30 September, 2025 10:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BJPના પ્રવક્તા કેશવ ઉપાધ્યે
રાજ્યમાં પડેલા જોરદાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ ગયા અઠવાડિયે પાંચ જિલ્લાનાં અલગ-અલગ ગામડાંઓમાં જઈને, ખેતરમાં ઊભા રહીને ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોને આશ્વાસન આપતાં કહ્યું હતું કે ‘હું તમારા વતી રજૂઆત કરીશ. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. ખભેખભા મિલાવીને અમે ઊભા છીએ.’
ગઈ કાલે એ જ વાતને યાદ કરાવીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉદ્ધવ ઠાકરેને ટોણો માર્યો હતો. BJPના પ્રવક્તા કેશવ ઉપાધ્યેએ સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવરાવ, દશેરા મેળાવડો રદ કરીને એમાં થનારા ખર્ચના રૂપિયા ખેડૂતોને મદદરૂપે આપી દો. બાકી તેમને મળીને તમે જે દુ:ખ વ્યક્ત કર્યું કે તેમને જે દિલસોજી આપી, જે વ્યથા વ્યક્ત કરી એ બધાનો કશો અર્થ નથી. જ્યારે બાળાસાહેબ હતા ત્યારે દશેરાના મેળાવડામાં વિચારોનું સોનું લૂંટાવતા હતા. હવે તો ‘મારો પક્ષ ચોરી લીધો’, ‘મારો પક્ષ ચોરી લીધો’ જેવી એકની એક ટેપ વાગતી રહે છે. એને માટે કાર્યકરોને શું કામ ખર્ચો કરાવીને દંડ આપવો જોઈએ. તમારું એ ગાણું ‘સામના’માં રોજ વગાડો જ છો.’