06 December, 2025 08:35 AM IST | Mumbai | Darshini Vashi
ગઈ કાલે બપોરે મુલુંડમાં જેનાં લગ્ન હતાં એ પ્રજ્ઞા-મોહિતની કંકોતરી
લગ્નના દિવસે આંગણે જાન ન આવે ત્યારે કન્યાની અને તેના ઘરના લોકોની મનોદશા કેવી થતી હશે એની કલ્પના કરવી મુશ્કેલ છે. એ પણ એવા કારણસર જેની ક્યારેય કલ્પના પણ ન કરી હોય. ઇન્ડિગો ઍરલાઇન્સની છેલ્લા કેટલાક દિવસોથી કૅન્સલ થઈ રહેલી ફ્લાઇટ્સને લીધે હજારો લોકો મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાં સુધી કે એને લીધે લગ્ન પણ અટકી ગયાં છે. મુંબઈની મહારાષ્ટ્રિયન કન્યાને પરણવા માટે દિલ્હીનો દુલ્હો જાન લઈને આવવાનો હતો, પરંતુ ઇન્ડિગોની ફ્લાઇટ કૅન્સલ થઈ જવાને લીધે ન તો જાન મુંબઈ આવી શકી અને ન તો વરરાજા; અને આખરે જે દિવસે લગ્ન થવાનાં હતાં એ દિવસે લગ્ન જ ન થઈ શક્યાં.
મારી પાસે બોલવા માટે શબ્દો નથી, મારાં ૮૦ વર્ષનાં માતા-પિતા તો અત્યારે ખૂબ જ રડી રહ્યાં છે એમ ભારે હૃદય સાથે પોતાની મનોવ્યથા ‘મિડ-ડે’ સમક્ષ રજૂ કરતાં વિક્રોલીમાં રહેતી પ્રજ્ઞા ભડાંગે કહે છે, ‘મારાં અને મોહિતનાં શુક્રવારે સવારે મુલુંડના પદમાવતી બૅન્ક્વેટ હૉલમાં લગ્ન હતાં. મોહિત અને તેમના પરિવારના સભ્યો ગુરુવારે સવારની ઇન્ડિગોની ફ્લાઇટ પકડીને દિલ્હીથી મુંબઈ આવવાના હતા. તેઓ દિલ્હી ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે ફ્લાઇટ બે કલાક મોડી છે. બે કલાક પછી ફરી અનાઉન્સમેન્ટ થઈ કે ફ્લાઇટ હજી બે કલાક મોડી ઊપડશે. એમ કરતાં-કરતાં રાત થઈ ગઈ. અમે અહીં તેમની સાથે ફોન પર કૉન્ટૅક્ટમાં હતા. અમને બન્નેને હતું કે ફ્લાઇટ કૅન્સલ થઈ હોવાની અનાઉન્સમેન્ટ નથી થઈ એટલે ફ્લાઇટ વહેલી-મોડી પણ ઊપડશે તો ખરી. એટલે મેં અહીં બધી તૈયારી ચાલુ કરાવી દીધી હતી. હલ્દીની રસમ પણ મેં કરી લીધી. અહીં સુધી કે અમે શુક્રવારે સવાર સુધી પૉઝિટિવ રહ્યા હતા કે ફ્લાઇટ ઊપડશે. જોકે સવારે મને તેમનો ફોન આવ્યો કે ઑથોરિટી ઍરપોર્ટ ખાલી કરાવી રહી છે, હવે શું કરીએ? તેઓ પણ ખૂબ જ શૉકમાં હતા. મોહિત અને તેના પરિવારના સભ્યો લગભગ ૨૦ કલાક ઍરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા રહ્યા. તેમની સાથે તેમના પરિવારનું એક નાનકડું બાળક પણ હતું. સામાન પણ ચેક-ઇન કરાવી દીધો હતો. એક વખત સામાન મૂકીને ઍરપોર્ટ પરથી બહાર આવી જાય, પણ ફલાઇટ કૅન્સલ થઈ હોવાની કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી તો પછી તેઓ બહાર પણ કેવી રીતે નીકળે. ઍરપોર્ટ પર સતત પ્લેન મોડું ઊપડશે એવી જ અનાઉન્સમેન્ટ થતી હતી. શુક્રવારે તો સવારથી હૉલ પર મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા. જેવી ખબર પડી કે પ્લેન ઊપડશે નહીં એની સાથે હૉલમાં હાજર તમામ લોકોને શૉક જ લાગી ગયો હતો. મારાં મમ્મી-પપ્પા ખૂબ વયોવૃદ્ધ છે એટલે મેં તેમને પણ ખૂબ જ શાંતિથી અને ધીમે-ધીમે બધી વાત જણાવી જેથી તેમને આઘાત ન લાગે. છતાં તેઓ સવારથી ખૂબ જ રડી રહ્યાં છે. જો ઇન્ડિગોના લોકોને ખબર જ હતી કે ફ્લાઇટ ઊપડવાની જ નથી તો પછી શું કામ લોકોને ફ્લાઇટની આશાએ ઍરપોર્ટ પર બેસાડી રાખવામાં આવે છે? પહેલાં જ કહી દેવું જોઈએ કે ફ્લાઇટ નથી ઊપડવાની તો લોકો પોતાની વ્યવસ્થા કરી શકે.’
પ્રજ્ઞા અને મોહિતનાં લગ્ન જ્યાં થવાના હતા એ પદ્માવતી બૅન્ક્વેટ હૉલના તથા શ્રીરથ કેટરર્સના ઓનર મિતેષ પલણ કહે છે, ‘૪૦૦ માણસોનું ખાવાનું બગડ્યું તે બગડ્યું, પણ એના કરતાં વધારે લગ્નના દિવસે લગ્ન જ ન થઈ શક્યાં એ સૌથી મોટી દુઃખદ વાત કહેવાય. થોડી-થોડી વારે છોકરીને દિલ્હીથી તેના ભાવિ હસબન્ડનો ફોન આવે કે ફ્લાઇટ થોડી વારમાં ઊપડશે એટલે તે ખુશ થઈ જતી અને પાછો ફોન આવે કે ફ્લાઇટ લેટ થશે એટલે પાછી નિરાશ થઈ જતી. તો પણ તેણે આશા છોડી નહોતી. તેને વિશ્વાસ હતો કે શુક્રવાર સવાર સુધીમાં ફ્લાઇટ નિયમિત થઈ જશે, પણ એવું ન થયું. તેને એટલો વિશ્વાસ હતો કે તેણે શુક્રવારે અમારી પાસે મહેમાનો માટે સવારનો નાસ્તો પણ બનાવ્યો હતો. બપોરના ભોજનની પણ વ્યવસ્થા થઈ ચૂકી હતી. તેને એમ પણ હતું કે જો સાંજ પણ થઈ જશે તો સાંજે પણ લગ્નનું એક મુહૂર્ત છે ત્યારે લગ્ન કરી લઈશ. જોકે લગ્ન જ ન થઈ શક્યાં. આ સિવાય તેણે અમને જ નહીં, દરેક જણને પેમેન્ટ પહેલાં જ કરી દીધું હતું એ બધું વેડફાઈ ગયું એ અલગ. પ્રજ્ઞા ઇચ્છતી હતી કે મુંબઈમાં લગ્ન થાય, કેમ કે તેના પેરન્ટ્સ મોટી ઉંમરના છે એટલે તેઓ દિલ્હી સુધી મુસાફરી નહીં કરી શકશે. તેથી તેણે હૉલથી લઈને બધી વસ્તુઓ પાછળ પોતાના પૈસા ખર્ચ્યા હતા. આટલી બધી મહેનત કરવા છતાં તેનાં લગ્ન જ ન થઈ શક્યાં એ માટે મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. એ માટે હું મારાથી બનતું તમામ કરીશ. હું તો એમ જ કહીશ કે આ લગ્ન કૅન્સલ થવાને લીધે જેટલા પણ પૈસા તે છોકરીના ખર્ચાયા છે એ બધા ઇન્ડિગોએ તેને પરત કરવા જોઈએ.’