કોરોના કેસમાં હિંગોલીમાં સૌથી વધુ ૯૦ ટકા રીકવરી

12 July, 2020 11:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

કોરોના કેસમાં હિંગોલીમાં સૌથી વધુ ૯૦ ટકા રીકવરી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં શરૂઆતથી અત્યાર સુધી કોરોનાના દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે એની સામે પ્રશાસન તમામ સુવિધા હોવા છતાં ઝઝૂમી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રના હિંગોલીમાં અપૂરતી તબીબી વ્યવસ્થા હોવા છતાં અહીં કોરોનાના મામલામાં ૯૦ ટકા રીકવરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
મહારાષ્ટ્રના હિંગોલીમાં શુક્રવાર સુધીમાં કોરોનાના કુલ ૩૨૫ કેસ નોંધાયા હતા, આમાંથી ૨ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૨૭૫ દરદીઓ રીકવર થઈ ગયા છે. અહીં નોંધાયેલા કુલ દરદીમાંથી ૯૦ ટકા એકદમ ઠીક થઈને ઘરે પાછા આવી ગયા હોવાથી અપૂરતી તબીબી સુવિધા હોવા છતાં અહીં આટલો મોટો રીકવરી દર કેવી રીતે શક્ય બન્યો એની ચારેબાજુએ ચર્ચા થઈ રહી છે.
હિંગોલીનાં પાલક પ્રધાન વર્ષા ગાયકવાડે પણ અહીંના ચોંકાવનારા અને આશ્ચર્યજનક રીકવરી રેટથી પ્રભાવિત થઈને પ્રશંસા કરતાં કહ્યું હતું કે મુંબઈના સૌથી ગીચ એવા ધારાવી અને હિંગોલીમાં કોરોનાના સંક્રમણને અટકાવી શકાય છે એ બતાવી દીધું છે. અત્યંત પછાત એવા ગ્રામીણ વિસ્તાર હિંગોલીમાં ૪૦ દિવસે કોરોનાના કેસ બમણા થઈ રહ્યા છે, જે રાજ્યની સરેરાશ કરતાં ઘણી સારી ટકાવારી છે.

mumbai mumbai news coronavirus covid19