સુશાંત કેસમાં બિહાર પોલીસના 4 અધિકારીઓ પુરાવા-બયાન નોંધીને પટના રવાના

07 August, 2020 12:16 PM IST  |  Mumbai Desk | Vishal Singh

સુશાંત કેસમાં બિહાર પોલીસના 4 અધિકારીઓ પુરાવા-બયાન નોંધીને પટના રવાના

સુશાંત સિંહ રાજપૂત (ફાઇલ ફોટો)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસની તપાસ માટે મુંબઈ આવેલા બિહાર પોલીસની ટીમના ચાર સભ્યો ગઈ કાલે તપાસની કાર્યવાહી પૂરી કરીને પટના જતા રહ્યા હતા. સુશાંતના પિતા કે. કે. સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી તથા અન્યો સામે નોંધાવેલી ફરિયાદના અનુસંધાનમાં તપાસ હાથ ધરીને પુરાવા એકઠા કરવા સાથે દસેક જણનાં નિવેદનો નોંધ્યા બાદ તેઓ મુંબઈથી રવાના થયા હતા. અગાઉ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બિહાર પોલીસની તપાસ ટુકડીના વડા વિનય તિવારીને કોરોના-ઇન્ફેક્શન બાબતે ગોરેગામસ્થિત એસ.આર.પી.એફ કૅમ્પમાં ક્વૉરન્ટીન કરાયા હતા. 

બિહાર પોલીસે સુશાંતની બહેન, તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે, ડિરેક્ટર રુમી જાફરી, ફ્લૅટમાં સુશાંતની જોડે રહેનારો સિદ્ધાર્થ પિઠાની, સુશાંતના મૅનેજર, રસોઇયા, ડૉક્ટર્સ વગેરે દસ જણનાં બયાનો નોંધ્યાં હતાં. બિહાર પોલીસના અધિકારીઓએ સુશાંતના બૅન્ક-અકાઉન્ટના વ્યવહારોની તપાસ માટે કેટલીક બૅન્કોની પણ મુલાકાત લીધી હતી.

સુશાંત મામલે સીબીઆઈએ નોંધ્યો એફઆઇઆર

ગઈ કાલે બિહાર પોલીસ પાસેથી આત્મહત્યાના કેસની તપાસ સીબીઆઈએ પોતાના હાથમાં લીધી હતી. તેમજ આ મામલે એફઆઇઆર પણ નોંધ્યો હતો. જેમાં એની ગર્લફ્રેન્ડ રિહા ચક્રવર્તી અને એના પરિવાર પર આત્મહત્યા માટે પ્રેરવાનો કથિત આરોપ છે.

એસપીને ક્વૉરન્ટીન કરવાના મામલે બિહાર પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે

બિહારના એસપીને ક્વૉરન્ટીન કરવા બાબતે બિહાર રાજ્યના ડીજીના પત્રનો બીએમસી દ્વારા નેગેટિવ જવાબ વળાયા બાદ બિહાર પોલીસ મુંબઈમાં તેમના એસપીને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરે એવી સંભાવના છે. આ બાબતે બિહાર પોલીસ બિહારના ઍડ્વોકેટ જનરલ ઑફ પોલીસ પાસેથી કાનૂની સલાહ મેળવી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંદર્ભે પટનામાં રજિસ્ટર્ડ એફઆઇઆરને સીબીઆઇને ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યાર બાદ પટના પોલીસ ગઈ કાલે સવારે પટના પાછી ગઈ હતી.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસમાં તેના પિતા કે. કે. સિંહે પટના પોલીસમાં એફઆઇઆર નોંધાવ્યો હતો. કેસની તપાસ કરવા માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિંગ ટીમનું નેતૃત્વ કરી મુંબઈ આવેલા પટનાના એસપી વિનય તિવારીને ક્વૉરન્ટીન કરાયા હતા. આ સંબંધે બિહાર પોલીસ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરવા વિચારી રહી છે અને એ માટે કાનૂની સલાહ મેળવી રહી છે.

mumbai mumbai news patna bollywood sushant singh rajput bollywood news