એક જ રાતમાં ૧૨ દુકાનોનાં શટર તૂટ્યાં, વેપારીઓમાં દહેશત ફેલાઈ

05 December, 2020 11:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

એક જ રાતમાં ૧૨ દુકાનોનાં શટર તૂટ્યાં, વેપારીઓમાં દહેશત ફેલાઈ

મીરા રોડની એક દુકાનનું તૂટેલું શટર

મીરા રોડના કાણકિયા પરિસરમાં જાંગિડ અૅન્કલેવ બિલ્ડિંગમાં આવેલી ૧૨ દુકાનોનાં શટર તોડીને ચોરટાઓએ રોકડ રકમ પર હાથસફાયો કર્યો છે. એક જ રાતમાં એકસાથે બનેલી ચોરીની આ ઘટનાઓને કારણે સ્થાનિક વેપારીઓ સહિત મીરા રોડ પોલીસની ઊંઘ ઊડી ગઈ છે. એક બાજુએ મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસ કમિશનરેટના અસ્તિત્વમાં આવ્યા બાદ ક્રાઇમ પર અકુંશ લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે પરંતુ ૩ ડિસેમ્બરની સવારે બેથી ચાર વાગ્યાની વચ્ચે ચોરીની ઘટનાઓ બનતા ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.
ચોર દુકાનનું શટર તોડીને ઘૂસ્યા અને દુકાનના ડ્રોવરમાં રહેલી રકમ લઈને રફુચક્કર થઈ ગયા હતા, પરંતુ ચોરીની આ ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ ગઈ છે. ચારથી પાંચ ચોરટાઓએ તેમના ચહેરા પર માસ્ક અને ટોપી પહેરી હોવાથી કોઈની પણ ઓળખ થઈ શકી નહોતી. ચોરીની ઘટના બાબતે મીરા રોડ પોલીસથી મળેલી માહિતી અનુસાર ‘ચોરીની આ ઘટનાઓ કાણકિયા વિસ્તારમાં બની છે જ્યાં લોકોની વસ્તી પણ ખૂબ છે. ચોરોએ એક પછી એક ૧૨ દુકાનોનાં શટર તોડ્યાં છે અને અલગ-અલગ દુકાનમાં થયેલી ચોરીના કારણે હાલ સુધી કેટલી રકમ ચોરીમાં ગઈ છે એ વિશે સ્પષ્ટતા મળી નથી.’
ચોરીના કારણે પરિસરના વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. પોલીસનું કહેવું છે કે બધી દુકાનોનાં શટરને લોખંડના રૉડથી તોડવામાં આવ્યાં હતાં. ચોરીની ઘટના વિશે પોલીસને માહિતી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને દુકાનોની આસપાસ લાગેલાં બધા સીસીટીવી કૅમેરા જપ્ત કર્યા છે. જ્યારે કે સીસીટીવીમાં ચોરોના ચહેરા સાફ દેખાતા નથી. ઉલ્લેખનીય છે કે આશરે ૩ મહિના પહેલાં લૉકડાઉનમાં આ પરિસરની એક બૅકરીની શૉપમાં ચોરોએ શટર તોડીને ૪૦,૦૦૦ રૂપિયાની ચોરી કરી હતી જેની તપાસ હાલ સુધી ચાલી રહી છે.

mumbai mumbai news mira road