મિત્રોનાં અને ઘરવાળાનાં કૅરિકેચર બનાવીને સમય પસાર કરે છે આ પીઢ કલાકાર

27 May, 2020 10:11 PM IST  |  Mumbai | Ruchita Shah

મિત્રોનાં અને ઘરવાળાનાં કૅરિકેચર બનાવીને સમય પસાર કરે છે આ પીઢ કલાકાર

નવીન નાકર અને તેમણે બનાવેલાં સ્કૅચની ઝલકો.

ગમે તે સંજોગોમાં અને ગમે તે પરિસ્થિતિમાં કલાકારો પોતાની અભિવ્યક્તિ શોધી જ લેતા હોય છે. મુલુંડમાં રહેતા પીઢ કલાકાર નવીન નાકરે પણ આ શરૂ કર્યું છે. ૬૬ વર્ષના નવીનભાઈ હજીયે પોતાની વર્કશૉપ પર જઈને જુદા-જુદા ડિઝાઇનિંગ પ્રોજેક્ટ પર કામ કરે છે. જોકે અત્યારે તો વર્કશૉપ બંધ છે ત્યારે તેમણે ઘરે જ રહેલી સાધનસામગ્રીથી પેઇન્ટિંગનું કાર્ય ચાલુ રાખ્યું છે. પહેલું લૉકડાઉન શરૂ થયું એ જ દિવસે તેમણે પોતાના માસ્ક પર ગો કોરોના ગોનો મેસેજ પણ પેઇન્ટ કર્યો હતો.

જોકે કોરોના ગયો નથી અને નજીકના ભવિષ્યમાં જાય એવું લાગતું પણ નથી એટલે નવીનભાઈએ પોતાના કલાકારના જીવને સંતોષ મળ્યા કરે એટલે ઘરમાં જે દેખાય એ વસ્તુઓનાં, મિત્રોનાં અને પરિવારજનોનાં કૅરિકેચર અને પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, ‘ઘરમાં રહીને બીજું શું કરવાનું, લોકોનાં કૅરિકેચર બનાવીએ તો એ લોકો ખુશ થાય. આ સમય સહેજ જુદો છે અને એને પાર તો પાડવાનો છે. નવમું ધોરણ ભણેલી મારા જેવી વ્યક્તિ કે જેની સાત પેઢીમાં કોઈ પેઇન્ટર નહોતું એ પણ જો અત્યાર સુધી ઍક્ટિવલી જુદા-જુદા ફૉર્મમાં આર્ટ પેશ કરી શકતી હોય તો પછી દુનિયામાં હવે કંઈ જ અશક્ય નથી. કોરોના કાળને પણ આપણે હિંમતપૂર્વક પાર પાડી દઈશું.’
મુલુંડમાં જન્મેલા, ઊછરેલા અને આગળ વધેલા નવીનભાઈ સ્કૂલમાં હતા ત્યારથી જ આર્ટના શોખીન હતા. એટલો ઊંડો અનુરાગ હતો કે તેમણે ભણવાનું પણ પૂરું ન કર્યું. એ સમયના કુમાર વિદ્યાર્થી મંડળમાં અમે ભેગા થઈને રંગોળી બનાવતા. ત્યારથી જ કદાચ પેઇન્ટિંગનાં બીજ રોપાઈ ગયાં હતાં એમ જણાવીને નવિનભાઈ કહે છે, ‘ઘણા બધાની ટ્રેઇનિંગ મળી છે. મોહનભાઈ એ સમયે ખાસ્સા જાણીતા આર્ટિસ્ટ હતા. તેમની પાસે થોડું શીખ્યો, બીજા એક કે. કે. માથુર નામના ડિઝાઇનર હતા તેમની સાથે ઇન્ટર્ન તરીકે થોડો સમય કામ કર્યું, જેમાં ફિલ્મોનાં ટાઇટલ ડિઝાઇન કરવાની લાઇન મળી.

એ પછી તો લગભગ પચાસથી વધુ ગુજરાતી, હિન્દી અને પંજાબી ફિલ્મોનાં ટાઇટલ્સ ડિઝાઇન કર્યાં જેમાં ‘શેતલને કાંઠે’, ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં’, ‘સોન કંસારી’, ‘ભાદર તારા વહેતા પાણી’, ‘કાદુ મકરાણી’, ‘બાબા રામદેવ પીર’, ‘ગદ્દાર’, ‘લફંગે’, ‘ફાંસી’, ‘મેરા દેશ મેરા ધરમ’ જેવી ઘણી ફિલ્મો છે. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ જેવા ઘણા વિદ્વાનોનાં પેઇન્ટિંગ બનાવ્યાં છે. અમિતાભ બચ્ચનનું પોતાના બ્લડથી બનાવેલું પેઇન્ટિંગ તેમના ઘરે જઈને ભેટ આપ્યું હતું. આવું રાજકુમારનું પણ બનાવ્યું છે. છ વર્ષ દુબઈમાં રહીને ડિઝાઇનર તરીકે કામ કર્યું છે. મધર ટેરેસાનું પેઇન્ટિંગ બનાવેલું. તેમનો ઑટોગ્રાફ છે. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે પરિવારમાં હું એક જ આર્ટમાં રસ ધરાવતો હતો. મારા પિતા તો મસ્જિદબંદરમાં સાકરનો વેપાર કરતા હતા. આજે મારા પછી મારો દીકરો, પૌત્ર-પૌત્રીઓ, દોહિત્રો એમ ઘણાંબધાં પેઇન્ટિંગ સાથે જોડાઈ ગયાં છે. મારો પરિવારને કલાનો વારસો મળ્યો અને તેઓ એ સાચવી શકે એટલો કસબ છે તેમનામાં એ વાતનો આનંદ છે મને.’

lockdown mulund mumbai news