ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે

05 August, 2025 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧૨૮ મુસાફરોને લઈ જવાની ક્ષમતા, ફર્સ્ટ ક્લાસ ACમાં ગરમ પાણીના શાવર ઉપલબ્ધ થશે, ટ્રેન ૧૮૦ કિલોમીટરની સ્પીડથી દોડશે, ૧૦ ટ્રેન-સેટ તૈયાર થઈ રહ્યા છે

વંદે ભારત સ્લીપર ટ્રેન

રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે ભારતીય રેલવે સપ્ટેમ્બરમાં એની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરશે. આ ટ્રેન વર્લ્ડ-ક્લાસ નાઇટ-જર્નીનો અનુભવ કરાવશે. આ ટ્રેન ૧૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે અને એમાં ૧૧૨૮ મુસાફરોને લઈ જવાની ક્ષમતા હશે.

આ ટ્રેનમાં ૧૬ કોચ હશે; જેમાં ઍર કન્ડિશન્ડ (AC) ફર્સ્ટ ક્લાસ, AC 2-ટિયર અને AC 3-ટિયરનો સમાવેશ છે. આ ટ્રેનમાં ઇન્ટિગ્રેટેડ રીડિંગ લાઇટ્સ અને USB ચાર્જિંગ, ઑટોમેટેડ જાહેરાત અને વિઝ્યુઅલ ઇન્ફર્મેશન સિસ્ટમ્સ, સલામતી માટે CCTV સર્વેલન્સ, ફૂડ સર્વિસ માટે મૉડ્યુલર પૅન્ટ્રી, દિવ્યાંગો માટે અનુકૂળ બર્થ અને શૌચાલય તથા ભારતીય રેલવેમાં પહેલી વાર ફર્સ્ટ ક્લાસ AC કોચમાં ગરમ પાણીના શાવર્સ જેવી સુવિધા ઉપલબ્ધ હશે. બૅન્ગલોરમાં ૧૦ વંદે ભારત સ્લીપર ટ્રેનનું ઉત્પાદન ચાલી રહ્યું છે. એના કોચની જાળવણી માટે બૅન્ગલોરમાં એક સમર્પિત સ્લીપર કોચ ડેપો પણ સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

જન્માષ્ટમી માટે બાંદરા ટર્મિનસ અને ઓખા વચ્ચે સ્પેશ્યલ ટ્રેન

સ્વતંત્રતા દિવસ તેમ જ જન્માષ્ટમી સહિતના તહેવારોની મોસમ દરમ્યાન મુસાફરોની ડિમાન્ડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા બાંદરા ટર્મિનસ–ઓખા સ્ટેશન વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન-નંબર ૦૯૦૭૭ ૧૪ અને ૧૭ ઑગસ્ટે એટલે કે ગુરુવારે અને રવિવારે બાંદરા ટર્મિનસથી રાત્રે ૯.૨૦ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે અમદાવાદ વહેલી સવારે ૫.૨૫ વાગ્યે તેમ જ ઓખા સાંજે ૪.૪૫ વાગ્યે પહોંચશે. ટ્રેન-નંબર ૦૯૦૭૮ ૧૬ અને ૧૯ ઑગસ્ટે એટલે કે શનિવારે અને મંગળવારે ઓખાથી સવારે ૮.૨૦ વાગ્યે ઊપડશે અને અમદાવાદ સાંજે ૫.૦૫ વાગ્યે પહોંચશે અને બીજા દિવસે વહેલી સવારે ૪ વાગ્યે બાંદરા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બન્ને તરફ બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ, જામનગર અને દ્વારકા સ્ટેશને રોકાશે.

indian railways railway protection force india vande bharat news national news ministry of road transport and highways morth travel travel news