જહાં ચાર યાર મિલ જાએ, વહી રાત હો ગુલઝાર

29 December, 2021 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિત્રો ક્યાંય પણ મસ્તી શોધી લેતા હોવાનો વિડિયો વાઇરલ : કેટલાક ફ્રેન્ડ્સને એસ્કેલેટર પર બેસીને બોટ ચલાવવાની ઍક્ટિંગ કરતા જોઈને લોકો હસવાનું ખાળી નથી શકતા

મુંબઈમાં એક સ્થળે એસ્કેલેટર પર બેસીને બોટ ચલાવવાની ઍક્શન કરી રહેલા કેટલાક મિત્રો

મુંબઈ : મોટા ભાગના લોકોએ આ ગીત સાંભળ્યું હશે કે ‘જહાં ચાર યાર મિલ જાએ વહી રાત હો ગુલઝાર’ મતલબ કે જ્યાં કેટલાક મિત્રો મળી જાય ત્યાં આનંદ જ આનંદ હોય છે. આજકાલની ભાગદોડની જિંદગીમાં મિત્રો સાથે મળીને થોડો સમય વિતાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ થોડો સમય કાઢીને ફ્રેન્ડ્સને નિયમિત મળીને જેટલો પણ સમય મળે એમાંથી આનંદ મેળવતા હોય છે. સોશ્યલ મીડિયામાં આવા જ કેટલાક મિત્રોનો વિડિયો વાઇરલ થયો છે જે જોઈને લોકો હસવાનું ટાળી નથી શકતા.
સોશ્યલ મીડિયામાં ગઈ કાલથી વાઇરલ થયેલા એક વિડિયોમાં કેટલાક મિત્રો કોઈક મૉલની અંદર આવેલા એસ્કેલેટર પર બેસીને મસ્તી કરતા દેખાય છે. નીચેથી ઉપર જઈ રહેલા એસ્કેલેટર પર વિરુદ્ધ દિશામાં મોઢું રાખીને કેટલાક મિત્રો જાણે બોટમાં સવારી કરતા હોય એમ હલેસાં મારતા દેખાય છે. આમ કરતી વખતે બધા ખૂબ ખુશ દેખાય છે અને હાથ ઉપર-નીચે કરીને મસ્તી કરતા જોવા મળે છે. એક આઇપીએસ ઑફિસરે પોતાના ટ્વિટર હૅન્ડલ પર આ વિડિયો શૅર કર્યા બાદ ૨૭ હજાર હજારો લોકોએ આ વિડિયો જોયો હોવાનું જણાઈ આવ્યું છે.
આ મસ્તીભર્યો વિડિયો જોઈને અસંખ્ય લોકોએ કમેન્ટ્સ પણ કરી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું કે ‘ખુશી અને એન્જૉય કરવા માટે જગ્યા નહીં, મિત્રોની જરૂર હોય છે.’ અન્ય એક યુઝરે લખ્યું કે ‘જ્યારે મિત્રો જ એક બોટ પર હોય તો સાચે દરેક પળ સ્વર્ગ જેવી લાગે છે.’ આવી જ રીતે એક યુઝરે મસ્તીના અંદાજમાં કમેન્ટ કરી કે ‘ખબર નહીં આ કયો નશો કરે છે?’ અન્ય એક ટ્વિટર યુઝરે લખ્યું કે ‘આ લોકો નહીં સુધરે.’

offbeat news viral videos