ઉમરગામમાં કચ્છી યુવકે લૉકડાઉનથી કંટાળીને આત્મહત્યા કરી?

19 September, 2020 11:32 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ઉમરગામમાં કચ્છી યુવકે લૉકડાઉનથી કંટાળીને આત્મહત્યા કરી?

જીવન ટૂંકાવનાર ઉમરગામમાં રહેતો કચ્છી જૈન યુવક કેતન દિલીપ ગડા.

મહારાષ્ટ્ર-ગુજરાતની સીમા પાસે આવેલા ઉમરગામમાં રહેતા ૨૬ વર્ષના કચ્છી જૈન યુવકે ગુરુવારે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું હતું. ફ્લૅટમાંના હૉલમાં તેનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હોવાનું પોલીસે કહ્યું હતું. કોરોનાને લીધે લૉકડાઉન થતાં કંપનીની જૉબ જતી રહેવાથી આર્થિક મુશ્કેલીમાં મુકાઈ જતાં તેણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. જોકે તેના મોબાઇલમાં કોઈક મહિલા સાથેની મળી આવેલી ચૅટની વિગતો પરથી આગળની તપાસ થઈ રહી છે. ઉમરગામ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ (એડીઆર) નોંધ્યો છે.

પોલીસે જણાવ્યું કે મૂળ કચ્છના ગઢશીશા ગામનો ૨૬ વર્ષનો કચ્છી જૈન યુવક કેતન દિલીપ ગડા પરિવાર સાથે ઉમરગામમાં ગાંધીવાડીમાં એક ટાવરમાં રહેતો હતો. ગુરુવારે સવારે ઘરના સૌ જાગ્યા ત્યારે હૉલમાં કેતનનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈને સૌ ચોંકી ઊઠ્યા હતા.

પોલીસને ઘટનાની જાણ કરાતાં ઉમરગામ પોલીસ-સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. પોલીસે કેતન ગડાના મૃતદેહને ઉતારીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને ઘટનાસ્થળનું પંચનામું કરીને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો. ઘટનાસ્થળેથી કોઈ સુસાઇડ-નોટ નહોતી મળી.
મરનાર કેતનના પરિવારજનોએ આ ઘટનાથી તેઓ આઘાતમાં હોવાથી અત્યારે આ સંદર્ભે કોઈ વાત કરવા માગતા ન હોવાનું ‘મિડ-ડે’ને કહ્યું હતું.

આ મામલાની તપાસ કરી રહેલા ઉમરગામ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રેશિતકુમાર ગામિતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રારંભિક તપાસમાં કેતન ગડાના પરિવારજનો અને તેના મિત્રોની પૂછપરછમાં જણાયું છે કે લૉકડાઉન પહેલાં તે જે કંપનીમાં જૉબ કરતો હતો એ કંપની બંધ થવાથી બેરોજગાર બની ગયો હતો અને આર્થિક મુશ્કેલીમાં હતો એવી શક્યતા છે. જોકે તે હતાશામાં છે એવું તેના વર્તન પરથી કે કોઈ સાથે આવી વાત તેણે શૅર નહોતી કરી. બીજું, મૃત્યુ પામતાં પહેલાંના સમયમાં કેતને કોઈક મહિલા સાથે ચૅટ કરી હોવાનું તેના મોબાઇલમાં જણાઈ આવ્યું છે આથી અમે એ ઍન્ગલથી પણ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news suicide