મુંબઈમાં એક મહિનામાં કોરોનાના ૩૪ ટકા કેસ વધતા ૨૬૩૧ બિલ્ડિંગ સીલ કરાઈ

17 September, 2020 11:36 AM IST  |  Mumbai | Mumbai correspondent

મુંબઈમાં એક મહિનામાં કોરોનાના ૩૪ ટકા કેસ વધતા ૨૬૩૧ બિલ્ડિંગ સીલ કરાઈ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ૧૪ ઑગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધીના એક મહિનામાં કોરોનાના કેસમાં ૩૪ ટકાનો વધારો થવાથી શહેરમાં સીલ થયેલી ઇમારતોની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. એક મહિનામાં દરરોજ ૧૦૦ના હિસાબે ૫૬૩૧ ઇમારત સીલ કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, વિલે પાર્લે, ભાંડુપ જેવા ગુજરાતી વિસ્તાર સહિત જોગેશ્વરીમાં સૌથી વધારે કોરોનાના નવા કેસ આ મહિનામાં સામે આવ્યા હતા.
માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી મુંબઈમાં કોરાનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આને લીધે આખેઆખી કે આંશિક રીતે બિલ્ડિંગો સીલ કરવાની સંખ્યામાં પણ ધરખમ વધારો થયો છે. એક મહિના પહેલાં શહેરમાં ૩૦૦૦ જેટલી ઇમારતોમાં પાંચથી માંડીને ૧૦ કે તેનાથી વધારે કોરોનાના કેસ આવવાથી સીલ કરાઈ હતી.
જોકે ગયા મહિનામાં બોરીવલી, કાંદિવલી, મલાડ, અંધેરી, વિલે પાર્લે, જોગેશ્વરી અને ભાંડુપમાં નવા કેસની સંખ્યા ખૂબ જ વધી હોવાથી આ વિસ્તાર ઉપરાંત શહેરભરમાં ૫૬૩૧ ઇમારતોને સીલ કરાઈ હોવાનું પાલિકાએ આપેલી માહિતીમાં જણાઈ આવ્યું છે.
મુંબઈ મહાનગરપાલિકાએ ગઈ કાલે જે ઇમારતમાં ૧૦થી વધુ કેસ અથવા એક જ બિલ્ડિંગના ઉપર-નીચેના ફ્લોર પર કોરોનાના ૧૦ કેસ આવે તો આખી ઇમારત સીલ કરવાનો નિર્ણય લીધો હતો. કોઈ ઘરમાં એક કે એનાથી વધુ કેસ આવે તો આંશિક રીતે ઇમારત સીલ કરાશે.
પાલિકાએ સીલ કરાયેલી ઇમારતોમાં કોવિડના માર્ગદર્શનનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખવાની જવાબદારી સોસાયટીની કમિટીને માથે સોંપી છે. આવી આખી કે આંશિક રીતે સીલ કરાયેલી બિલ્ડિંગોમાં ઘરકામ કરનારા, શાકભાજી-ફ્રૂટ વેચનારા, કરિયાણાવાળા, ફેરિયાઓ, ધોબી કે અન્ય કોઈને ઍન્ટ્રી નહીં આપી શકાય. નિયમોનું પાલન નહીં થતું હોય તો સોસાયટીની કમિટી સામે કાર્યવાહી કરવાનું પણ પાલિકાએ કહ્યું છે.

mumbai mumbai news coronavirus covid19