તપાસ દરમ્યાન આર્યન ખાન કાવતરામાં સામેલ હોવાનું સામે આવ્યું છે:એનસીબી

14 October, 2021 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્પેશ્યલ કોર્ટે જામીન અરજીની સુનાવણી આજ પર મુલતવી રાખી

આર્યન ખાન

ક્રૂઝ પર અરેન્જ કરાયેલી પાર્ટીમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ પકડેલા બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીનઅરજી પર ગઈ કાલે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે વધુ સુનાવણી ગુરુવાર પર ઠેલતાં બુધવારની રાત પણ આર્યન ખાને આર્થર રોડ જેલમાં જ પસાર કરવી પડી હતી.    
એનસીબીએ ગઈ કાલે તેનો જવાબ ઍફિડેવિટ દ્વારા નોંધાવ્યો હતો જેમાં એણે કહ્યું હતું કે ‘અમને તપાસ દરમ્યાન જણાઈ આવ્યું છે કે આર્યન ખાન ડ્રગ મેળવવા માટે જે વ્યક્તિ સાથે સંપર્કમાં હતો એ આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્ક સાથે સંકળાયેલો હોવાનું લાગી રહ્યું છે. એ સિવાય આ ડ્રગ માટે જે આર્થિક વ્યવહાર થયો છે એ વિદેશમાં થયો છે એથી એ સંદર્ભે પણ તપાસ કરવા સમય મળવો  જરૂરી છે.’ 
એનસીબીએ વધુમાં કહ્યું છે કે ‘આ કેસમાં કોઈ એક આરોપીને જામીન આપવા યોગ્ય નહીં ગણાય, કારણ કે અત્યાર સુધીની તપાસમાં જણાઈ આવ્યા મુજબ એ બધા જ આરોપીઓ આ કાવતરામાં એકબીજા સાથે સંકળાયેલા છે એથી તેમની પાસેથી મળી આવેલા ડ્રગની ક્વૉન્ટિટી એ સેકન્ડરી બની જાય છે. પછી ભલે એમાં કોઈ આરોપી પાસેથી ડ્રગ ન મળ્યું હોય તો પણ એ કાવતરામાં સામેલ ગણાય. આ ગુનાને લગતા બધાં જ પાસાં જેમ કે પ્રિપરેશન, ઇન્ટેન્શન, અટેમ્પ્ટ અને કમિશન એ બધામાં આર્યન ખાનની સંડોવણી છે. આરોપી નંબર-૧ આર્યન ખાન આરોપી નંબર-૨ અરબાઝ મર્ચન્ટ પાસેથી ડ્રગ મેળવવાનો હતો અને આરોપી નંબર-૨ કે જે અન્ય આરોપી જેની પાસેથી ૬ ગ્રામ ચરસ મળી આવ્યું છે તેની સાથે સંકળાયેલો હતો. એથી આ કેસમાં આર્યન ખાનનો રોલ એનડીપીએસ ઍક્ટ મુજબ ગંભીર બને છે. તપાસમાં એ પણ જણાઈ આવ્યું છે કે આર્યન ખાન ડ્રગ મેળવવા અને તેના ડિસ્ટ્રિબ્યુશન સાથે સંકળાયેલો છે. આરોપી અચિત કુમાર અને શિવરાજ હરિજને આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને ચરસ સપ્લાય કર્યું હતું. એથી જ એમ કહેવામાં આવી રહ્યું છે કે આરોપીને ખોટી રીતે ફસાવી દેવામાં આવ્યો છે એ ખોટું અને ગેરમાર્ગે દોરનારું છે. વૉટ્સઍપ ચૅટ અને ફોટો પરથી જણાઈ આવે છે કે કાવતરું ઘડાયું છે. આર્યન ખાન જે રીતે સોસાયટીમાં વગ ધરાવે છે એ જોતાં એ જે સાક્ષીઓને ઓળખે છે તેમના પર દબાણ કરી શકે.’
કોર્ટે આ સાથે જ અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા, નૂપુર સતીજા, મોહક જયસ્વાલ, શ્રેયસ ઐયર અને અવિન સાહુની જામીનઅરજી પણ સાંભળી હતી.

આર્યન ખાન ડ્રગ-પેડલર કે ડ્રગ ટ્રાફિકર નથી : સિનિયર ઍડ્વોકેટ અમિત દેસાઈ 

આર્યન ખાન વતી જામીનઅરજી માટે રજૂઆત કરતાં સિનિયર અૅડ્વોકેટ અમિત દેસાઈએ કહ્યું હતું કે ‘તેની પાસેથી ડ્રગ મળ્યું નથી, તે ડ્રગ્સની ખરીદી કે વેચાણ સાથે પણ સંકળાયેલો નથી. તેઓ ડ્રગ-પેડલર કે ડ્રગ ટ્રાફિકર નથી. તેમને હવે સબક મળી ગયો છે. બીજું, ઘણા દેશોમાં આ ડ્રગ્સ કાયદેસર પણ ગણાય છે અને એથી આરોપીની સાથે આવો વર્તાવ ન કરવો જોઈએ. આ લોકોને સજા ન મળવી જોઈએ. તેમને હવે સબક મળી ગયો છે. આર્યન ખાન પર તે આંતરરાષ્ટ્રીય ડ્રગ ટ્રાફિકિંગ સાથે સંકળાયેલો છે એવો આરોપ થોપી દેવામાં આવ્યો છે. વળી તેની પાસે કૅશ જ નહોતી કે તે કંઈ ખરીદી કે વેચી શકે.’

Mumbai mumbai news aryan khan