વીમા-કંપનીઓને ઇરડાનું ઇન્જેક્શન

01 October, 2011 09:16 PM IST  | 

વીમા-કંપનીઓને ઇરડાનું ઇન્જેક્શન

 

જયેશ ચિતલિયા

મુંબઈ, તા. ૧

માત્ર સમયઅવધિની શરતને લીધે મેડિક્લેમના જેન્યુઇન દાવા રિજેક્ટ થાય નહીં એની સાવચેતી રાખવાના આદેશથી લાખો લોકોને રાહત થશે

આ માટે પોતાની પૉલિસીની શરતોના શબ્દોમાં જરૂરી-વ્યવહારુ સુધારો કરવા જણાવ્યું છે. ઇરડાના આ પગલાને લીધે લાખો પૉલિસીધારકોને રાહત થશે.

લોકો પેટે પાટા બાંધીને પણ મેડિક્લેમ પૉલિસી લે છે અને એનાં નિયમિત પ્રીમિયમ ભરે છે. એમ છતાં જો વ્યક્તિ દ્વારા પોતાની આ માંદગી કે હૉસ્પિટલમાં લેવી પડેલી સારવાર બાબત વીમા-કંપનીને જાણ કરવામાં સાત દિવસથી વધુ વિલંબ થઈ જાય તો તેને આ માંદગીના ખર્ચ સામે પૉલિસીનો લાભ નથી મળતો, કેમ કે આવા દાવાઓ વીમા-કંપનીઓ બેધડક રિજેક્ટ કરી દે છે. ઇરડાએ આ વિષયમાં વીમા-કંપનીઓને એની આ સાત દિવસની શરતમાં સુધારો કરવા જણાવ્યું છે, જેમાં પ્રામાણિક દાવેદાર પૉલિસીધારકને અન્યાય ન થાય એવો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.

વીમા-કંપનીઓ સામે આ મામલે લાંબા સમયથી લડત ચલાવનાર સ્મૉલ સેવિંગ એજન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ જયેશ પારેખે ઇરડાના આ પત્ર વિશે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ સક્યુર્લરને લીધે અનેક જેન્યુઇન લોકોના ક્લેમ પાસ કરવાની બાબત સરળ થશે અને ખરેખરા પ્રામાણિક પૉલિસીધારકોને અન્યાય નહીં થાય. અત્યાર સુધી એવું ચલણ રહ્યું છે કે વ્યક્તિ માંદી પડે અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થાય એ પછીના સાત દિવસમાં કંપનીને જાણ ન કરે અને ચોક્કસ દિવસો બાદ પોતાનો દાવો કંપની પાસે નોંધાવે તો કંપની એને સીધેસીધો રિજેક્ટ કરી દેતી હતી, વ્યક્તિ માંદી પડે અને હૉસ્પિટલમાં ઍડ્મિટ થાય એ પછીના સંજોગો નાજુક હોય છે. આવા વખતે એક યા બીજા કારણસર પૉલિસીધારકથી પોતાના વિશેની જાણ કરવામાં વિલંબ થઈ જાય એવું બની શકે છે, પરંતુ માત્ર આ સમયના વિલંબને કારણે જ તેનો ક્લેમ રિજેક્ટ કરી દેવો વાજબી નથી એવા મત સાથે ઇરડાએ વીમા-કંપનીઓને એક સક્યુર્લર મોકલીને કહ્યું છે કે વીમા-કંપનીઓ પોતાની આ શરતના શબ્દોમાં જરૂરી અને વ્યવહારુ ફેરફાર કરે. જોકે એ માટે પૉલિસીધારક ગમે એટલા સમય બાદ પોતાનો ક્લેમ નોંધાવે તો ચાલી જશે એવું નથી.’

ઇરડાએ જણાવ્યું હતું કે કંપની માત્ર સમય-વિલંબ અથવા દસ્તાવેજમાં વિલંબ જેવા ટેક્નિકલ કારણસર ક્લેમ રિજેક્ટ કરી દે એ વાજબી ન કહેવાય. કંપની ભલે અપ્રામાણિક કે ખોટા દાવાઓ પ્રત્યે સાવચેત રહે, પણ આમ કરવામાં સાચા દાવાઓને અન્યાય ન થાય એ જોવું વધુ મહત્વનું છે, કારણ કે જો આ માર્ગે ખરેખરા જેન્યુઇન દાવાઓ પણ રિજેક્ટ થતા રહેશે તો લોકોને વીમા-કંપનીઓ પર વિશ્વાસ નહીં રહે. વીમા-કંપનીઓ પાસે ક્લેમ રિજેક્ટ કરવા માટે નક્કર અને ઠોસ દાવા હોવા જરૂરી છે.

જયેશ પારેખ સહિતના વીમા-એજન્ટોએ આ મામલે લાંબા સમયથી ઇરડા સમક્ષ રજૂઆત કરી હતી તેમ જ ઇરડા પાસે અનેક ફરિયાદો પણ જમા થઈ હતી, જેના પરિણામસ્વરૂપ ઇરડાએ આ પગલું ભર્યું છે. આને લીધે અનેક પૉલિસીધારકોને રાહત થશે.