દુલ્હનિયા લે જાએંગે, રાહુલ વેડ્સ અંજલિ

12 August, 2022 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કોઈ ફિલ્મ અને એનાં પાત્રોનાં નામ નથી, પણ ઇન્કમ-ટૅક્સવાળા જે વાહનોમાં રેઇડ પાડવા ગયા હતા એના પર આવાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં

નોટોનાં બંડલો ગણી રહેલા આઇટીના કર્મચારીઓ (તસવીર : પી.ટી.આઇ.)

આ કોઈ ફિલ્મ અને એનાં પાત્રોનાં નામ નથી, પણ ઇન્કમ-ટૅક્સવાળા જે વાહનોમાં રેઇડ પાડવા ગયા હતા એના પર આવાં સ્ટિકર લગાવવામાં આવ્યાં હતાં : જાલનામાં સ્ટીલના સળિયાના મૅન્યુફૅક્ચરર્સ, કપડાંના વેપારી અને અન્યોને ત્યાં પાડેલા દરોડામાં રોકડા ૫૮ કરોડ રૂપિયા, ૩૧ કિલો સોનું, ૧૬ કરોડના હીરા અને ૩૦૦ કરોડની પ્રૉપર્ટી જપ્ત

રાજ્યના ટૂ-ટિયર સિટી ગણાતા જાલનામાં સ્ટીલના સળિયા બનાવતી એક કંપનીમાં જીએસટી ગુપચાવવા રોકડેથી વ્યવહાર થાય છે અને ઇન્કમ-ટૅક્સના પણ કરોડો રૂપિયા ગુપચાવવામાં આવે છે એવી માહિતી એક જીએસટી અધિકારીને મળી હતી. એથી એ માહિતી તેમના દ્વારા ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટને શૅર કરાઈ હતી. ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટે એ માહિતીની ખાતરી કરી જોતાં એ સાચી જણાઈ હતી એથી રેઇડ પાડવાનું પ્લાનિંગ થયું હતું. ઇન્કમ-ટૅક્સ ડિપાર્ટમેન્ટના નાશિક અને અન્ય ઑફિસોમાંથી કુલ ૨૬૦ અધિકારીઓની અલગ-અલગ ટીમ બનાવાઈ હતી અને પહેલી ઑગસ્ટથી રેઇડની કાર્યવાહી ચાલુ કરાઈ હતી. આ રેઇડ પાડતી વખતે કોઈને શંકા ન આવે એ માટે ​અધિકારીઓને જે વાહનોમાં લઈ જવાના હતા એના પર રાહુલ વેડ્સ અંજલિ અને દુલ્હનિયા લે જાએંગે લખેલાં સ્ટિકર્સ લગાડવામાં આવ્યાં હતાં. આવાં ૧૦૦ વાહનો એકસાથે જાલનામાં દાખલ થયાં હતાં.

જાલનાના કેટલાક સ્ટીલ મૅન્યુફૅક્ચરર સહિત કપડાંના વેપારી અને એક જાણીતા બિલ્ડર-ડેવલપરને ત્યાં આ રેઇડ પાડવામાં આવી હતી. પહેલાં તેમની ઑફિસો અને ઘર પર સર્ચ-ઑપરેશન હાથ ધર્યું ત્યારે ખાસ કંઈ મળી ન આવતાં આખરે ગામથી ૧૦ કિલોમીટર દૂર ફાર્મહાઉસ પર રેઇડ પાડવામાં આવી ત્યારે જાણે કે ખજાનો મળી આવ્યો હતો. અનેક થેલાઓમાં, બેડમાં અને અન્ય જગ્યાએ છુપાવેલી ૫૯ કરોડની કૅશ મળી આવી હતી. એ કૅશ ગણવા માટે એસબીઆઇમાંથી ખાસ મશીન લાવવામાં આવ્યાં હતાં અને કલાકો સુધી કૅશ ગણવામાં આવી હતી. આ ઉપરાંત ૩૧ કિલો સોનું, હીરા અને ૩૦૦ કરોડની કિમતના બંગલાઓ અને જમીનના દસ્તાવેજો વગેરે મળીને કુલ ૩૯૦ કરોડની સંપત્તિ અને મતા હાલ જપ્ત કરવામાં આવી છે. આઇટી ડિપાર્ટમેન્ટ દ્વારા કરાયેલી રાજ્યમાં આ એક મોટી કાર્યવાહી ગણાય છે. 

mumbai mumbai news maharashtra