દહિસરમાં સમોસાંવાળાને થયો કોરોના, ખાનારાઓમાં ફફડાટ

15 May, 2020 10:15 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

દહિસરમાં સમોસાંવાળાને થયો કોરોના, ખાનારાઓમાં ફફડાટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકાના ‘આર’ નૉર્થ દહિસર-ઈસ્ટના કેતકીપાડાના ધારખાડી વિસ્તારના એક સમોસાં વેચનારાને કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું. એ પછી પાલિકા દ્વારા લગાડાયેલા કૅમ્પમાં એ વિસ્તારના ૧૦ અને આજુબાજુના વિસ્તારના ૧૦ મળી કુલ ૨૦ જણ કોરોનાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે.
આ વિશે માહિતી આપતાં ‘આર’ નૉર્થ વૉર્ડના એ વિસ્તારના શિવસેનાના નગરસેવક બાલકૃષ્ણ બ્રિદે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમોસાં વેચનારો તેના ઘરમાં સમોસાં બનાવતો હતો અને ધારખાડી વિસ્તારમાં બહાર સ્ટૉલ લગાડીનેતે સમોસાં વેચતો હતો. તેના દીકરાને ભારે તાવ આવતાં બીએમસીના આરોગ્ય સેન્ટરમાં તેની તપાસ કરાવાતાં તેને કોરોના થયો હોવાનું ચોથી મેએ કન્ફર્મ થયું હતું એથી તેને હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી. એ પછી તેના પરિવારના સભ્યોની પણ ચકાસણી કરાઈ હતી. દરમ્યાન તેના પિતાને પણ તાવ આવ્યો અને તેને પણ કોરોના થયો હોવનું જણાઈ આવ્યું હતું એથી તેની પાસેથી સમોસાં વેચાતાં લઈને ખાનારા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો છે. અમે બીએમસીની સહાયથી તરત જ ત્યાં બે કૅમ્પ લીધા અને જે લોકો માટે શંકા હોય તેમની ચકાસણી કરાવી હતી. એમાં ધારખાડી વિસ્તારના ૧૦ જણ અને આજુબાજુના વિસ્તારના ૧૦ જણ મળી કુલ ૨૦ જણને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું જણાઈ આવ્યું હતું. સોમાસાં ખાવાને કારણે જ તેમને ચેપ લાગ્યો હતો એમ ન કહી શકાય, પણ એ વિસ્તારના ૧૦ જણને કોરોના થયો છે એ સાચું છે. અમે એ વિસ્તારમાં લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે કૅમ્પ દરમ્યાન પણ લોકોને સમજણ આપી છે. એ દ્વારા અમે તેમને આવાહન પણ કર્યું છે કે જો તમને ભારે તાવ હોય, શરદી કે ઉધરસ જેવાં લક્ષણ હોય તો તરત જ સરકારી દવાખાનામાં જઈને તપાસ કરાવો અને તમને અને તમારા પરિવારને કોરોનાથી બચાવો.’

mumbai mumbai news dahisar coronavirus covid19