ઇર્લા લેનની હાલત ખરાબ

14 December, 2012 07:29 AM IST  | 

ઇર્લા લેનની હાલત ખરાબ



ઇર્લા લેનમાં આવેલી ચાલીમાં રહેતાં કોમલ ભદ્રાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ખુલ્લી ગટરો અને અડધાં તૂટેલાં ઢાંકણાંવાળી ગટરોને કારણે રાત્રે અહીંથી પસાર થવું ખૂબ જ જોખમી છે. એમાંય આ ગટરો રસ્તાની વચ્ચોવચ આવેલી હોવાથી લોકોના પડી જવાની અને વાહનો ફસાઈ જવાની ઘટનાઓ વધુ બને છે. ઘણા સમયથી સુધરાઈને આ બાબતે ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી જે સ્થાનિક રહેવાસીઓ માટે કોઈ દિવસ જાનલેવા બની શકે છે.’

ઇર્લા લેન પર રહેલી ઢાંકણાં વગરની ગટરની હાલત વિશે ત્યાંના એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીંનો રોડ ખૂબ જ સાંકડો છે અને એમાંય સાઇકલ અને ટૂ-વ્હીલર્સ જેવાં નાનાં વાહનો સહિત ટ્રક અને ટેમ્પો જેવાં મોટાં વાહનોની પણ અવરજવર સતત ચાલુ હોવાથી અનેક વાર વાહનો એમાં ફસાઈ જવાના બનાવો પણ બન્યા છે. એટલે જ કંટાળેલા સ્થાનિક રહેવાસીઓએ રોલર, ઢાંકણાં, પથ્થરો જેવી વસ્તુઓથી ગટરોને કવર કરી છે.’

વૉર્ડ-નંબર ૬૫નાં કૉન્ગ્રેસનાં નગરસેવિકા બિનિતા વોરા સાથે વાત કરતાં તેમણે આ સંદર્ભમાં મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે આ બાબતે સુધરાઈનું ધ્યાન દોર્યું હતું, પરંતુ સુધરાઈ પાસે હાલમાં ઢાંકણાં સ્ટૉકમાં ન હોવાથી તેમણે નવાં ઢાંકણાંનો ઑર્ડર આપ્યો છે એવું જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં મેં મંગળવારે પ્રભાગ સમિતિની મીટિંગમાં કૉર્પોરેટર ફન્ડમાંથી આ રકમ ફાળવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આવતા ૧૫ દિવસમાં એ ફન્ડમાંથી નવાં ઢાંકણાં નાખી આ સમસ્યા દૂર કરવામાં આવશે.’