કલ્યાણ-ડોમ્બિવલીમાં વધેલા કોરોના પેશન્ટ્સમાંના ૮૦ ટકા કેસ બિલ્ડિંગોમાં

11 September, 2020 07:05 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કલ્યાણ-ડોમ્બિવલીમાં વધેલા કોરોના પેશન્ટ્સમાંના ૮૦ ટકા કેસ બિલ્ડિંગોમાં

કલ્યાણ-વેસ્ટ સ્ટેશન રોડ પરિસરમાં ગઈ કાલે ફે‌રિયાઓ ‌બિન્દાસ રોડ પર જોવા મળ્યા હતા.

મુંબઈમાં કોરોનાના કેસ ફરી પાછા વધી રહ્યા છે, પણ એમએમઆરમાં એના કરતાં વધુ ઝડપથી કેસ વધી રહ્યા છે. ખાસ કરીને કલ્યાણ-ડોમ્બિવલીમાં પરિસ્થિતિ ભારે ચિંતાજનક છે. ગણેશોત્સવ પછી કોવિડ-19ના કેસનો જાણ‌ે રાફડો ફાટ્યો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આમાંના ૮૦ ટકા કેસ બિલ્ડિંગ્સમાં રહેતા લોકોના છે, જ્યારે માત્ર ૨૦ ટકા સ્લમ વિસ્તારમાંના છે.

કેડીએમસી શું કહે છે?
આ ‌વિશે કેડીએમસીનાં ચીફ મે‌ડિકલ ઑ‌ફિસર ડૉ. પ્ર‌તિભા પાનપાટીલે ‘‌મિડ-ડે’ને જણાવ્યું કે ‘ગણેશોત્સવ પછી અને જેમ અનલૉક થઈ રહ્યું છે એમ કેડીએમસીમાં કોરોનાની સ્પીડ ખૂબ વધી રહી છે, જે અમારા માટે ‌ચિંતાનો ‌વિષય બની રહ્યો છે. અમે વધુ કડક પગલાં લઈ રહ્યા છીએ એ અનુસાર માસ્ક ન પહેરે તો ૧૦૦૦ રૂપિયા ફાઇ‌ન અને દુકાનો સવારે ૯થી સાંજે ૭ વાગ્યા સુધી જ ચાલુ રહે, બાકીનો સમય ફર‌જિયાત બંધ કરાવી રહ્યા છીએ. ગણેશોત્સવ બાદ કેસ વધી રહ્યા છે એટલે તપાસ કરતાં અમને ધ્યાનમાં આવ્યું છે કે દરરોજના જે ૪૦૦થી ૪૫૦ કેસ આવી રહ્યા છે એમાં અમે બાયફર્કેશન કર્યા છે; જેમાં ‌બિ‌લ્ડિંગ, ચાલ અને ઝૂંપડપટ્ટીમાં કેટલા પેશન્ટ છે એની તપાસ કરતાં ૮૦ ટકા કે એનાથી વધુ પેશન્ટ ‌બિ‌લ્ડિંગના છે. એનો અર્થ એ છે કે
‌બિ‌લ્ડિંગના લોકો હોમ-આઇસોલેશનના ‌નિયમનું યોગ્ય પાલન કરતા નથી. એ ‌વિશે અમને અનેક ફ‌રિયાદ પણ મળી છે. આ સંદર્ભે વૉર્ડ-ઑ‌ફિસર, હેલ્થ ‌ડિપાર્ટમેન્ટ, પોલીસ ‌વિભાગની ‌મીટિંગ પણ લેવાઈ હતી અને કોરોનાની ગાઇડલાઇન્સનું કડક રીતે પાલન કરવાનું કહેવાયું છે. કન્ટેનમેન્ટ ઝોન, માસ્ક વગેરે પર કડક કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. જેના ઘર નાનાં છે તેને ફ‌રજિયાત અમે ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીન કરીએ છીએ, પરંતુ સરકારના આદેશ અનુસાર મોટાં ઘર હોય તેમને હોમ-આઇસોલેશન થવાનું કહેવાય છે, પરંતુ ‌બિ‌લ્ડિંગમાં રહેતા લોકો ત્રણેક ‌દિવસમાં સારું થઈ જાય તો ફરવા માંડે છે એથી કોરોનાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.’

સોસાયટીના સેક્રેટરીઓને કેડીએમસીની નો‌ટિસ
કેડીએમસી દ્વારા હાઇરાઇઝ ‌બિ‌લ્ડિંગો અને અન્ય ‌બિ‌લ્ડિંગો જ્યાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે તેમના સેક્રેટરીને નો‌ટિસ મોકલવામાં આવી છે. એમાં કોરોના પેશન્ટ હોમ-ક્વૉરન્ટીનના‌ ‌નિયમોનું પાલન કરે એ ‌વિશે ‌વિશેષ ધ્યાન રાખવામાં આવે એવું કહેવાયું છે તેમ જ પેશન્ટ ‌નિયમને ફૉલો નહીં કરે તો કાર્યવાહી થશે અને તેમને ફર‌જિયાત ઇન્સ્ટિટ્યુશનલ ક્વૉરન્ટીન કરી દેવામાં આવશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ સખતાઈ
કેડીએમસી ક્ષેત્રમાં ૩૬ કન્ટેનમેન્ટ ઝોન છે. કેડીએમસીમાં કોરોનાએ ફરી સ્પીડ પકડી હોવાથી કન્ટેનમેન્ટ ઝોનમાં વધુ સખતાઈ કરવામાં આવી છે. ‌સિગ્નલ પૉઇન્ટ એન્ટ્રી એટલે એક જ માર્ગથી જવા-આવવાનું, બહારના લોકોએ આવવું નહીં, અ‌તિઆવશ્યક ‌વસ્તુઓ સિવાય અન્ય દુકાનો ખોલવાની પરવાનગી નહીં, માસ્ક પહેરવા જેવા ‌નિયમોનું વધુ કડક રીતે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

કેડીએમસીનો કોરોના-ગ્રાફ
કોરોના પેશન્ટ્સ ૩૩,૫૨૦
કેટલા સાજા થયા ૨૮,૨૧૭
અૅ‌ક્ટિવ પેશન્ટ ૪,૫૯૫
મૃત્યુ ૭૦૮
ગઈ કાલે નવા કેસ ૫૯૧

mumbai mumbai news kalyan dombivli preeti khuman-thakur