27 August, 2025 06:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રોજ ૮ કલાકના સમયગાળામાં ભોજન કરવાનું અને પછી ૧૬ કલાક ઉપવાસ કરવાનું એ સિસ્ટમને ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહેવાય છે. ડાયાબિટીઝ ઍન્ડ મેટાબૉલિક સિન્ડ્રૉમ નામની જર્નલમાં છપાયેલા લેટેસ્ટ અભ્યાસ મુજબ આવું કરવાથી હૃદયરોગને કારણે મૃત્યુ થવાનું જોખમ બમણું થઈ જાય છે.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ વજન ઘટાડવા માટે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ સુધારવા માટે, બ્લડપ્રેશર અને સોજો ઘટાડવા માટે તેમ જ શરીરમાં ચરબીનું પ્રમાણ સુધારવા માટે મદદ કરે છે એવું મનાય છે. જોકે તાજેતરમાં થયેલા અભ્યાસમાં એવું જોવા મળ્યું છે કે જે લોકો દિવસમાં ૮ કલાકથી ઓછા સમયમાં ખાવાનું ખાય છે તેમને ૧૨થી ૧૪ કલાકના સમયગાળામાં ભોજન કરતા હોય એવા લોકો કરતાં હાર્ટ-અટૅક અને સ્ટ્રોકને કારણે મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે. અમેરિકન નૅશનલ હેલ્થ ઍન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે દ્વારા ૧૯,૦૦૦ લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં આ નિષ્કર્ષ નીકળ્યો હતો. અભ્યાસમાં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગની કૅન્સર અને અન્ય કારણસર થતા મૃત્યુદરના સંદર્ભે પણ તપાસ કરવામાં આવી હતી. જોકે સંશોધકોએ નોંધ્યું હતું કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને કૅન્સર કે અન્ય કારણસર થતાં મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી, પરંતુ હૃદયરોગને કારણે થતાં મૃત્યુનું જોખમ દરેક પ્રકારના લોકોમાં વધે છે. અભ્યાસના મુખ્ય સંશોધક વિક્ટર ઝોન્ગનું કહેવું છે કે ‘જે લોકો લાંબા સમય સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવીને દિવસમાં માત્ર ૮ કલાકમાં જ ખાય છે તેમણે લાંબા ગાળે હૃદય અને હૃદયની રક્તવાહિનીઓના સ્વાસ્થ્ય માટે સાવધાન રહેવું જરૂરી છે.’
ફૉર્ટિસ હૉસ્પિટલના અંતઃસ્રાવી ગ્રંથિઓના નિષ્ણાત ડૉ. અનુપ મિશ્રાએ કહ્યું હતું કે ‘ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ આપણી આહારશૈલીનું સિમ્પલ અને સસ્તું સાધન છે, પરંતુ આ બાબતે વધુપડતો ઉત્સાહ દાખવનારાઓએ એનું જોખમ પણ ધ્યાનમાં લેવું જોઈએ. જ્યાં સુધી લાંબા ગાળાની અસરો વિશેનો ડેટા મળતો નથી ત્યાં સુધી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરતી વખતે વ્યક્તિગત ધોરણે નિષ્ણાતનું સુપરવિઝન જરૂરી છે. જે લોકોને પહેલેથી કોઈ સ્વાસ્થ્યની સમસ્યા છે અને ટૂંકા ગાળા માટે આ ફાસ્ટિંગ સિસ્ટમ અપનાવતા હોય તેમણે ખાસ ધ્યાન રાખવું જોઈએ.’