ડીસીપીના બંગલામાં ચાલતા સેક્સ-રૅકેટ મામલે પોલીસની ઉચ્ચ સ્તરની તપાસ શરૂ

30 December, 2011 05:12 AM IST  | 

ડીસીપીના બંગલામાં ચાલતા સેક્સ-રૅકેટ મામલે પોલીસની ઉચ્ચ સ્તરની તપાસ શરૂ

 

ગઈ કાલે ‘મિડ-ડે’માં વર્સોવાના ચાર બંગલા વિસ્તારમાં આવેલા ક્લિયોપેટ્રા-ડે સ્પામાં ૧૦ ડિસેમ્બરે મુંબઈપોલીસની સોશ્યલ સર્વિસ બ્રાન્ચ દ્વારા રેઇડ પાડવામાં આવી હોવાનો અહેવાલ છાપવામાં આવ્યો હતો. આ વિશે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ બંગલો ડીસીપી નંદકુમાર ચૌગુલેનો છે.

સોશ્યલ સર્વિસ બ્રાન્ચે નંદકુમાર તથા સરોજ ભાકુની વચ્ચે થયેલા લિવ ઍન્ડ લાઇસન્સ કરારની તપાસ શરૂ કરી છે. ડીસીપીનાં પત્ની માધુરીના નામ પર બોલાતા આ બંગલામાં સરોજ દ્વારા સ્પા ચલાવવામાં આવતો હતો. ઝોન-૪ના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ  પ્રતાપ દિગ્વિજયકરે કહ્યું હતું કે અમે રેન્ટ-ઍગ્રીમેન્ટની માગણી કરી છે તથા એનો અભ્યાસ કરી રહ્યા છીએ. નંદકુમારનો કેસ વર્સોવા પોલીસ-સ્ટેશનમાં ચાલી રહ્યો છે એ પ્રતાપ દિગ્વિજયકરના તાબા હેઠળ આવેલું છે. મુંબઈપોલીસે પણ આ કેસ વિશે તપાસ શરૂ કરી છે. પોતાનું નામ ન જણાવવાની શરતે એક સિનિયર પોલીસ-ઓફિસરે કહ્યું હતું કે ‘ સોશ્યલ સર્વિસ બ્રાન્ચે વર્સોવા પોલીસ-સ્ટેશન પાસેથી રેન્ટ-ઍગ્રીમેન્ટ મેળવી તપાસ શરૂ કરી છે. નંદકુમાર વિરુદ્ધ કાયદા પ્રમાણે કયાં પગલાં લઈ શકાય એ બાબતે અમે કાર્ય કરી રહ્યા છીએ.’

એસીબીના એક પોલીસ-ઑફિસરે કહ્યું હતું કે ‘અમે આ વિશેનો સંપૂર્ણ અહેવાલ મગાવ્યો છે અને ત્યાર બાદ કાર્યવાહી કરીશું. સંપૂર્ણ તૈયારી બાદ જ કયાં પગલાં લઈ શકાય એ વિશેનો નિર્ણય લઈશું.’