રવિવારે ચલો આઝાદ મેદાન

09 December, 2011 08:28 AM IST  | 

રવિવારે ચલો આઝાદ મેદાન



સંસદમાં ચાલી રહેલા શિયાળુ સત્રમાં જનલોકપાલ બિલ પર કોઈ નિર્ણય નહીં આવે તો અણ્ણા હઝારે પોતાના આઇએસી (ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન) ગ્રુપના સાથીઓને ફરી મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે મુંબઈમાં પણ રવિવારે વિરાટ રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે.

૨૫૦૦ જેટલાં વેહિકલ

વિરાટ રૅલીમાં ૨૫૦૦ જેટલાં વેહિકલનો સમાવેશ હશે. રૅલીમાં સ્ટ્રૉન્ગ જનલોકપાલ બિલ પાસ કરવાની માગણીના નારાઓ લગાવવામાં આવશે. મુંબઈમાં ક્યારેય આટલી મોટી રૅલીનું આયોજન કરવામાં આવ્યું નથી. આમાં સ્કૂલના સ્ટુડન્ટ્સ અને ડબ્બાવાળાઓનો પણ સમાવેશ છે. આઝાદ મેદાન પર વૉલન્ટિયર્સ અને મુંબઈગરાઓ પોતાની સ્પીચ આપશે અને સ્ટ્રીટ-પ્લે કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ અસોસિએશન પણ જોડાશે

આઇએસીના વૉલન્ટિયર્સની રૅલી રવિવારે સવારે સાડાદસ વાગ્યે દાદરના શિવાજી પાર્ક પાસે જમા થશે અને ત્યાંથી આઝાદ મેદાન પહોંચશે. ત્યાં કેટલાક લોકો પહેલેથી જ એક દિવસનાં ધરણાંના કાર્યક્રમ માટે હાજર હશે. કાર અને બાઇકરૅલી તરીકે ઓળખાતી આ રૅલીમાં લોકો, ટ્રાન્સપોર્ટર્સ, ટૅક્સી અને રિક્ષા યુનિયનના સભ્યો તથા ઍમ્બ્યુલન્સચાલકો તેમ જ બાઇક અને સાઇકલચાલકો મોટી સંખ્યામાં જોડાશે. આમાં બૉમ્બે ગુડ્સ ટ્રાન્સપોર્ટ અસોસિએશનનો પણ સમાવેશ છે. આ ઉપરાંત પ્રાઇવેટ કાર, બાઇક, વૅન, બસ, સ્કૂલ-બસનો પણ સમાવેશ છે.

વધુ ને વધુ લોકો આ રૅલીમાં જોડાશે

અણ્ણાએ ફરી મોટા પાયે આંદોલન થશે એવી ઘોષણા જ્યારથી કરી છે એ દિવસથી અમારા આઇએસીના વૉલન્ટિયરોએ તેમના લોકલ એરિયામાં સરકારવિરોધી રૅલીઓ શરૂ કરી દીધી છે એમ જણાવીને અણ્ણાની ટીમના મુંબઈના કાર્યકર પ્રફુલ વોરાએ કહ્યું હતું કે ‘વધુ ને વધુ લોકો અણ્ણાની લડાઈમાં જોડાય એ માટે અમે બધા પ્રયાસો કરી રહ્યા છીએ. ખાસ કરીને આઝાદ મેદાનમાં રવિવારે એક દિવસનાં જે ધરણાં થવાનાં છે એમાં એક દિવસનો ઉપવાસ પણ રાખવામાં આવશે. લોકોમાં જાગૃતિ લાવ્ાવા અમે ટ્રક પર પાર્લમેન્ટ નામનું નાટક લોકોને દેખાડવાના છીએ અને તેમને સમજાવવાનો પ્રયત્ન કરીશું.’

રૅલીનો રૂટ

રૅલીની શરૂઆત શિવાજી પાર્કથી કરવામાં આવશે. ત્યાંથી સ્વાતંત્ર્યવીર સાવરકર માર્ગ, અપ્પાસાહેબ મરાઠે માર્ગ, સદાનંદ હાસુ ટંડેલ માર્ગ, વીર સાવરકર માર્ગ, ઍની બેસન્ટ રોડ, વરલી નાકા, લાલા લજપતરાય માર્ગ, મદન મોહન માર્ગ, તાડદેવ ચોક, જવજી દાદાજી માર્ગ, નાના ચોક, પી. રમાબાઈ માર્ગ, કૅનેડી બ્રિજ, જેએસએસ રોડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, શામળદાસ ગાંધી રોડ, વર્ધમાન ચોક, કાલબાદેવી રોડ, લોકમાન્ય ટિળક માર્ગ, મહાત્મા ગાંધી રોડ, આઝાદ મેદાન થઈ મહાનગરપાલિકા માર્ગ પહોંચશે.