10 October, 2025 07:59 AM IST | Britain | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે મહારાષ્ટ્રના રાજભવનમાં જૉઇન્ટ પ્રેસ-કૉન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ UKના પ્રાઇમ મિનિસ્ટર કીર સ્ટાર્મરને નમસ્કાર કર્યા હતા.
યુનાઇટેડ કિંગડમ (UK)ના વડા પ્રધાન બન્યા પછી ભારતની તેમની પહેલી મુલાકાતે આવેલા કીર સ્ટાર્મરે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુંબઈમાં બેઠક કરીને અનેક મુદ્દે ચર્ચા કરી હતી. ગઈ કાલે બન્ને પ્રાઇમ મિનિસ્ટરે સંયુક્ત પ્રેસ-કૉન્ફરન્સ પણ યોજી હતી અને ઇન્ડિયા-UK CEO ફોરમમાં પણ બન્ને વડા પ્રધાને સાથે ભાગ લીધો હતો.
નરેન્દ્ર મોદીએ ભારત-UK કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમી ઍન્ડ ટ્રેડ ઍગ્રીમેન્ટ (CETA)ને મહત્ત્વનો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબંધમાં C કૉમર્સ અને ઇકૉનૉમી માટે, E એજ્યુકેશન તથા પીપલ-ટુ-પીપલ ટાઇ માટે, T ટેક્નૉલૉજી અને ઇનોવેશન માટે તથા A ઍસ્પિરેશન્સ માટે પણ છે.
ભારત અને UK કુદરતી ભાગીદાર છે, બન્ને દેશો વચ્ચેની ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને આર્થિક પ્રગતિ માટે એક મહત્ત્વપૂર્ણ પાયો બની રહી છે એમ કહીને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત-બ્રિટન સંબંધોનો આધાર લોકતંત્ર, સ્વતંત્રતા અને કાયદાના શાસન જેવાં સમાન મૂલ્યો છે.
બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું હતું કે ‘ભારત અને UK વચ્ચે અનેક મુદ્દાઓ પર વાત થઈ છે અને સુરક્ષા માટે જરૂરી સ્થિરતા પર પણ ચર્ચા થઈ છે. અમે ભારતને યુનાઇટેડ નેશન્સની સિક્યૉરિટી કાઉન્સિલમાં જોવા માગીએ છીએ. ત્યાં સ્થાન લેવા માટે ભારત હકદાર છે.’
ભારત અને UKના પ્રાઇમ મિનિસ્ટર સાથેના હાઈ લેવલ પ્રતિનિધિમંડળ વચ્ચે ગઈ કાલે મુંબઈમાં અનેક મુદ્દે ચર્ચા થઈ હતી.
ભારતમાં UKની ૯ યુનિવર્સિટીનાં કૅમ્પસ શરૂ થશે
ભારત-UK વચ્ચે એજ્યુકેશન સેક્ટરમાં પરસ્પર સહયોગને મોટા પાયે પ્રોત્સાહન આપતી જાહેરાત ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. UKની ૯ યુનિવર્સિટીઓ આવતા સમયમાં ભારતમાં કૅમ્પસ ખોલશે એવું કહીને નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘સાઉધમ્પ્ટન યુનિવર્સિટીનું એક કૅમ્પસ તો થોડા સમય પહેલાં ગુરુગ્રામમાં શરૂ થયું છે અને વિદ્યાર્થીઓએ ત્યાં પ્રવેશ લેવાની શરૂઆત પણ કરી દીધી છે.’ ગુરુગ્રામ સાઉથઍમ્પ્ટન ઉપરાંત બૅન્ગોરમાં લિવરપુલ યુનિવર્સિટી અને મુંબઈમાં યૉર્ક, ઍબડીન અને બ્રિસ્ટલ યુનિવર્સિટીનાં કૅમ્પસ શરૂ થવાનાં છે. અન્ય ચાર યુનિવર્સિટીઝનાં નામ થોડા સમયમાં જાહેર થશે.
ભારતને મિસાઇલ્સ સપ્લાય કરશે UK
ગઈ કાલે UK અને ભારત વચ્ચે મિસાઇલ્સની સપ્લાય માટે ૩૫૦ મિલ્યન પાઉન્ડ (આશરે ૪૧૫૭ કરોડ રૂપિયા)ના કરાર પર પણ હસ્તાક્ષર થયા હતા. UKમાં બનેલાં હલકા વજનનાં આ મિસાઇલ્સ હવે ભારતને મળશે. બન્ને દેશો વચ્ચે ડિફેન્સ સેક્ટરમાં વધી રહેલા સહયોગના ભાગરૂપે આ કરાર થયા છે.
ભારત અને UK વચ્ચે આ બાબતે થઈ સમજૂતી
ઇન્ડિયા-UK કનેક્ટિવિટી
ઍન્ડ ઇનોવેશન સેન્ટરની સ્થાપના થશે
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) માટે ઇન્ડિયા-UKનું જૉઇન્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે
ઇન્ડિયા-UK ક્રિટિકલ મિનરલ્સ સપ્લાય ચેઇન ઑબ્ઝર્વેટરીના બીજા ફેઝનું લૉન્ચિંગ થશે
ભારતમાં UKની નવી યુનિવર્સિટીના કૅમ્પસ શરૂ થશે
ઇન્ડિયા-UK કૉમ્પ્રિહેન્સિવ ઇકૉનૉમિક ઍન્ડ ટ્રેડ ઍગ્રીમેન્ટના અમલીકરણ માટે ઇન્ડિયા-UK નવી જૉઇન્ટ ઇકૉનૉમિક ટ્રેડ કમિટી સ્થપાશે
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા અને UK સરકાર વચ્ચે મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ (MoU) દ્વારા બન્ને દેશ માટે એક સંયુક્ત ક્લાઇમેટ ટેક્નૉલૉજી સ્ટાર્ટઅપ ફન્ડ ઊભું કરવામાં આવશે, જે ક્લાઇમેટ ટેક્નૉલૉજી અને AI જેવાં ક્ષેત્રોમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપશે.
બાયોમેડિકલ રિસર્ચ કરીઅર પ્રોગ્રામનો ફેઝ-3 લૉન્ચ કરવામાં આવશે.