ડોન્ટ પૅનિક: દેરાસરના કર્મચારીને કોવિડ થયાના વાઈરલ મેસેજથી લોકોમાં ભય

12 September, 2020 09:02 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ડોન્ટ પૅનિક: દેરાસરના કર્મચારીને કોવિડ થયાના વાઈરલ મેસેજથી લોકોમાં ભય

દહિસરમાં આવેલું શ્રી શાંતિનાથ જૈન દેરાસર.

કોરાનાને લીધે લૉકડાઉન કરાયું હોવાથી દેશભરનાં જૈન દેરાસરો દર્શન માટે બંધ રખાયાં છે ત્યારે શ્રી દહિસર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટના એક કર્મચારીને કોવિડનું સંક્રમણ થયું છે અને દેરાસરમાં દરરોજ ૫૦૦ જેટલા લોકો દર્શન કરવા આવતા હોવાથી તેમને પણ આ વાઇરસનો ચેપ લાગ્યો હોવાની શક્યતાની વાતો ગુરુવારે ફેલાતાં અહીંનાં જૈન શ્રાવક-શ્રાવિકાઓમાં પૅનિક ઊભું થયું હતું. જોકે દેરાસરના ટ્રસ્ટીઓએ કહ્યું હતું કે એકાદ કલાક સુધી જ દેરાસર ખુલ્લું રહે છે અને એક કર્મચારીને કોરોનાનું સંક્રમણ થવાથી આટલા બધા લોકોને એનો ચેપ લાગવાની શક્યતા નહીંવત્ હોવાથી કોઈએ ચિંતા કરવી નહીં.

દહિસર (વેસ્ટ)માં એસ. વી. રોડ પર રેલવે-સ્ટેશન નજીક શ્રી શાંતિનાથ જૈન દેરાસર આવેલું છે. અહીં કામ કરતા એક કર્મચારીની તબિયત બે-ત્રણ દિવસથી નાજુક રહેતી હોવાથી તેની કોવિડ-ટેસ્ટ કરાઈ હતી, જે પૉઝિટિવ આવતાં તેને પહેલાં દહિસરની એક પ્રાઇવેટ અને ત્યાર બાદ અંધેરીની પાલિકા સંચાલિત હૉસ્પિટલમાં ગુરુવારે મોડી રાત્રે ઍડ્મિટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દેરાસરમાં દરરોજ અનેક લોકો આવતા હોવાથી કર્મચારીને કારણે બધાને ચેપ લાગવાની શક્યતાના મેસેજ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા.

આવા મેસેજ ફરતા થવાથી કર્મચારીને લીધે હવે બધાએ કોવિડ-ટેસ્ટ કરાવવી પડશે એવો ડર જૈન શ્રાવક-શ્રાવિકાઓમાં ફેલાયો હતો. પાલિકા ટ્રેસ ધ વાઇરસ કૅમ્પેનમાં પોતાના ઘરે આવીને ટેસ્ટિંગ કરશે એવો ભય પણ તેમનામાં ફેલાયો હતો.

દહિસરના આર-નૉર્થ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર સંધ્યા નાંદેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દહિસરના જૈન દેરાસરના કોઈ કર્મચારીને કોવિડનું સંક્રમણ થયું હોવાનું હજી સુધી અમારા રેકૉર્ડમાં નથી આવ્યું. સામાન્ય રીતે પેશન્ટના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલા લોકોને ઓળખી કાઢીને તેમની ટેસ્ટ કરવામાં આવે છે.’

એક કર્મચારીને કોરાનાનું સંક્રમણ થવાથી બધાને વાઇરસનો ચેપ લાગે એવું નથી. બીજું, એકાદ કલાકમાં અમુક લોકો જ દર્શન માટે આવે છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. ખોટા મેસેજથી કોઈએ ગભરાવું નહીં. કર્મચારીનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયો છે.
- ભરત જૈન, શ્રી દહિસર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટના કમિટી મેમ્બર

dahisar mumbai news coronavirus covid19 mumbai prakash bambhrolia