17 July, 2023 10:37 AM IST | Mumbai | Bakulesh Trivedi
લોકોના 500 કરોડ રૂપિયા ફસાયા હોવાનો અંદાજ છે
મુંબઈ અને સુરતમાં લૅબગ્રોન ડાયમન્ડનું મોટું કામ કરતી જાણીતી કંપનીમાં અનેક ઇન્વેસ્ટરોના લાખો અને કરોડો રૂપિયા અટવાઈ ગયા હોવાની ચર્ચા થોડા વખતથી મુંબઈ અને સુરતના હીરાબજારમાં થઈ રહી છે. એવું કહેવાય છે કે કંપનીનું કામ તો હાલની તારીખે પણ ચાલી જ રહ્યું છે, પરંતુ જેમનાં નાણાં ફસાયાં છે એ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. માર્કેટમાં તો એવું કહેવાય છે કે આ આંકડો ૫૦૦ કરોડ રૂપિયાની આસપાસનો છે. બીજી એક વાત એ છે કે એમને ત્યાં રોકાણ કરનારાઓમાં મોટા ભાગના લોકો માર્કેટના નથી. તેઓ પ્રોફેશનલ્સ એટલે ડૉક્ટરો, વકીલો, ખેડૂતો, બિલ્ડરો છે. એટલે જે લોકો માર્કેટ સાથે સંકળાયેલા નથી એ લોકોએ એમાં નાણાં રોક્યાં છે. માર્કેટના લોકો છે, પણ તેમની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.
આ બાબતે માહિતી આપતાં મુંબઈના હીરાબજારના જ એક વેપારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પાર્ટી હીરાબજારમાં લૅબગ્રોનનું મોટું કામકાજ ધરાવે છે અને ટૉપની કંપનીમાં એનું નામ લેવાય છે. એણે એવી ઑફર આપી કે અમારા લૅબગ્રોન ડાયમન્ડ બનાવવાના અને એની ચકાસણી કરવાના નવી ટેક્નૉલૉજીના મશીનમાં તમે ઇન્વેસ્ટ કરો, તમારા નામે જ અમે મશીન લઈશું, એમાં તૈયાર થયેલા રફ ડાયમન્ડ તમને આપીશું જે તમે માર્કેટમાં સારા ભાવે વેચી શકશો અથવા તમને એ રફ વેચીને નાણાં આપીશું. એ નાણાંની ગણતરી કંપની દ્વારા એવી બતાવાતી હતી કે જો આજે એક કરોડ રૂપિયા રોક્યા હોય તો અઢીથી ત્રણ વર્ષે નાણાં ડબલ થઈ જાય. એથી જે પ્રોફેશનલ્સ પાસે રોકડામાં રૂપિયા પડ્યા હતા તેમણે ટૂંક સમયમાં વધુ વળતર મેળવવાની આશાએ એમાં પૈસા રોકવા માંડ્યા હતા. એટલું જ નહીં, તેમણે પોતાના ઓળખીતા-પાળખીતાને પણ એમાં રોકાણ કરવા કહ્યું હતું. હીરાબજારની આ પાર્ટીનું માર્કેટમાં સારું એવું નામ છે. એથી લોકો વિશ્વાસ મૂકીને તેમની સ્કીમમાં રોકાણ કરતા ગયા હતા. હવે એવું સંભળાય છે કે માર્કેટમાં લૅબગ્રોનમાં કરેક્શન આવ્યું છે અને એથી એની કિંમત ઘટી રહી છે. એથી પાર્ટી હવે રોકડાને બદલે રફ જ ઑફર કરે છે, પણ ભાવ ઘટી જવાને કારણે જે પ્રમાણમાં વળતર મળવાની અપેક્ષા હતી એ નથી મળી રહ્યું અને એથી અનેક લોકોનાં નાણાં તેમની પાસે ફસાઈ ગયાં છે. એ સ્કીમમાં પાર્ટીના પોતાના પૈસા લાગેલા નથી એટલે માર્કેટમાં તો એ ધંધો કરવાની જ છે, પણ જે લોકોનાં નાણાં ફસાયાં છે તેમની હાલત કફોડી થઈ ગઈ છે. વળી એવું પણ સંભળાય છે કે એ પાર્ટી માત્ર કાગળ પર જ લોકોને મશીનના માલિક બનાવતી હતી. સીક્રસીના ઓઠા હેઠળ ઍક્ચ્યુઅલ મશીન બતાવતી નહોતી. એથી એ બાબતે પણ હવે રોકાણકારોના મનમાં શંકા જાગી છે.’
મુંબઈના હીરાબજારના અન્ય એક વેપારીએ આ બાબતે કહ્યું હતું કે ‘માર્કેટની જે પાર્ટીઓએ આમાં નાણાં રોક્યાં છે એ લોકો હાલ તેરી બી ચુપ મેરી ભી ચુપ એમ બેઠા છે. તેમને એવી આશા છે કે નાણાં ભલે મોડા આવે, પણ આવશે. એવું પણ સંભળાઈ રહ્યું છે કે કેટલાક ઇન્વેસ્ટરોએ તો લાંબું રોકાવા કરતાં થોડી ઘણી નુકસાની ભોગવીને પણ સેટલમેન્ટ કરીને છૂટા થવામાં શાણપણનો માર્ગ અપનાવ્યો છે.’
માર્કેટના જ એક અન્ય વેપારીએ કહ્યું હતું કે ‘પાર્ટી સારી જ છે, વર્ષોથી માર્કેટમાં ધંધો કરે છે અને કામકાજ પણ મોટું છે. હાલ કરેક્શન આવતાં ધાર્યું વળતર ન મળે, પણ પાર્ટી ખોટી નથી. વહેલા મોડા લોકોનાં નાણાં પાછાં આપશે એવું લાગી રહ્યું છે.’