Independence Day 2022: મહારાષ્ટ્રને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાના પ્રયાસ શરૂ: એકનાથ શિંદે

15 August, 2022 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્યપ્રધાનના હસ્તે મંત્રાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

તસવીર સૌજન્ય: મહારાષ્ટ્ર સીએમઓની યુટ્યુબ ચેનલ

મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે સરકાર ગતિશીલ શાસન અને રાજ્યના વિકાસને વધુ પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. સરકાર પહેલાં દિવસથી જ સામાન્ય માણસ માટે લડી રહી છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ કહ્યું કે વરસાદથી ક્ષતિગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પંચનામા કરવામાં આવી રહ્યા છે અને મદદ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યપ્રધાનના હસ્તે મંત્રાલય ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. “મહારાષ્ટ્રને દેશનું અગ્રણી રાજ્ય બનાવવાની ચળવળ શરૂ થઈ છે. આવો આપણે સૌ ભારતીય સ્વતંત્રતાના અમૃતમહોત્સવ વર્ષ નિમિત્તે દેશ અને રાજ્યને આગળ લઈ જવાના શપથ લઈએ.” તેવી અપીલ મુખ્યપ્રધાન શિંદેએ કરી હતી.

આ પ્રસંગે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “ભારે વરસાદને કારણે 28 જિલ્લા પ્રભાવિત થયા છે. 15 લાખ હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. લગભગ 15 હજાર નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ તમામ નાગરિકોની કાળજી લેવામાં આવી છે. જળસંપત્તિ વિભાગ દ્વારા પૂર અને ભારે વરસાદને કારણે થતા નુકસાનને રોકવાના પ્રયાસો ચાલુ છે.”

“સરકાર ધનગર સમાજ, ઓબીસીને અનામતનો લાભ આપવાના પ્રયાસો કરી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા બાંથિયા કમિશનના રિપોર્ટને સ્વીકારવામાં આવતા ઓબીસી સમુદાયને ફરીથી અનામત મળી છે. નબળા વર્ગના વિકાસ માટે અમૃત સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે.”

નવા ઉદ્યોગો માટે સરકારના પ્રયાસો

સ્ટાર્ટઅપ માટે સરકાર દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાન શિંદેએ એમ પણ કહ્યું કે “અમે નવા ઉદ્યોગ સાહસિકોના સર્જન પર ધ્યાન આપી રહ્યા છીએ. સરકાર નવીન યોજનાઓ અને તેમાંથી ઉદ્યોગ નિર્માણ માટે સહાય પૂરી પાડશે.”

તેમણે કહ્યું કે “સરકાર સત્તામાં આવ્યા બાદ કેન્દ્ર સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અધિકારીઓને અનેક યોજનાઓ લાગુ કરવા સૂચના આપવામાં આવી છે.”

મુખ્યપ્રધાનએ કહ્યું કે “રાજ્ય સરકાર નવી શિક્ષણ નીતિનો અમલ કરશે. સરકારે `આમચે ગુરુજી` પહેલ શરૂ કરી છે. તેમાં વર્ગખંડમાં શિક્ષકના ચિત્રો અને માહિતી હશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ શિક્ષકોને જાણી શકશે.”

સમૃદ્ધિ હાઇવેનો પ્રથમ તબક્કો ટૂંક સમયમાં શરૂ થશે

મુખ્યપ્રધાન શિંદેએ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે “નાગપુર-મુંબઈ વચ્ચેનો આ હાઈવે વિકાસનો રાજમાર્ગ બની રહેશે. પોલીસ ગૃહ માટે સરકારના પ્રયાસો શરૂ થયા છે.” મુખ્યપ્રધાનએ એમ પણ કહ્યું કે “લોકોના હિતના કામો ચાલી રહ્યા છે અને ખેડૂતો માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.”

mumbai mumbai news maharashtra eknath shinde