રેલ્વેનું ભારત દર્શન અભિયાન શરૂ થઈ રહ્યું છે, જાણી લો ટૂર પૅકેજ

04 July, 2021 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ આ મહિના માટે ઘરેલું હવાઈ પર્યટન પૅકેજોની જાહેરાત કરી છે

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતાં પર્યટન વ્યવસાયને પ્રોત્સાહન આપવાની કવાયત શરૂ થઈ ગઈ છે. તે જોતાં ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ આ મહિના માટે ઘરેલું હવાઈ પર્યટન પેકેજોની જાહેરાત કરી છે. જેની શરુઆત ૧૦ જુલાઈથી મુંબઈથી થશે.

આઈઆરસીટીસીએ મુંબઈથી કેરળ હોય કે કટરા દરેક જગ્યાએ ટૂરિઝમ શરુ કરવા માટે પૅકેજની જાહેરાત કરી છે. આમાં જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પૂર્વના તમામ સ્થળો માટે પૅકેજ બનાવવામાં આવ્યા છે. આઈઆરસીટીસીના જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ તેમની પસંદગી પ્રમાણે અને ગ્રુપ બુકિંગ પ્રમાણે પૅકેજમાં બદલાવ કરી શકશે.

આઈઆરસીટીસી દર અઠવાડિયે મુંબઈથી એક ટૂરિસ્ટ ટૂર શરુ કરી રહ્યું છે. ૧૭ અને ૨૪ જુલાઈએ તિરુપતિ બાલાજી માટે એક પૅકેજની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પૅકેજમાં એક રાત અને બે દિવસના રોકાણમાં વ્યક્તિ દીઠ ૧૪,૩૦૦ રુપિયાનો ખર્ચ થશે અને તે ત્રણ લોકો શૅર કરી શકશે.

લદ્દાખ માટે છ રાત અને સાત દિવસના પેકેજની કિંમત ૪૦,૫૦૦ રુપિયા છે. તેને પણ ત્રણ લોકો શૅર કરી શકશે. આ ટૂર ૧૦ જુલાઈ, ૧૭ જુલાઈ અને ૭ ઑગસ્ટે શરુ થશે.

કેરલ માટે પાંચ રાત અને છ દિવસના પૅકેજની કિંમત વ્યક્તિ દીઠ ૨૭,૩૦૦ રુપિયા છે. તેને પણ ત્રણ લોકો શૅર કરી શકશે. આ ટૂર ૨ અને ૭ ઑક્ટોબરે શરુ થશે.

આઈઆરસીટીસીએ જણાવ્યું કે, આ પૅકેજમાં મુસાફરી, રોકાણ, પિકનિક, કેટરિંગ અને મુસાફરી વીમા સહિતની દરેક બાબતો સામેલ છે. આ પ્રવાસ ઉપરાંત ઑગસ્ટમાં ભારત દર્શન ટ્રેન શરૂ કરવાની પણ યોજના છે. આ ટ્રેન સોમનાથ, દ્વારકા, સ્ટેચ્યુ ઑફ યુનિટી જેવા સ્થળોની મુલાકાત કરાવશે.

દક્ષિણ ભારતના પ્રવાસ ડિસેમ્બરથી શરૂ થશે જેમાં મુંબઈથી બેંગ્લોર, મૈસુર, રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે. ભારત દર્શન ટૂરમાં સ્લીપર અથવા થ્રી ટાયર એસીની ટિકિટ, ડોરેમેટ્રીમાં રોકાણ, માર્ગ પરિવહન, શાકાહારી ભોજન અને પિકનિક વગેરેનો સમાવેશ થાય છે.

mumbai mumbai news indian railways indian railway catering and tourism corporation