મુંબઈની ઠંડીમાં ટીપુ સુલતાનનું નામ લઈ આવ્યું રાજકીય ગરમી

28 January, 2022 09:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મલાડમાં ગાર્ડનનું નામ મૈસૂરના શાસક પરથી રાખવા વિશે થયેલા વિવાદને પગલે આદિત્ય ઠાકરેએ કહ્યું કે નામ હજી નક્કી થયું નથી

ટીપુ સુલતાન

મલાડના માલવણીમાં આવેલા એક સંકુલનું નામ મૈસૂરના ૧૮મી સદીના શાસક ટીપુ સુલતાન પરથી રાખવા અંગે ભારે વિવાદ સર્જાયો છે. આ શાસકે હિન્દુઓની પજવણી કરી હોવાનું તથા આ નામ જાહેર સુવિધા માટે સ્વીકાર્ય ન હોવાનું જણાવીને બીજેપીએ વિરોધ નોંધાવ્યો છે.
દરમિયાન, રાજ્યના પ્રવાસન અને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ પત્રકારોને જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સનાં સત્તાવાર નામ નક્કી કરવાનું કાર્ય કૉર્પોરેશન હસ્તક છે અને મેયરે જણાવ્યું છે કે પાર્કનું નામ હજી નક્કી કરાયું નથી.
જોકે પાર્કની નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરનારા રાજ્યના પ્રધાન અસલમ શેખે જણાવ્યું હતું કે ‘છેલ્લાં ૧૫ વર્ષથી ગાર્ડનનું નામ (ટીપુ સુલતાન પરથી) આ જ છે, પણ અત્યાર સુધી કોઈને વાંધો નહોતો. બીજેપીના એક વિધાનસભ્ય ટીપુનું નામ ધરાવતા વિસ્તારનો માર્ગ રિપેર કરાવવાની માગણી કરી રહ્યા છે, પણ મતો જોઈતા હોવાથી તેમણે મૌન ધારણ કરી લીધું છે.’
અગાઉ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં કહ્યું હતું કે ‘ટીપુ સુલતાને હિન્દુઓની ભારે પજવણી કરી હતી. બીજેપી કદીયે આવી હસ્તીને અપાતું બહુમાન નહીં સ્વીકારે. બગીચાનું નામ ટીપુ સુલતાન પરથી રાખવાનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.’
બીજેપીના આક્ષેપોનો જવાબ આપતાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના જનરલ સેક્રેટરી સચિન સાવંતે જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૨૦૧૭માં કર્ણાટક વિધાનસભાને સંબોધતાં ટીપુ સુલતાનનાં કાર્યોનો ઉલ્લેખ કરીને તેમના વખાણ પણ કર્યા હતા. શું બીજેપી એ સાવ ભૂલી ગઈ? આ ઐતિહાસિક હસ્તીઓને ધર્મના નામે ચીતરવાનું તથા ઘૃણા ફેલાવવાનું બીજેપીનું મલિન રાજકારણ છે.’

Mumbai mumbai news tipu sultan aaditya thackeray