Income Tax: આવકવેરા વિભાગે સાયન અને બોરીવલીની ઝૂંપડપટ્ટીમાં આ મામલે પાડ્યા દરોડા, જાણો વિગત

08 September, 2022 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક પક્ષની માત્ર 100 ચોરસ ફૂટની ઝુંપડીમાં તેની નોંધાયેલ ઑફિસ છે. બેન્કના રેકોર્ડ મુજબ પાર્ટીને છેલ્લા બે વર્ષમાં 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં બે દિવસથી આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. આવકવેરા વિભાગે આજે મુંબઈના સાયન અને બોરીવલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ કામગીરી ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઝૂંપડપટ્ટીમાં જે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે તે એક રાજકીય પક્ષની ઑફિસ છે. આ રાજકીય પક્ષ નોંધાયેલ હોવા છતાં તેને ચૂંટણી પંચ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. આયકર વિભાગે પાર્ટી ફંડના નામે કરચોરીના પ્રકારનો પર્દાફાશ કર્યો છે.

એક મરાઠી સમાચાર ચેનલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે આવકવેરા વિભાગે આજે મુંબઈના સાયન વિસ્તારમાં એક ઝૂંપડા પર દરોડા પાડ્યા હતા. એક પક્ષની માત્ર 100 ચોરસ ફૂટની ઝુંપડીમાં તેની નોંધાયેલ ઑફિસ છે. બેન્કના રેકોર્ડ મુજબ પાર્ટીને છેલ્લા બે વર્ષમાં 100 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું.

પાર્ટી ફંડના નામે કરચોરી

અહેવાલમાં સૂત્રોને ટાંકીને માહિતી આપવામાં આવી છે કે આ રાજકીય પક્ષે લગભગ રૂા. 100 કરોડનું ફંડ સ્વીકાર્યું હતું. આ ફંડ માટે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રોનો ઉપયોગ આવકવેરા મુક્તિ મેળવવા માટે થાય છે.

બોરીવલીમાં પણ આવી જ સ્થિતિ સામે આવી છે. બોરીવલીમાં એક નાનકડા ઘરમાંથી પાર્ટીની ઑફિસ ચલાવવામાં આવતી હતી. પાર્ટીએ વિવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ પાસેથી 50 કરોડનું ફંડ લીધું હતું. ત્યારબાદ વિવિધ સંસ્થાઓમાં નાણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું.

2000 કરોડની ગોલમાલ

દેશભરમાં રાજકીય પક્ષોના 205 સ્થળો અને ઑફિસો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ કરચોરી માટે થયો હતો. મુંબઈ અને ગુજરાતમાં કેટલાક રાજકીય પક્ષોને મળેલ ભંડોળ 2000 કરોડથી વધુ હોઈ શકે છે. અમદાવાદ સહિત ગુજરાતમાં કરચોર માટે આવા અનેક રાજકીય પક્ષો ચાલી રહ્યા છે. ગુજરાતમાં 21 રાજકીય પક્ષો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ માટે 120 આવકવેરા અધિકારીઓની ટીમને મુંબઈથી ગુજરાત મોકલવામાં આવી હતી.

mumbai mumbai news income tax department