મલાડમાં ધોળે દિવસે સિનિયર સિટિઝનને બાંધી, છરી બતાવીને ચલાવવામાં આવી લૂંટ

10 May, 2022 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બધું ચાલતું હતું એ દરમ્યાન લૂંટ ચલાવવા આવેલા યુવાનો તિજોરી ખોલીને એમાંના આશરે ૧.૮૭ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયા લઈને નાસી ગયા હતા.’

પ્રતીકાત્મક તસવીર

મલાડના એસ. વી. રોડ પરની એક સોસાયટીમાં રહેતા ગુજરાતી સિનિયર સિટિઝનના ઘરે ત્રણ જણ કુરિયર-બૉય બની આવ્યા હતા. મહિલાએ જેવો ઘરનો મેઇન ડોર ખોલ્યો કે તરત એ લોકો જબરદસ્તીથી ઘરમાં ઘૂસી ગયા હતા અને ફરિયાદી મહિલાના હાથ અને મોઢું કપડા વડે બાંધી દીધાં હતાં. ત્યાર બાદ લૉકરમાં રાખેલા દાગીના લઈને નાસી ગયા હતા. આ ઘટનામાં સિનિયર સિટિઝન મહિલાને કમરમાં માર વાગ્યો છે. મલાડ પોલીસ-સ્ટેશને ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડ પર અલકા વિહાર હોટેલ પાસે આવેલા મારુતિ અપાર્ટમેન્ટમાં રહેતાં ૭૨ વર્ષનાં પ્રમીલા અનિલ મહેતાએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘શનિવારે બપોરે હું ટીવી પર ગુજરાતી સિરિયલ જોઈ રહી હતી એ દરમ્યાન અઢી વાગ્યે ઘરની બેલ વાગી હતી. દરવાજે જતાં મને એક યુવાન દેખાયો હતો. તેણે કહ્યું કે અનિલ મહેતાનું કુરિયર આવ્યું છે. દૂરથી જોતાં મને કુરિયર પર અનિલ મહેતાનું નામ દેખાયું એટલે મેં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ એકાએક ત્રણ જણ ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેઓ મને મંદિરરૂમમાં લઈ ગયા હતા જ્યાં એક યુવાને મારી છાતી પર બેસીને મારા બન્ને હાથ બાંધી દીધા અને મોઢું સાડી વડે બાંધી દીધું હતું. એ વખતે આરોપી મને ગાળ આપવા માંડ્યા હતા. પછી ધારદાર છરી મારા ગળા પર મૂકીને મને ધમકી આપી હતી. એ પછી હું બચાવ માટે બોલવા ગઈ ત્યાં યુવાનોએ મને જમીન પર ઊંધી સુવડાવીને પકડી રાખી હતી. આ બધું ચાલતું હતું એ દરમ્યાન લૂંટ ચલાવવા આવેલા યુવાનો તિજોરી ખોલીને એમાંના આશરે ૧.૮૭ લાખ રૂપિયાના દાગીના અને રોકડ રૂપિયા લઈને નાસી ગયા હતા.’
પ્રમીલાબહેનના જમાઈ અમિત સરૈયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ બધી તૈયારી સાથે આવ્યા હતા. તેમને ખબર હતી કે સોસાયટીમાં સીસીટીવી કૅમેરા અને વૉચમૅન નથી અને બપોરના સમયે બધાના દરવાજા પણ બંધ હોય છે. અત્યારે પોલીસ અમારી ફરિયાદના આધારે તપાસ કરી રહી છે.’
મલાડના સિનિયર ઇન્સ્પેક્ટર ધનંજય લિગાડેનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા, જ્યારે મલાડ પોલીસ-સ્ટેશનના અન્ય એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીની શોધખોળ અમે આ બિલ્ડિંગ નીચે આવેલી હોટેલમાં લાગેલા સીસીટીવી કૅમેરા તેમ જ આ વિસ્તારમાં લાગેલા અન્ય સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે કરી રહ્યા છીએ. હજી સુધી અમે કોઈ આરોપીની ઓળખ કરી શક્યા નથી.’

Mumbai mumbai news