દિલ તો કચ્ચા હૈ જી...

21 June, 2022 09:01 AM IST  |  Mumbai | Suraj Pandey

મુંબઈમાં ૨૦૨૧ના ૬ મહિનામાં હાર્ટ અટૅકથી થતાં મૃત્યુમાં ૨૦૬ ટકાનો વધારો

૨૦૨૧ના છ મહિનામાં જ કુલ મૃત્યુના ૨૩.૮ ટકાના મોતનું કારણ હાર્ટ-અટૅક

૨૦૨૧ના પ્રથમ છ મહિનામાં મુંબઈમાં હાર્ટ-અટૅકથી થતાં મોતમાં ચેતવણીરૂપ વધારો નોંધાયો હોવાનું ડેટાના આધારે જાણવા મળ્યું હતું. ૨૦૧૯ની તુલનામાં ઉપરોક્ત સમયગાળામાં હાર્ટ-અટૅકથી મોત થવાનું પ્રમાણ ૨૦૬ ટકા વધ્યું હતું. આંકડાઓમાં થયેલા વધારાએ નિષ્ણાતોને ચિંતામાં મૂકી દીધા છે. કેટલાકે આ માટે કોરોનાને કારણે સર્જાયેલી થ્રૉમ્બોટિક સ્થિતિ (જ્યારે બ્લડ-ક્લૉટ્સ ધમનીઓ કે નસોને બ્લૉક કરી દે એ સ્થિતિ)ને કારણભૂત ગણાવી છે તો કેટલાકના મતે કોરોના સિવાય તનાવ કે અન્ય વિસંગતતાઓ જવાબદાર છે કે કેમ એ ચકાસવા આ ક્ષેત્રે વિસ્તૃત અભ્યાસ હાથ ધરાય એ જરૂરી છે.

નાણાવટી મૅક્સ હૉસ્પિટલના ક્રિટિકલ કૅર સર્વિસિસના ડિરેક્ટર ડૉક્ટર અબ્દુલ સમદ અન્સારીએ જણાવ્યું હતું કે ‘કોરોના સંક્રમણની હિસ્ટરી, રસીકરણની સ્થિતિ, વસતિઆધારિત આંકડા કે હાલના મેડિકેશન રૂટીનને ધ્યાન પર લીધા વિના ફક્ત મૃત્યુઆંક પરથી તારણો કાઢવાં એ મૂલ્યાંકનની વૈજ્ઞાનિક પદ્ધતિ નથી. નિઃશંકપણે મહામારી દરમિયાન થ્રૉમ્બોટિક સ્થિતિને કારણે દરદીઓ ઍક્યુટ કાર્ડિઍક ઇવેન્ટ્સથી પીડાતા હતા, પણ જો આ દરદીઓ કોવિડની હિસ્ટરી ન ધરાવતા હોય અને ફક્ત કાર્ડિઍક સમસ્યાઓને કારણે જીવ ગુમાવ્યો હોય તો જીવનશૈલીમાં મોટા ફેરફારો, તનાવ જેવાં કારણો જવાબદાર હોઈ શકે છે.’

ઍક્ટિવિસ્ટ ચેતન કોઠારીએ માહિતીના અધિકાર અંતર્ગત કરેલા પ્રશ્નનો જવાબ આપતાં બીએમસીએ જણાવ્યું હતું કે ‘૨૦૨૧માં શહેરમાં કુલ ૧,૦૮,૧૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં, જેમાંથી ૧૭,૮૮૦ હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યા હતા. ૨૦૧૯માં આ કારણસર ૫,૮૪૯ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. આમ શહેરમાં હાર્ટ-અટૅકથી થતાં મોતમાં ૨૦૬ ટકાનો વધારો નોંધાયો છે.’

બીએમસીના ડેટા અનુસાર ૨૦૧૯માં શહેરમાં કુલ ૯૧,૨૨૩ મોત થયાં હતાં, જેમાંથી હાર્ટ-અટૅકને કારણે થયેલાં મોતની ટકાવારી ૬.૪ ટકા હતી. ૨૦૨૦માં મૃત્યુ પામેલા ૧,૦૮,૯૧૦ લોકોમાંથી ૫.૧ ટકાનાં મોત હાર્ટ-અટૅકને કારણે થયાં હતાં. ૨૦૨૧ના પહેલા છ મહિનામાં ૭૫,૧૬૫ લોકોનાં મોત થયાં હતાં, જેમાં હાર્ટ-અટૅકથી થયેલાં મોતનું પ્રમાણ ૨૩.૮ ટકા હતું.

બૉમ્બે હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ ડૉક્ટર અનિલ શર્માએ જણાવ્યું હતું કે ‘કોરોના થવાના ભયથી લોકો સમયસર સારવાર લેવા આવતા નહોતા. નોકરી ગુમાવવાથી ઊભો થયેલો તનાવ અને નાણાકીય ભારણ પણ હાર્ટ-અટૅક પાછળ જવાબદાર હોઈ શકે છે.’

બીએમસીનાં એક્ઝિક્યુટિવ હેલ્થ ઑફિસર ડૉક્ટર મંગલા ગોમારેએ જણાવ્યું હતું કે તારણ પર આવવા માટે અમારે સંપૂર્ણ ડેટાનું વિશ્લેષણ કરવું પડશે.

mumbai mumbai news heart attack