કરંન્ટ ટોપિક : ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરી દીધું? નવા નિયમો ધ્યાનમાં રાખ્યા છેને?

30 July, 2012 03:44 AM IST  | 

કરંન્ટ ટોપિક : ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરી દીધું? નવા નિયમો ધ્યાનમાં રાખ્યા છેને?

જયેશ ચિતલિયા

ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મોસમ છે. પગારદાર વર્ગ અને ઈ-ફાઇલિંગ કરનાર વર્ગ માટે રિટર્ન ફાઇલ કરવાના આખરી દિવસો છે. ૩૧ જુલાઈ ડ્યુ ડેટ છે. સામાન્ય રીતે મોટા ભાગે લોકો આખરી દિવસોમાં જ રિટર્ન ફાઇલ કરતા હોય છે. ઈ-ફાઇલિંગના માહોલમાં એ સરળ પણ બની રહે છે, પરંતુ આવકવેરા રિટર્ન ભરવામાં આ વખતે કરદાતાઓ માટે કેટલીક નવી બાબતો પણ ઉમેરાઈ છે, જેનું ધ્યાન રાખવું મહત્વનું છે. ગત બજેટમાં સૂચવાયેલા ફેરફાર મુજબ અને તાજેતરના સરકારી આદેશ અનુસાર કરદાતાઓ માટે જે બાબતોનો ખાસ ખ્યાલ રાખીને એનું પાલન કરવાનું છે એ બાબતોને સરળ શબ્દોમાં સમજવાનો પ્રયાસ કરીએ.

પાંચ લાખ રૂપિયા સુધી : નો રિટર્ન

પાંચ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા પગારદાર વર્ગે હવે રિટર્ન ફાઇલ કરવાની કોઈ જરૂર નથી, પણ યાદ રહે, તેમનો પગાર ભલે પાંચ લાખ કે એથી નીચે હોય, પણ તેમની અન્ય આવક વિશેની માહિતી તેમણે પોતાના માલિક (એમ્પ્લોયર)ને જમા કરવાની જરૂર છે. જો માત્ર પાંચ લાખ સુધીના પગારને લીધે રિટર્ન ફાઇલ કરવાનું ટાળી કોઈ નોકરિયાત વ્યક્તિ પોતાની અન્ય આવક છુપાવશે અથવા માલિકને પણ એની જાણ નહીં કરે તો ઇન્કમ-ટૅક્સના ધ્યાનમાં એ નહીં આવે એવું માની લેવાની ભૂલ કરવી નહીં. ધ્યાનમાં આવતાં જ ડિપાર્ટમેન્ટ એની વસૂલી વ્યાજ સાથે કરી શકશે. અર્થાત્ પાંચ લાખ રૂપિયા સુધીની પગારની આવક ધરાવનાર વર્ગે એનાં અન્ય રોકાણ તેમ જ એ રોકાણ પરની આવકની માહિતી જમા કરાવી દેવી જરૂરી છે. અલબત્ત, એ ચાહે તો પોતાનું રિટર્ન અલગથી ફાઇલ કરી શકે છે.

૧૦ લાખ રૂપિયાથી વધુ આવક : નવી જવાબદારી

તાજેતરમાં જે ચર્ચાનો વિષય બની છે એ બાબત અનુસાર વાર્ષિક ૧૦ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવનાર વ્યક્તિ તથા હિન્દુ અવિભક્ત પરિવાર (એચયુએફ - હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી)એ ફરજિયાત ઈ-રિટર્ન ફાઇલ કરવાનું છે. અત્યાર સુધી ફિઝિકલ સ્વરૂપે રિટર્ન ફાઇલ કરવા ટેવાયેલો બહુ મોટો વર્ગ આને કારણે મૂંઝાયો છે, જ્યારે કે આ પદ્ધતિમાં કરદાતાઓના ફાઇલ થતાં રિટર્નની સ્ક્રુટિની (બારીક તપાસ) માટે વધુ પસંદગી થતી હોવાની શંકા પણ વધુ હોવાથી ઘણા આ જોગવાઈને લીધે પણ ચિંતિત છે. જોકે હકીકતમાં આવું કંઈ જ નથી. ઊલટાનું ફિઝિકલ સ્વરૂપે રિટર્ન ફાઇલ થવામાં ઘણી વાર ભૂલો થઈ જવાથી એ સ્ક્રુટિની માટે કારણ બની જાય છે.

ઈ-ફાઇલિંગનાં સરળ સ્ટેપ્સ

૧૦ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવનારે સરળ પગલાં ભરવાનાં છે. તેમણે ઈ-ફાઇલિંગ માટે ઇન્કમ-ટૅક્સની વેબસાઇટ incometaxindiaefiling.gov.in પર જઈ પોતાના પૅન (PAN-પર્મનન્ટ અકાઉન્ટ નંબર)ને આધારે લૉગ ઇન થવાનું છે. ત્યાર પછી એ સાઇટ પરથી ઇન્કમ-ટૅક્સ રિટર્ન ફૉર્મ ડાઉનલોડ કરવાનું છે અને એમાં જણાવાયેલી વિગતો ભરવાની છે. અહીં તમામ માહિતી તમારી સામે આવતી જશે, જે સેલ્ફ-એક્સપ્લેનેટરી સ્વરૂપની છે. આ બધી વિગતો ભરાઈ ગયા પછી તમને તમારું રિટર્ન સફળતાપૂર્વક ફાઇલ થયું હોવાની મેઇલ પણ આવી જશે. જો તમે આ ઈ-રિટર્ન પર ડિજિટલ સહી કરી શક્યા નથી તો કંઈ નહીં, એ રિટર્નની પ્રિન્ટ કૉપી કાઢી લઈ એના પર સહી કરી તમારે એ રિટર્ન ૧૨૦ દિવસમાં બૅન્ગલોર ખાતેની ઇન્કમ-ટૅક્સની કચેરીમાં સાદી પોસ્ટથી મોકલી દેવાની રહેશે અને હા, જો ૧૨૦ દિવસમાં તમારી આ કૉપી ન પહોંચી તો તમારે એ આખી પ્રોસેસ ફરી કરવી પડશે. તમને ડિપાર્ટમેન્ટ તરફથી થોડા જ દિવસોમાં ઍક્નોલેજમેન્ટ આવી જશે; પણ યાદ રહે, આ ઈ-રિટર્નની કૉપી જે તમારે બૅન્ગલોર ઑફિસ મોકલવાની છે એ કુરિયરથી મોકલશો નહીં, કેમ કે કુરિયરથી એ સ્વીકારાશે નહીં, માત્ર પોસ્ટથી જ સ્વીકારાશે.

વિદેશી આવકની જાહેરાત ફરજિયાત

વધુમાં આ વખતે સરકારે રહીશ ભારતીય વ્યક્તિની કોઈ આવકનો પ્રવાહ વિદેશથી પણ આવતો હોય તો એની અહીં જાણ કરવાની ખાસ સૂચના આપી છે, જે માટે ગત બજેટમાં જોગવાઈ પણ કરાઈ છે. આમ આ વખતે ફાઇલ થનારાં રિટર્નમાં લોકોની વિદેશી રોકાણની માહિતી અને આવક પણ જાહેર થશે. અનેક ભારતીયો વિદેશોમાં પ્રૉપર્ટી ધરાવતા હોય છે તેમ જ ત્યાં બૅન્ક-અકાઉન્ટ પણ ધરાવતા હોય છે. આમાંથી તેમને નિયમિત આવક પણ થતી હોય છે, જે અનેક લોકો દ્વારા અત્યાર સુધીમાં અહીં બતાવવાનું ટાળવામાં આવી રહ્યું છે, પરંતુ હવે સરકારે એની જાહેરાત ફરજિયાત કરી નાખી છે. જો વ્યક્તિએ વિદેશની આવક પર જે-તે દેશમાં ટૅક્સ ભરી દીધો હશે તો તેમણે એ દેશના કોડ, ટૅક્સ, આઇડેન્ટિફિકેશન નંબર સહિત આવક અને ટૅક્સની વિગત અવશ્ય જમા કરાવવી પડશે. વ્યક્તિ વિદેશમાં પ્રૉપર્ટી ધરાવતી હશે તો એની જાણ પણ કરવાની રહેશે.

બૅન્કની વિગત ફરજિયાત

ઇન્કમ-ટૅક્સ રિટર્નના નવા ફૉર્મમાં કરદાતાએ એની બૅન્કની વિગત ફરજિયાત આપવાની છે, એ રિટર્નમાં રિફન્ડનો ક્લેઇમ ન હોય તો પણ બૅન્કની વિગત આવશ્યક છે. અગાઉ રિફન્ડના કિસ્સામાં જ એની જરૂરિયાત હતી, જેથી ડિપાર્ટમેન્ટ એનું રિફન્ડ સીધું બૅન્ક-ખાતામાં જમા કરાવી શકે.

ટૅક્સ ભરાઈ ગયો હોય ત્યારે

ઈ-ફાઇલિંગ હોય કે ફિઝિકલ ફાઇલિંગના કોઈ પણ કિસ્સામાં જો કરદાતાએ તેણે ભરવાનો થતો ટૅક્સ બધો જ ભરી દીધો છે તો એ કરદાતા પછીનાં બે વરસની અંદર પણ રિટર્ન ફાઇલ કરી શકે છે, પરંતુ જો કર બાકી છે અને ડ્યુ ડેટ પછી રિટર્ન ફાઇલ થાય તો ડિપાર્ટમેન્ટ એના પર પેનલ્ટી-વ્યાજ લઈ શકે છે. ફિઝિકલ ફાઇલિંગ હોય કે ઈ-ફાઇલિંગ, ટૅક્સ જવાબદારી નિભાવનાર માટે બહુ ચિંતાનો વિષય નથી, પરંતુ એની કોઈ કર જવાબદારી પેન્ડિંગ નથી એ ખાતરી કરવી જરૂરી છે.

ઈ-ફાઇલિંગનો વધતો ટ્રેન્ડ

અહીં એ નોંધવું મહત્વનું છે કે ૧૦ લાખ રૂપિયાથી વધુ આવક ધરાવનારે જ ઈ-રિટર્ન ફાઇલ કરી શકાય એવું નથી, આનાથી ઓછી આવક ધરાવતી વ્યક્તિ પણ ઈ-ફાઇલિંગ કરી શકે છે. આમ પણ આપણા દેશમાં છેલ્લાં અમુક વરસથી ઈ-ફાઇલિંગનું ચલણ વધી રહ્યું છે. વર્ષ ૨૦૦૭-’૦૮માં ફાઇલ થયેલાં ૩.૩૭ કરોડ રિટર્નમાંથી ૨૬ લાખ રિટર્નનું ઈ-ફાઇલિંગ થયું હતું, આ આંકડો ૨૦૦૮-’૦૯માં બાવન લાખ થયો, ૨૦૦૯-’૧૦માં ૬૯ લાખ, ૨૦૧૧-’૧૨માં ૪.૨૦ કરોડ રિટર્ન માટે ૧.૬૪ કરોડ ઈ-ફાઇલિંગ થયું અને હવે ૨૦૧૨-’૧૩માં પાંચ કરોડ રિટર્ન સામે આશરે ૨.૨૫ કરોડ ઈ-ફાઇલિંગ થાય એવી ધારણા છે. ઈ-ફાઇલિંગની ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ પાંચ વરસમાં કુલ રિટર્ન માટે ઈ-ફાઇલિંગ ૭.૮ ટકાથી વધી ૪૫ ટકા આસપાસ પહોંચી ગયું છે.