ઇન્દોરની યુવતીના હાર્ટે આપ્યું વિક્રોલીની ટીનેજરને જીવતદાન

04 January, 2016 03:34 AM IST  | 

ઇન્દોરની યુવતીના હાર્ટે આપ્યું વિક્રોલીની ટીનેજરને જીવતદાન



સદ્ગુરુ પંડિત

દિવસ ને દિવસે શરીરના અવયવોના ડોનેશન પ્રત્યે જાગરૂકતા વધી રહી છે. પહેલાં લોકો આંખ ડોનેટ કરીને જોઈ ન શકતા લોકોને દૃષ્ટિ આપતા હતા. પછી ત્વચાનું દાન કરીને દાઝી ગયેલા દરદીઓને બચાવવા માટે લોકો આગળ આવ્યા. ત્યાર બાદ લિવર અને હવે હાર્ટના ડોનેશનથી અનેક લોકોને જીવતદાન મળી રહ્યું છે. થોડા સમય પહેલાં સુરતનો એક યુવાન મુંબઈના એક હાર્ટ-પેશન્ટને તેનું હાર્ટ ડોનેટ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે બે દિલોનું મિલન કરાવવામાં નિમિત્ત બન્યો હતો. આનાથી ઇન્ટરસ્ટેટ હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહન મળ્યું હતું.

આવા જ બનાવમાં ગઈ કાલે વિક્રોલીની એક ટીનેજરને મધ્ય પ્રદેશની એક યુવતીએ હાર્ટ ડોનેટ કરીને તેને નવું જીવન આપ્યું હતું. નાની વયની બે વ્યક્તિઓના હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટની આ પહેલી જ ઘટના હતી જેનું શ્રેય મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલના ડૉક્ટરોને મળ્યું હતું. આનાથી હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટના એક નવા યુગની શરૂઆત થઈ છે અને સેંકડો યુવાનોના હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનો રાહ ખુલ્લો થયો છે.

મધ્ય પ્રદેશના ઇન્દોરની ૨૦ વર્ષની યુવતીને ચોઇથરામ હૉસ્પિટલમાં શનિવારે માથામાં ઈજા થવાથી દાખલ કરવામાં આવી હતી. ડૉક્ટરોને તપાસમાં જાણવા મળ્યું કે તેનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. આ બાબતની માહિતી આપતાં ડૉ. પ્રદીપ સાલગિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાંજના ચાર વાગ્યે આ યુવતીને માથામાં ગંભીર ઈજા સાથે અમારી હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. સમય જતો ગયો એમ તે ભાન ગુમાવવા લાગી હતી. રવિવાર સવાર થતાં તો તેનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. આ સંજોગામાં તેના પરિવારને હૉસ્પિટલ સાથે સંકળાયેલી બિનસરકારી સંસ્થાએ અને ડૉક્ટરોએ તેના અવયવો ડોનેટ કરીને અન્ય લોકોને જીવતદાન આપવાની સલાહ આપી હતી જે તેના પરિવારે સ્વીકારી લીધી હતી. તેની કિડની સિવાયના અવયવો ડોનેટ થઈ શકે એવા હતા.’

ચેન્નઈની મુસ્કાન નામની સંસ્થાએ તેના અવયવો કોને કામ લાગી શકે એમ છે એ શોધવા માટે મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલ સહિત અનેક જગ્યાએ સંપર્ક કરવાની શરૂઆત કરી દીધી હતી એમ જણાવતાં ડૉ. પ્રદીપ સાલગિયાએ કહ્યું હતું કે ‘મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં વિક્રોલીની ૧૬ વર્ષની સ્વીડન ડિસોઝાને હાર્ટની જરૂર હતી. તેમને આ સમાચાર મળતાં જ કાર્ડિઍક સજ્ર્યન અન્વય મૂલેની ડૉક્ટર-ટીમ ઇન્દોર હાજર થઈ ગઈ હતી.’

ફોર્ટિસના ઝોનલ ડિરેક્ટર ડૉ. એસ. નારાયણીએ આખી ઘટના બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોનરનું બ્લડ-ગ્રુપ ખ્ પૉઝિટિવ હતું અને તેનું વજન ૩૫થી ૪૦ કિલો હતું. સ્વીડન ડિસોઝાનું પણ બ્લડ-ગ્રુપ ખ્ પૉઝિટિવ હોવાથી હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટનો માર્ગ ખુલ્લો થઈ ગયો હતો. ઇન્દોરથી સવારે ૭.૧૧ વાગ્યે રવાના થયેલું હાર્ટ મુલુંડમાં સવારે ૯.૦૮ વાગ્યે પહોંચ્યું હતું અને પછી ૨.૪૪ વાગ્યે સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. પહેલાં ગુજરાત અને પછી મધ્ય પ્રદેશના હાર્ટ-ડોનરો દેશભરના હાર્ટ-પેશન્ટો માટે એક નવી આશાનું કિરણ બનીને આવ્યા હતા.’

ટાઇમલાઇન

શુક્રવાર

૨૦ વર્ષની યુવતીને માથામાં ઈજા થતાં તે કોમામાં સરી પડી.

શનિવાર

૧૦:૦૦ am : ન્યુરોલૉજિસ્ટોએ યુવતીને બ્રેઇન ડેડ જાહેર કરી.

૦૪:૦૦ pm : યુવતીના કુટુંબીજનો અંગદાન માટે ચોઇથરામ હૉસ્પિટલમાં પહોંચ્યા.

રવિવાર

૦૭:૧૧ am : હૃદય ચોઇથરામ હૉસ્પિટલથી નીકળ્યું

૦૭:૨૪ am : હૃદય ઇન્દોર ઍરપોર્ટ પર પહોંચ્યું.

૦૭:૪૧ am : ઍર-ઍમ્બ્યુલન્સે ઇન્દોરથી મુંબઈ માટે

ટેક-ઑફ કર્યું.

૦૮:૪૯ am : ઍર-ઍમ્બ્યુલન્સ મુંબઈ પહોંચી.

૦૮:૫૧ am : ઍમ્બ્યુલન્સ હૃદય સાથે મુંબઈ ઍરપોર્ટથી નીકળી.

૦૯:૦૭ am : હૃદય મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં પહોંચ્યું.

૦૯:૦૮ am : હૃદયને સીધું ઑપરેશન થિયેટરમાં લઈ જવાયું.

૦૨:૪૪ pm : પેશન્ટની સ્થિતિ સ્થિર લાગતાં તેને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં ખસેડવામાં આવી.