ડ્રગ્સ કેસમાં હવે પોલીસની નજર ડાયરીમાં મળી આવેલાં નામો પર

22 January, 2021 10:21 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ડ્રગ્સ કેસમાં હવે પોલીસની નજર ડાયરીમાં મળી આવેલાં નામો પર

ડોંગરીના નૂરમંઝિલમાં રહેતા આરીફ ભુજવાલા એનસીબીની રેઇડ દરમિયાન જપ્ત થયેલી આઇટમો.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન એમાં ડ્રગ ઍન્ગલ બહાર આવતાં હાઈ પ્રોફાઇલ ડ્રગ રૅકેટનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ એક પછી એક એમ સતત કાર્યવાહી ચાલુ રાખી હતી. બુધવારે એનસીબીના ડિરેક્ટર સમીર વાનખેડેએ આગેવાની લઈ નવી મુંબઈના ઘણસોલીમાંથી દાઉદના નજીકના સાથીદાર ચિંકુ પઠાણની ધરપકડ કરી હતી. તેણે આપેલી માહિતીના આધારે ગઈ કાલે સવારે ડોંગરીના નૂર મંઝિલમાં રહેતા આરિફ ભુજવાલાને ત્યાં રેઇડ પાડવામાં આવી હતી. હાલ આરિફ પોલીસથી નાસતો ફરી રહ્યો છે. એનસીબીએ તેને પકડવા માટે લુકઆઉટ નોટિસ ઇશ્યુ કરી છે.

ડોંગરીમાં રહેતો આરિફ પણ ઇન્ડિયાઝ મોસ્ટ વૉન્ટેડ દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતો હતો અને તેની નજીકનો ડ્રગ પેડલર છે. ડોંગરીના નૂર મંઝિલના તેના ઘરે એનસીબીએ દરોડો પાડ્યો હતો, જ્યાં ડ્રગ બનાવવાની નાની ફૅક્ટરી જ બનાવાઈ હોવાનું જણાઈ આવ્યું હતું. એટલું જ નહીં, ત્યાંથી ૧૦થી ૧૨ કિલો જેટલા વિવિધ ડ્ર્ગ્સ સાથે વિદેશી બનાવટની સ્મિથ ઍન્ડ વેસન કંપનીની રિવૉલ્વર પણ મળી આવી હતી. એનસીબીની ટીમે ત્યાંથી ૨.૧૮ કરોડની કૅશ પણ જપ્ત કરી હતી, જેમાં મોટા ભાગની ૫૦૦ની જૂની નોટ હતી. મહત્ત્વની વાત એ છે કે એનસીબીના અધિકારીઓને ૮થી ૯ વૈભવી કારની ચાવીઓ મળી આવી છે. એટલું જ નહીં, બે ડાયરી પણ મળી છે જેમાં તેણે કરેલા ડ્રગના વ્યવહારની વિગતો પણ નોંધી રાખી છે. આમ એનસીબીના હાથે હવે મુંબઈના ડ્રગ સિન્ડિકેટનું મોટું માથું હાથ લાગ્યું છે, પણ તેની ડાયરીની વિગતોને લઈ અનેક નાના-મોટા ડ્રગ પેડલરની ટૂંક સમયમાં ધરપકડ થાય એવી શક્યતા જણાઈ રહી છે.

mumbai mumbai news