ધોબી તળાવ પાસેની હોટેલ ફૉર્ચ્યુનમાં આગ: 25 ડૉક્ટરોને બચાવાયા

29 May, 2020 12:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધોબી તળાવ પાસેની હોટેલ ફૉર્ચ્યુનમાં આગ: 25 ડૉક્ટરોને બચાવાયા

ફાઈલ તસવીર

તળમુંબઈના જાણીતા મેટ્રો સિનેમા પાસે આવેલી ફૉર્ચ્યુન હોટેલમાં બુધવારે મોડી રાતે ૧૧  વાગ્યે આગ ફાટી નીકળી હતી. આ હોટેલમાં કોરોનાની સેવા આપતા ડૉક્ટરોને હંગામી ધોરણે રહેવાની સગવડ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ૧૧ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. રાતે ૧૧ વાગ્યે લાગેલી આગ સવારે ૧૦ વાગ્યે બુઝાઈ હતી. આ દરમ્યાન એ હોટેલમાં રહેતા ૨૫ ડૉક્ટર અને અન્ય ૩ ગેસ્ટને ઉગારી લેવામાં આવ્યા હતા.

મેટ્રો સિનેમા પાસે આવેલી પાંચ માળની ફૉર્ચ્યુન હોટેલની ઇમારતના બીજા માળે આ આગ લાગી હતી જે ચોથા માળ સુધી ફેલાઈ હતી. હાલમાં કોરોનાને કારણે જેજે હૉસ્પિટલના (આરએમઓ) ડૉક્ટર્સ, અન્ય મેડિકલ સ્ટાફ અને હોટેલના ૩ ગેસ્ટ મળીને ૨૭ જણ ત્યાં રહેતા હતા. આગ શાના કારણે લાગી એનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. કહેવાય છે કે પહેલા અને બીજા માળની વચ્ચે ઇલેક્ટ્રિક ડક્ટિંગમાં શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. 

આગની જાણ ફાયરબ્રિગડેને કરાતાં ફાયરબ્રિગેડનાં પાંચ ફાયર એન્જિન, ૪ જમ્બો ટૅન્કર, એક એએલપી (સીડી) અને ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ ૨૨ જણને મકાનના દાદરા પરથી દોરી વડે સુખરૂપ ઉતારી લીધા હતા. જ્યારે અન્ય પાંચ જણને ફાયરબ્રિગેડની સીડીની મદદથી ત્રીજા માળેથી ઉતારી લેવાયા હતા. જાણવા મળ્યા મુજબ હોટેલમાં ફાયરફાઇટિંગનાં સાધનો પૂરતાં પ્રમાણમાં નહોતાં. આ આગમાં વાયરિંગ, ફોલ્સ સિલિંગ, લૉબી બધું જ બળીને ખાખ થઈ ગયું હતું.

mumbai mumbai news dhobi ghat