26 April, 2025 10:18 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કાશ્મીરના પહલગામમાં ટૂરિસ્ટો પર આતંકવાદી હુમલો કરવા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જણાઈ આવ્યા બાદ ભારત સરકારે પાકિસ્તાનના નાગરિકોને ૪૮ કલાકમાં ભારત છોડી જવાનું અલ્ટિમેટમ આપ્યું છે. એવામાં મહારાષ્ટ્રના જળગાવ જિલ્લામાં ૭૦૦થી વધુ પાકિસ્તાની ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા બાદ ગેરકાયદે રહેતા હોવાની ચોંકાવનારી માહિતી જાણવા મળી છે. જળગાવ શહેર મતદારસંઘના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સુરેશ ભોળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘પાકિસ્તાનના કેટલાક નાગરિકો ટૂરિસ્ટ વીઝા પર ભારત આવ્યા બાદ પાછા ન ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ પાકિસ્તાની નાગરિકો ભારતમાં રહીને જોખમી બની શકે છે. કેટલાક પાકિસ્તાની નાગરિકોએ તો ભારતનું નાગરિકત્વ પણ મેળવી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આથી આવા પાકિસ્તાની નાગરિકોને શોધી કાઢવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ૩૨૭ પાકિસ્તાની નાગરિક જળગાવ જિલ્લામાં ટૂરિસ્ટ વીઝા પર આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે.’
જળગાવના ઍડિશનલ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અશોક નખાતેએ કહ્યું હતું કે ‘જળગાવમાં તમામ પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પાકિસ્તાની નાગરિક બોગસ ડૉક્યુમેન્ટ્સના આધારે ભારતનો નાગરિક બન્યો હશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.’
જળગાવ ઉપરાંત પુણે જિલ્લામાં ૧૧૧ પાકિસ્તાની નાગરિક હોવાનું જણાઈ આવ્યું છે. આ નાગરિકોના તમામ પ્રકારના વીઝા રદ કરવામાં આવ્યા છે એટલે તેમને આવતી કાલ સુધીમાં ભારત છોડી જવાનું કહી દેવામાં આવ્યું છે. મેડિકલ વીઝા ધરાવતા પાકિસ્તાનીઓને વધુ બે દિવસનો સમય આપવામાં આવ્યો છે.