આસામ-મિઝોરમ સરહદે ઘર્ષણમાં ઈજાગ્રસ્ત IPS અધિકારીને મુંબઈ લાવીને સર્જરી કરાઈ

29 July, 2021 10:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૦૯ની બૅચના અધિકારી અને આસામના કાચારમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા વૈભવ નિમ્બાલકરને સોમવારે ઈજા થતાં મંગળવારે સાંજે તેમને મુંબઈ લવાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

વિવાદાસ્પદ આંતરરાજ્ય સરહદે આસામ અને મિઝોરમનાં પોલીસ દળો વચ્ચે થયેલા ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા આઇપીએસ અધિકારી વૈભવ નિમ્બાલકરને વિમાન દ્વારા મુંબઈ લવાયા હતા અને એક ખાનગી હૉસ્પિટલમાં તેમની સર્જરી કરાઈ હોવાની તેમના સાથીઓએ બુધવારે જાણકારી આપી હતી.
મહારાષ્ટ્રના પુણેના વતની, ૨૦૦૯ની બૅચના અધિકારી અને આસામના કાચારમાં પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા વૈભવ નિમ્બાલકરને સોમવારે ઈજા થતાં મંગળવારે સાંજે તેમને મુંબઈ લવાયા હતા.
તેમના એક પરિવારજને જણાવ્યું હતું કે ‘વૈભવ નિમ્બાલકર પર ત્રણ કલાક લાંબી સર્જરી કરાઈ હતી અને તેમના શરીરમાંથી બુલેટ શેલના ટુકડા દૂર કરાયા હતા. હવે તેમને કોઈ ઇન્ફેક્શન ન થાય એનું ધ્યાન રાખવાનું છે. તેમને મોટા ભાગની ગોળીઓ નિતંબ તથા શરીરના નીચલા ભાગમાં વાગી હતી જેના કારણે મહત્ત્વપૂર્ણ અંગોને ગંભીર ઈજા પહોંચી નહોતી. તેમની ત્રણ વર્ષની પુત્રી હજી આસામમાં છે’ 
વૈભવ નિમ્બાલકરની હાલત સ્થિર છે એમ તેમના બૅચમેટ અને મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ એન. અંબિકાએ જણાવ્યું હતું.

mumbai news Mumbai