ઘાટકોપરમાં લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આપતી ભારતની પહેલવહેલી બ્લડ-બૅન્ક શરૂ થઈ

05 October, 2011 08:41 PM IST  | 

ઘાટકોપરમાં લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આપતી ભારતની પહેલવહેલી બ્લડ-બૅન્ક શરૂ થઈ



ભારતમાં લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આપતી આ પ્રથમ બ્લડ-બૅન્ક છે. થૅલેસેમિયા, ડાયાલિસિસ અને લ્યુકેમિયા જેવા રોગોના દરદીઓ કે જેમને વારંવાર લોહીની જરૂર પડે છે તેઓ માટે લ્યુકો ડિપ્લેટેડ બ્લડ ખૂબ જ ઉપયોગી બનશે.

પરેલમાં આવેલી તાતા મેમોરિયલ કૅન્સર હૉસ્પિટલ લ્યુકો ડિપ્લેટેડ બ્લડ બનાવે છે, પરંતુ આ બ્લડ ફક્ત તાતા મેમોરિયલ કૅન્સર હૉસ્પિટલના દરદીઓ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે; જ્યારે ઘાટકોપરની સવોર્દય હૉસ્પિટલ સમર્પણ બ્લડ-બૅન્કમાં તૈયાર થયેલા લ્યુકો ડિપ્લેટેડ બ્લડનો સ્ટૉક જાહેર જનતા માટે પણ છે.

લ્યુકો ડિપ્લેટેડ બ્લડ વિશે વિસ્તૃત માહિતી આપતાં બ્લડ-બૅન્કના ઇન્ચાર્જ ડૉક્ટર અનિલ જાદવે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમારે ત્યાં થૅલેસેમિયાના ૧૦૫ બાળદરદીઓ મુંબઈની કોઈ પણ સંસ્થા કરતાં વધારે છે. તેમને માટે લ્યુકો ડિપ્લેટેડ બ્લડ અત્યંત જરૂરી છે. અત્યાર સુધી રક્તદાતાનું લોહી જ્યારે દરદીને ચડાવવામાં આવતું ત્યારે દરદીને એની આડઅસર થતી હતી જેમ કે ધ્રુજારી અને ખૂજલી થવી. કોઈ કેસમાં તો દરદીનું મોત પણ થતું હતું. પરંતુ આધુનિક યંત્રથી તૈયાર થયેલું લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આવી સંભાવનાને ઑલમોસ્ટ ઝીરો કરી નાખે છે. આ ટેક્નૉલૉજીને કારણે લોહીમાં રહેલા સફેદ રક્તકણ નાશ પામે છે. એને લીધે આડઅસરના ચાન્સિસ ઝીરો થઈ જાય છે. એ જ રીતે આ ટેક્નૉલૉજીથી લાલ રક્તકણ, પ્લેટલેટ્સ અને પ્લાઝમા લોહીમાંથી અલગ થઈ જતા હોવાથી દરદીની જરૂરિયાત પ્રમાણેનું લોહી તેને આપી શકાશે એટલું જ નહીં, આનાથી કાળા રંગનું લાગતું લોહી હવે લાલ રંગમાં જ મળશે. રંગ બાબતમાં ઘણી વાર અમારે દરદીના સંબંધીઓ સાથે રકઝક થતી હતી જે હવે નહીં થાય.’

ઉપરોક્ત પદ્ધતિથી બ્લડમાંથી ખૂબ જ ઉચ્ચ ગુણવત્તાના પ્લેટલેટ્સ મળે છે જેથી ડેન્ગી, મલેરિયા, કૅન્સર જેવા રોગના દરદીઓને આવી પ્લેટલેટ બૅગ ચડાવતાં ઘણી રાહત મળે છે.

ઘાટકોપર-ઈસ્ટના પૅથોલોજિસ્ટ ડૉક્ટર સંકેત દોશીએ લ્યુકો ડિપ્લેટેડ બ્લડ બાબતે કહ્યું હતું કે ‘સામાન્ય સંજોગોમાં ડોનરનું બ્લડ જ્યારે કોઈ જરૂરિયાતમંદ દરદીને આપવામાં આવે છે ત્યારે લોહીની અંદર રહેલા શ્વેત કણ લાંબા ગાળે આડઅસર કરતા હોય છે. આવા સંજોગોમાં લ્યુકો ડિપ્લેટેડ બ્લડ આપવાથી આવી શક્યતાઓ નહીંવત્ બની જતી હોય છે. સવોર્દય હૉસ્પિટલ સમર્પણ બ્લડ-બૅન્કે લ્યુકો ડિપ્લેટેડ બ્લડની શરૂઆત કરીને એક આગવું પગલું ભર્યું છે.’