા છતાં એફઆઇઆર નથી લેવાયો. ફાયર બ્રિગેડનું કહેવું છે કે અમે રિપાર્ટ મોકલાવી દીધો છે, ઍક્શન લેવાનું કામ બીએમસી અને પોલીસનું છે

ત્રણ જણનો ભોગ લેનારી સાંતાક્રુઝની આગ માટે કોઈ જવાબદાર નથી?


મુંબઈ ઃ સાંતાક્રુઝ-ઈસ્ટમાં બીએમસીની એચ-ઈસ્ટ વૉર્ડની ઑફિસ સામે જ આવેલી ગૅલૅક્સી હોટેલમાં એક મહિના પહેલાં ઑગસ્ટમાં આગ લાગી હતી, જેમાં પરિવાર સાથે નૈરોબી જઈ રહેલી રૂપલ વેકરિયા, તેની જેની સાથે સગાઈ થઈ હતી એ કિશન હાલાઈ અને પોરબંદરની નજીકના રાણાવાવ ગામના કાંતિલાલ વારાનાં મૃત્યુ થયાં હતાં. આ ઘટનાના એક મહિના બાદ પણ વાકોલા પોલીસે એમાં માત્ર ઍક્સિડેન્ટલ ડેથનો રિપોર્ટ નોંધીને કાર્યવાહી કરી છે. એ ઘટના સંદર્ભે હજી સુધી એફઆઇઆર નોંધ્યો નથી. વાકોલા પોલીસનું કહેવું છે કે અમને હજી  આ બાબતે બીએમસી કે ફાયર બ્રિગેડનો રિપોર્ટ મળ્યો ન હોવાથી અમે વધુ કોઈ કાર્યવાહી કરી નથી. બીજી બાજુ વિલે પાર્લે ફાયર બ્રિગેડ ઑફિસરના જણાવ્યા મુજબ તેમણે તેમના તરફથી રિપોર્ટ બીએમસીના એચ-ઈસ્ટ વૉર્ડને અને ફાયર કન્ટ્રોલને મોકલી આપ્યો છે. 
આ બાબતે ‘મિડ-ડે’એ વાકોલા પોલીસનો સંપર્ક કર્યો ત્યારે વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પ્રકાશ ખાંડેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમને હજી બીએમસી અને  ફાયર ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ ન મળ્યો હોવાથી એ મળ્યા પછી વધુ કાર્યવાહી કરીશું.
બીજી બાજુ વિલે પાર્લે ફાયર બ્રિગેડના ઑફિસર રવિ પાવડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એસીમાં શૉર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. વળી હોટેલ દ્વારા ફાયરને લગતી કેટલીક પરવાનગીઓ લેવાઈ હતી, જ્યારે કેટલીક પરવાનગીઓ લેવાઈ નહોતી. આ બાબતે હોટેલમાલિક જ જવાબદાર ગણાય. વળી હોટેલ બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટના અન્ડરમાં આવે છે. અમે અમારો આ બાબતનો રિપોર્ટ લોકલ ‘એચ’ વૉર્ડ ઑફિસને અને અમારા ફાયર બ્રિગેડ કન્ટ્રોલને મોકલી દીધો છે. અમે માત્ર રિપોર્ટ મોકલી શકીએ. એના પર ઍક્શન લેવાનું કામ બીએમસી અને પોલીસનું છે.’
આ બાબતે ‘મિડ-ડે’એ એચ-ઈસ્ટ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સ્વપ્નજા ક્ષીરસાગરનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. 

ઘટના શું બની હતી?
આ ઘટનાના મૃતકો અને તેમના પરિવારના અન્ય સભ્યો દક્ષિણ આફ્રિકાના નૈરોબી જવાના હતા. અમદાવાદથી તેમની મુંબઈ આવનારી ફ્લાઇટ મોડી પડી એટલે તેઓ મુંબઈથી નૈરોબીની તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી ગયા હતા. એથી ઇન્ડિગો ઍરલાઇન્સે તેમને અને અન્ય પૅસેન્જરોને સાંતાક્રુઝની ગૅલૅક્સી હોટેલમાં ઉતારો આપ્યો હતો અને એમાં આગ લાગતાં આ હોનારત સર્જાઈ હતી. 

mumbai news santacruz maharashtra news fire incident