આરેમાં શિકાર કરવા આવેલો દીપડો ખુદ શિકાર થતાં બચી ગયો

06 January, 2020 11:56 AM IST  |  Mumbai Desk | ranjit jadhav

આરેમાં શિકાર કરવા આવેલો દીપડો ખુદ શિકાર થતાં બચી ગયો

શુક્રવારે વહેલી સવારે એક દીપડો રખડતા કૂતરાનો શિકાર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરતો જોવા મળ્યો હતો.

અગાઉ જે રીતે ઘણી વખત આરેના દીપડા શિકારની શોધમાં માનવવસ્તીમાં ઘૂસી આવતા હતા એ જ રીતે શુક્રવારે વહેલી સવારે એક દીપડો એક ઘરની બહાર રખડતા કૂતરાનો શિકાર કરતો જોવા મળ્યો હતો, પરંતુ ભાગ્યે જ બનતી ઘટનામાં કૂતરાઓના ટોળાએ દીપડાને પાછો જંગલમાં હાંકી કાઢ્યો હતો.

મેટ્રો કારશેડના સ્થળેથી માંડ બે કિલોમીટરના અંતરે આવેલા એક ઘરની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરામાં શુક્રવારે રાત્રે ૨.૪૯ વાગ્યે આ આખો ઘટનાક્રમ રેકૉર્ડ થયો છે.
ફુટેજમાં એક દીપડો ઘસઘસાટ ઊંઘી રહેલા રખડતા કૂતરાની પાછળ જઈને એને ગળાથી પકડી લે છે. બન્ને વચ્ચે ઝપાઝપી થાય છે, પણ દીપડો બીકણ શિકારી નીકળે છે. હુમલાની ત્રણ સેકન્ડમાં જ તે જેનો શિકાર કરી રહ્યો હતો એ ઉપરાંત અન્ય બે કૂતરાઓ એને ભગાવી દે છે.
આરે મિલ્ક કૉલોનીના રહેવાસી અમિત પાઠકે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરેમાં દીપડા અવારનવાર દેખા દે છે, પરંતુ મારા મિત્રના ઘરની બહાર લગાવાયેલા સીસીટીવી કૅમેરામાં દુર્લભ દૃશ્યો કેદ થયાં છે. અમે દીપડાને કૂતરાનો શિકાર કરતા અને તેને જંગલમાં ઢસડી જતા જોયા છે, પણ આ ફુટેજમાં દીપડો કૂતરાનો શિકાર ન થઈ શકતાં થોડી જ વારમાં ભાગી છૂટતો દેખાય છે.’

aarey colony mumbai news mumbai