અપક્ષ વિધાનસભ્ય રવિ રાણા સામે પોલીસે વૉરન્ટ જાહેર કર્યું

19 June, 2022 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો તેમની ધરપકડ થાય તો સોમવારે યોજાનારી વિધાન પરિષદમાં વિરોધ પક્ષ બીજેપીને મોટો ફટકો પડવાની શક્યતા છે

રવિ રાણા

અપક્ષ ઉમેદવાર રવિ રાણા સામે બિનજામીનપાત્ર વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. અમરાવતીના કમિશનર પર શાહી ફેંકવાના મામલામાં આ વૉરન્ટ જાહેર કરવાની સાથે તેમના અમરાવતીના ઘરે પોલીસ પહોંચી હોવાનું કહેવાય છે. જો તેમની ધરપકડ થાય તો સોમવારે યોજાનારી વિધાન પરિષદમાં વિરોધ પક્ષ બીજેપીને મોટો ફટકો પડવાની શક્યતા છે. 
અમરાવતી પોલીસ વિધાનસભ્ય રવિ રાણાના ઘરે ગઈ કાલે પહોંચી હતી ત્યારે તેઓ ઘરે હાજર ન હોવાથી તેમણે વૉરન્ટ સ્વીકાર્યું ન હોવાનું જાણવા મળ્યું હતું.

અપક્ષ વિધાનસભ્ય રવિ રાણાએ આ બાબતે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડી સરકાર ભયંકર દબાણમાં છે. વિધાન પરિષદની ચૂંટણીમાં હું બીજેપીને મતદાન ન કરી શકું એ માટે આ વૉરન્ટ કાઢવામાં આવ્યું છે. મુંબઈ અને અમરાવતીના પોલીસ કમિશનરો અમારા ખાર ખાતેના ઘરે પહોંચ્યા હતા. મને પોલીસ શોધી રહી છે, પરંતુ હું પોલીસને કાયદેસરનો જવાબ આપીશ. એટલું જ નહીં, વિધાન પરિષદમાં બીજેપીના ઉમેદવાર ચૂંટાઈને આવે એ માટેના તમામ પ્રયાસ કરીશ.’

mumbai mumbai news