ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશને બેસ્ટ પ્રશાસનની કરી પ્રશંસા

03 December, 2020 09:55 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશને બેસ્ટ પ્રશાસનની કરી પ્રશંસા

કોરોના રોગચાળામાં બેસ્ટના કર્મચારીઓનો રિકવરી રેટ ૯૫ ટકા છે

રોગચાળા દરમ્યાન કર્મચારીઓનાં આરોગ્યની કાળજી રાખવામાં શ્રેષ્ઠતા બદલ ઇન્ટરનૅશનલ લેબર ઑર્ગેનાઇઝેશન (આઇએલઓ)ના તંત્રે મુંબઈ શહેરની સાર્વજનિક પરિવહન સેવા અને તળ મુંબઈમાં વીજપુરવઠાની કામગીરી સંભાળતા તંત્ર બેસ્ટ અન્ડરટેકિંગની ખૂબ પ્રશંસા કરી છે. કોરોના ઇન્ફેક્શન ધરાવતા કર્મચારીઓની નિગરાણી માટેની બેસ્ટની કોવિડ રિસ્પૉન્સ ટીમ અને ટેલિમોનિટરિંગ સિસ્ટમને સંયુક્ત રાષ્ટ્ર સંઘ સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને બહુમાનને પાત્ર ગણ્યું છે.

૪૦,૦૦૦ કર્મચારીઓના ટૅકિંગ અને સતર્કતા માટે ‘બેસ્ટ હેલ્થ ઍન્ડ વેલનેસ અપ્રોચ’ની આઇએલઓની વૉલન્ટિયરી કાઉન્સેલિંગ ઍન્ડ ટેસ્ટિંગ (vct@work) હેલ્થ ઍન્ડ વેલનેસ ઍટ વર્ક જર્નલમાં પ્રશંસા કરવામાં આવી છે. બેસ્ટના તંત્રની કાળજીને કારણે ગયા એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ૨૩૪૦ કોરોના પૉઝિટિવ કર્મચારીઓમાંથી ૨૧૨૫ કર્મચારી સંપૂર્ણ સાજા થઈ ગયા હતા.

બેસ્ટના ચીફ મેડિકલ ઑફિસર (સીએમઓ) ડૉ. અનિલ કુમાર સિંઘલે જણાવ્યું હતું કે ‘બેસ્ટના આરોગ્ય વિભાગે શહેરનાં ૨૭ બસ-સ્ટૉપ્સ પર ઍન્ટિજન ટેસ્ટની સુવિધા શરૂ કરી હતી. આઇએલઓના એશિયાના પ્રતિનિધિએ રોગચાળો પૂર્ણરૂપે સક્રિય હતો એ એપ્રિલ-મે મહિનાના ગાળામાં અમારો સંપર્ક સાધ્યો હતો. ત્યાર પછી તેમણે બેસ્ટના કોવિડ રિસ્પૉન્સની વિગતો મેળવવાની અને નિરીક્ષણની શરૂઆત કરી હતી. અમે કર્મચારીઓને રોગપ્રતિકારક શક્તિ માટે વિટામિન સી અને ડી તથા ઝિન્કની ગોળીઓની ૧૧,૧૪,૨૭૧ સ્ટ્રીપ્સ વહેંચી હતી. મહત્ત્વના ઠેકાણે ટેમ્પરેચર ચેકિંગની વ્યવસ્થા રાખવામાં આવી હતી. લાંબી રજા પર ઊતરેલા ૨૧,૨૨૫ કર્મચારીઓની પ્રવાસ અને હૉસ્પિટલો અને કન્ટેનમેન્ટ ઝોન્સ, સીલ કરેલાં સ્થળોની મુલાકાતોની હિસ્ટરી હતી. ઘણાએ મોટા સામુહિક મેળાવડામાં હાજરી આપી હતી અને કેટલાક કોરોના પૉઝિટિવ દરદીઓના સંપર્કમાં આવ્યા હતા. એ બધાનાં તબીબી પરીક્ષણો કરવામાં આવ્યાં હતાં અને ૨૦૦૦ કર્મચારીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.’

mumbai mumbai news brihanmumbai electricity supply and transport rajendra aklekar