ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવા કૉન્ગ્રેસ-એનસીપી આગ્રહ કરે છે?

17 November, 2019 10:54 AM IST  |  Mumbai

ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનવા કૉન્ગ્રેસ-એનસીપી આગ્રહ કરે છે?

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન બનવા શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેને કૉન્ગ્રેસ અને એનસીપી તરફથી આગ્રહ કરવામાં આવતો હોવાનો દાવો શિવસૈનિકો કરી રહ્યા છે.ત્રિપક્ષી સરકારમાં એક મુખ્ય પ્રધાન(શિવસેના) તેમ જ બે નાયબ મુખ્ય પ્રધાનો (કૉન્ગ્રેસ અને એનસીપી)ની ફૉર્મ્યુલા ચર્ચાતી હોવાના અહેવાલો કેટલાક દિવસોથી વહેતા થયા છે. પરંતુ શુક્રવારે એનસીપીના પ્રમુખ શરદ પવારે ‘કોઈ મુખ્ય પ્રધાનપદ માગશે તો વિચારીશું’ એવું નિવેદન કરતાં સત્તાની વહેંચણીનું ચિત્ર હજી અસ્પષ્ટ જણાય છે.
મુખ્ય પ્રધાનના હોદ્દા માટે ચર્ચાતા શિવસેનાના સુભાષ દેસાઈ અને એકનાથ શિંદેનાં નામ પણ ચર્ચાઈ રહ્યાં છે. શરદ પવારે મુખ્ય પ્રધાનપદની માગણી વિશે ‘વિચારીશું’ શબ્દ વાપર્યો હોવા છતાં ઉદ્ધવ ઠાકરેના નામ માટે સર્વસંમતિનો દાવો કરવામાં આવે છે. વિધાનપરિષદના નાયબ સભાપતિના હોદ્દા માટે શિવસેનાનાં નીલમ ગોરેનું નામ ચર્ચાઈ રહ્યું છે. જોકે નાયબ મુખ્ય પ્રધાનના હોદ્દા માટે કૉન્ગ્રેસના અશોક ચવાણ, પૃથ્વીરાજ ચવાણ અને બાળાસાહેબ થોરાત તેમ જ એનસીપીના અજિત પવાર અને છગન ભુજબળનાં નામ ચર્ચાઈ રહ્યાં છે.

બીજેપીનો સરકાર રચવાનો આત્મવિશ્વાસ હોર્સ ટ્રેડિંગનો સંકેત આપે છેઃ શિવસેના
શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ગઈ કાલે જણાવવામાં આવ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં સરકાર રચવા બાબતે શરૂઆતમાં પીછેહઠ કર્યા પછીનો બીજેપીનો આત્મવિશ્વાસ હોર્સ ટ્રેડિંગનો સંકેત આપે છે. હવે રાષ્ટ્રપતિશાસનના ઓઠા હેઠળ ધારાસભ્યોને ખરીદવા હોર્સ ટ્રેડિંગની પ્રવૃત્તિ ચાલશે. અમારી સરકાર છ મહિનાથી વધારે નહીં ટકે એવી ટિપ્પણીઓ કરવામાં આવે છે. હકીકતમાં નવું રાજકીય સમીકરણ કેટલાક લોકોને પેટમાં દુખે છે.’ બીજેપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ગઈ કાલે એમને ૨૮૮માંથી ૧૧૯ વિધાનસભ્યોના સમર્થનની શક્યતા દર્શાવી હતી. એ સંદર્ભમાં ‘સામના’માં જણાવવામાં આવ્યું હતું કે ‘૧૦૫ બેઠકો જીતનારાઓએ અગાઉ રાજ્યપાલ સમક્ષ બહુમતીનો અભાવ કબૂલ્યો હતો. એ લોકો હવે સરકાર રચવાની ક્ષમતાનો દાવો કરે છે. એમનો સોદાબાજી-હોર્સ ટ્રેડિંગનો ઇરાદો હવે ખુલ્લો પડી ગયો છે. પારદર્શક શાસનનાં વચનો આપનારાઓના જૂઠાણાં સાવ ઉઘાડા પડી ગયા છે.

nationalist congress party uddhav thackeray