વિરારમાં એટીએમ તોડી ૧૭ લાખ લઈને ચોરો થયા રફુચક્કર

19 May, 2022 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિરાર-ઈસ્ટમાં આવેલા ફૂલપાડામાં ગૅસકટરનો ઉપયોગ કરીને અજાણ્યા ચોરોએ ગઈ કાલે એક એટીએમ તોડ્યું હતું

વિરાર ખાતે ગૅસકટરનો ઉપયોગ કરીને તોડવામાં આવેલું એટીએમ.


મુંબઈ : વિરાર-ઈસ્ટમાં આવેલા ફૂલપાડામાં ગૅસકટરનો ઉપયોગ કરીને અજાણ્યા ચોરોએ ગઈ કાલે એક એટીએમ તોડ્યું હતું અને ૧૭ લાખ રૂપિયાથી વધુની લૂંટ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે ૧૫ ફેબ્રુઆરીએ ચોરોએ ગૅસકટરનો ઉપયોગ કરીને વસઈ-ઈસ્ટના સાતીવલી ખાતે એસબીઆઇનું એટીએમ તોડીને ૨૦ લાખ રૂપિયાની રોકડ ઉઠાવી લીધી હતી. વસઈ પોલીસે આ કેસ ઉકેલી દીધો છે.
વિરાર-ઈસ્ટમાં ફૂલપાડામાં આવેલા ગાંધી ચોકમાં રાજા અપાર્ટમેન્ટમાં આવેલા એસબીઆઇના એટીએમમાં લૂંટની ઘટના વિશે સવારે મૉર્નિંગ વૉક કરવા જતા લોકોએ વિરાર પોલીસને જાણ કરી હતી. વિરાર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમને શંકા છે કે આ કામમાં છથી સાત માણસોનો હાથ છે, કારણ કે એટીએમનો ભાગ તોડવા માટે વધુ શારીરિક શક્તિની જરૂર પડે છે જે ફક્ત અનુભવી ગુનેગારો પાસે જ હોય છે. પોલીસ દ્વારા એટીએમ અને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.’ 
એસબીઆઇના અધિકારીઓએ પોલીસને જણાવ્યું હતું કે ‘મંગળવારે મશીનમાં રોકડ ભરવામાં આવી હતી અને અંદરના લોકોની ભૂમિકાને નકારી શકાતી નથી. અમે બિલ્ડિંગના રહેવાસીઓની પણ પૂછપરછ કરી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો કે તૂટવાનો કોઈ અવાજ સાંભળ્યો નથી. એથી અમે અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ લૂંટનો કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.

mumbai news virar