એકતરફી પ્રેમમાં દાતરડાના ૪૪ ઘા મારીને કરવામાં આવી ટીનેજરની ઘૃણાસ્પદ હત્યા

14 October, 2021 10:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુટુંબીજનોએ આરોપીનો કેસ કોઈએ ન લડવાની અપીલ કરવા સાથે મામલો ફાસ્ટ ટ્રૅકમાં ચલાવવાની માગણી કરી

પ્રતીકાત્મક તસવીર

પુણેમાં કબડ્ડી રમવા માટે જઈ રહેલી ટીનેજર પર ચાર યુવકોએ દાતરડા અને ચાકુના ૪૪ ઘા મારીને ઘાતકી રીતે હત્યા કરવાની ચોંકાવનારી ઘટના મંગળવારે સાંજે અહીંના યશ લૉનમાં બની હતી. હત્યારામાંથી એક યુવક ટીનેજરને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ ટીનેજરે તેને અવગણતાં યુવકે તેના ત્રણ મિત્રો સાથે મળીને હુમલો કરીને તેની હત્યા કરી નાખી હતી. ચોંકાવનારી વાત એ છે કે મેદાનમાં ઘણા લોકો હાજર હતા, પણ ટીનેજર પર યુવકો તૂટી પડ્યા હતા ત્યારે બધા મેદાન છોડીને ભાગી ગયા હતા. આ મામલામાં પોલીસે ચારેય હત્યારાની બાદમાં ધરપકડ કરી હતી. આ બનાવથી પુણેમાં ખળભળાટ મચી ગયો છે. મૃતકના પરિવારજનોએ આરોપીનો કેસ કોઈએ ન લડવાની અપીલ કરવાની સાથે મામલો ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવીને આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માગણી કરી છે. 
પોલીસના જણાવ્યા મુજબ ૧૪ વર્ષની ટીનેજર તેના પરિવાર સાથે બીબેવાડી વિસ્તારમાં રહેતી હતી. મંગળવારે સાંજે સાડાપાંચ વાગ્યે તે કબડ્ડી રમવા માટે યશ લૉન્સ વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે ચાર આરોપી બે બાઇક પર આવ્યા હતા. બે આરોપી બાઇક પર બેસી રહ્યા હતા, જ્યારે ૨૨ વર્ષનો આરોપી ટીનેજર પર દાતરડા અને ચાકુથી તૂટી પડ્યો હતો. ટીનેજરના ગળાથી માંડીને શરીરમાં અનેક ઘા મારવાથી ટીનેજર ઘટનાસ્થળે જ ઢળી પડી હતી. હુમલો કરીને આરોપીઓ પલાયન થઈ ગયા હતા.
પુણેના પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તાએ કહ્યું હતું કે ‘ચારેય આરોપીઓની બાદમાં ધરપકડ કરવામાં આવી છે. ૨૨ વર્ષનો મુખ્ય આરોપી શુભમ ભાગવત ટીનેજર જ્યાં રહે છે એની નજીકમાં પાંચ વર્ષથી રહેતો હતો. થોડા સમય પહેલાં તે બીજે રહેવા જતો રહ્યો છે. તે ટીનેજરને એકતરફી પ્રેમ કરતો હતો, પરંતુ ટીનેજર તેને રિસ્પૉન્સ ન આપતી હોવાથી તેણે આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે.’
મૃતક ટીનેજરના મામા અમોલ શિંદેએ પોલીસને કહ્યું હતું કે ‘ત્રણ મહિના પહેલાં આરોપી મારી ભાણેજને પરેશાન કરતો હતો ત્યારે મેં તેને સમજાવીને શાંત કર્યો હતો. જોકે તેણે સમજવાને બદલે તેના પર હુમલો કરીને હત્યા કરી નાખી. હુમલાથી બચવા ભાણેજે ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ શુભમે તેના પર તીક્ષ્ણ હથિયારથી ઉપરાઉપરી ૪૪ ઘા મારતાં તે ઢળી પડી હતી. તેનો કેસ કોઈ લડે નહીં એવી અપીલ અમે કરીએ છીએ અને કેસ ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં ચલાવીને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારી માગણી છે.’
રાજ્યમાં મહિલાઓ અને યુવતીઓ પર આવી રીતના હુમલાથી તેમની સલામતીનો પ્રશ્ન ઊભો થયો હોવાનો આરોપ વિરોધી પક્ષોએ કરતાં આ ઘાતકી હુમલાથી રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે. નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર પુણેના પાલક પ્રધાન છે. વિરોધીઓના નિશાના પર આવ્યા બાદ તેમણે આ ઘટના બાબતે કહ્યું હતું કે ‘પુણે જેવા સાંસ્કૃતિક શહેરમાં ટીનેજરની ખુલ્લા મેદાનમાં હત્યાની ઘટના અત્યંત ચોંકાવનારી અને સમાજમાં ઘૃણા ફેલાવનારી છે. કબડ્ડી રમતી એક ટીનેજરની હત્યાથી બધાનું માથું શરમથી ઝૂકી ગયું છે. આરોપીને કઠોરમાં કઠોર સજા થાય એવા પ્રયાસ કરવામાં આવશે.’

Mumbai mumbai news Crime News mumbai crime news