ભારત ચીટર્સ લોકોનું રાષ્ટ્ર છે : બાળ ઠાકરે

25 October, 2012 03:02 AM IST  | 

ભારત ચીટર્સ લોકોનું રાષ્ટ્ર છે : બાળ ઠાકરે




હવે હું થાકી ગયો છું, ચાલી શકતો નથી અને બોલવામાં પણ શ્વાસ ચડે છે. શારીરિક દૃષ્ટિથી ભાંગી ગયો છું. હું તમારા પર ઘરાણાશાહી ઠોકી બેસાડતો નથી અને તમને એવું લાગતું હોય તો એ ભૂલી જાઓ. તમે ઉદ્ધવ અને આદિત્યને સંભાળી લેજો. ગઈ કાલે આવું ભાવપૂર્ણ આહ્વાન કરીને શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘દેશ પર રાજ કરનારા મોગલો અને અંગ્રેજો તો ગયા અને તેમની આખી પેઢી નષ્ટ થઈ ગઈ. હવે હાલમાં ઇટલીના જે લોકો રાજ કરે છે એ પેઢી પણ નષ્ટ થઈ જવી જોઈએ.’

ગઈ કાલે સાંજે દાદરના શિવાજી પાર્ક પર શિવસેનાના ૪૬મા સ્થાપના દિને યોજાયેલી શિવસેનાની દશેરા રૅલીમાં તબિયત સારી ન હોવાને કારણે બાળ ઠાકરેએ જાતે હાજર રહ્યા નહોતા, પણ તેમનું રેકૉર્ડેડ વિડિયો-ભાષણ પ્રસારિત કરવામાં આવ્યું હતું. બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘પહેલાં હું ૬૦ મિનિટ સુધી એકસાથે પ્રવચન આપતો હતો અને એક જ દિવસમાં અનેક સભાઓ સંબોધતો હતો, પણ હવે મારામાં અગાઉ જેટલી તાકાત રહી નથી. ૪૫ વર્ષ સુધી તમારા તરફથી મળેલા પ્રેમ અને વિશ્વાસથી સેનાપ્રમુખની જવાબદારી નિભાવી છે, પણ હવે હું થાકી ગયો છું. તમે ઉદ્ધવ અને આદિત્યને ટેકો આપીને શિવસેનાને વધારે મજબૂત પાર્ટી બનાવજો.’

સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને તેના પતિ રૉબર્ટ વાડ્રા તથા કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી અહમદ પટેલનો ઉલ્લેખ બાળ ઠાકરેએ ‘પંચકડી’ તરીકે કરીને તેમને દેશમાંથી બહાર કાઢી મૂકવામાં આવે તો જ આ દેશનો ઉદ્ધાર થશે એમ જણાવ્યું હતું.

શિવસેનાના બે ટુકડા થઈ ગયા એ વિશે મરાઠી માણસે વિચાર કરવો જોઈએ અને મરાઠી લોકોએ એકત્ર થવું જોઈએ એમ તેમણે જણાવ્યું હતું. મુંબઈ બહુભાષિક લોકોનું છે એવા એનસીપીના પ્રેસિડન્ટ શરદ પવારના વક્તવ્યની ટીકા કરી હતી.

નાંદેડની સુધરાઈમાં આંધ્ર પ્રદેશની એક પાર્ટીના ૧૧ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા એનો ઉલ્લેખ કરીને બાળ ઠાકરેએ કહ્યું હતું કે ‘અમે આટલાં વર્ષોથી ત્યાં કામ કરીએ છીએ ત્યારે ફૉરેનની આ પાર્ટીને કેવી રીતે આટલી સીટો મળી? કૉન્ગ્રેસના નેતાઓ જે રીતે કૌભાંડકારીઓને ક્લીન-ચિટ આપી રહ્યા છે એ જોઈને એવું લાગે છે કે આ દેશ નેશન ઑફ ચીટર્સ બની ગયો છે. પાકિસ્તાનમાં મલાલા નામની છોકરી પર અટૅક થાય અને મુંબ્રામાં મલાલાની તરફેણમાં જોરદાર રૅલી નીકળે એ શું સાબિત કરે છે?’

આ રૅલીમાં શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રની કૉન્ગ્રેસ સરકાર સંવેદનાહીન હોવાનું જણાવ્યું હતું. અનેક લોકોના ઘરમાં ચૂલા બંધ કરી દેવાનું પાપ આ સરકારે કર્યું છે એમ કહીને તેમણે કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા.

મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણનાં વખાણ ઉદ્ધવ ઠાકરે કર્યા હતાં, પણ નાયબ મુખ્ય પ્રધાનના પદ પરથી અજિત પવારે આપેલા રાજીનામાને તેમણે માત્ર રાજકીય નાટક ગણાવ્યું હતું. પુણે નજીકના હિલ-સ્ટેશન લવાસા માટે કેન્દ્રના પર્યાવરણપ્રધાન જયરામ રમેશની બદલી કરી નાખવામાં અજિત પવારે સરકાર પર દબાણ કર્યું હતું અને હવે તેઓ પૃથ્વીરાજ ચવાણ પાછળ લાગી ગયા છે, પરંતુ ચવાણ સિંચાઈ ગોટાળાની યોગ્ય તપાસ કરશે એવું મને લાગે છે એમ ઉ¢વે કહ્યું હતું.

મિલમજૂરોના પ્રશ્નો બાબતે પણ તેમણે મહારાષ્ટ્ર સરકારની ટીકા કરીને કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં શિવસેના અને બીજેપીની યુતિ સરકાર હતી ત્યારે અમે મિલમજૂરો માટે હાઉસિંગ યોજના બનાવી હતી. અમારી સરકાર ગઈ અને કૉન્ગ્રેસ સરકાર આવી પણ મિલમજૂરોના પ્રશ્નો હજી સુધી ઉકેલાયા નથી. રૉબર્ટ વાડ્રાના કૌભાંડથી કૉન્ગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને હવે તો વાડ્રાની તરફેણમાં શરદ પવાર પણ નિવેદન આપવા લાગ્યા છે. પવારે શા માટે વાડ્રાનો બચાવ કર્યો?’

પ્રદૂષણના કાયદાનો ભંગ

દાદરના શિવાજી પાર્કમાં યોજાયેલી રૅલીમાં શિવસેનાને ધ્વનિપ્રદૂષણના કાયદાનું પાલન કરવાની ખાસ તાકીદ બૉમ્બે હાઈ ર્કોટે કરી હોવા છતાં ગઈ કાલની રૅલીમાં આ કાયદાનો ભંગ થયો હતો. રૅલીમાં પચાસ ડેસિબલ કરતાં વધારે અવાજ રેકૉર્ડ થયો હતો તેમ જ ક્રિકેટની પિચો પર પણ શિવસૈનિકો બેઠા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.