નપુંસક પતિ અને દિયરે મહિલાને પકડી રાખ્યા બાદ સસરાએ કર્યો બળાત્કાર

13 February, 2021 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid Day Correspondent

નપુંસક પતિ અને દિયરે મહિલાને પકડી રાખ્યા બાદ સસરાએ કર્યો બળાત્કાર

એક પરિણીતાએ તેના તેના સસરા, પતિ અને તેના ભાઈ સહિત કુલ ૧૬ જણ સામે કરેલી ફરિયાદના સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ સારંગ વી. કોતવાલે ૮ ફેબ્રુઆરીએ સસરા અને તેના બે દીકરાઓએ કરેલી આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. પરિણીતાએ તેની ફરિયાદમાં અન્ય આક્ષેપો સહિત એવો આક્ષેપ કર્યો છે કે તેની ઇચ્છા વિરુદ્ધ તેને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું અને તેના સસરાએ તેના પર બળાત્કાર કર્યો હતો.

હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ દ્વારા આ પહેલાં ફરિયાદ રદ કરવા માટે પણ અરજી કરાઈ હતી. કોર્ટે એ અરજી પણ ફગાવી દીધી હતી. કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવવાનો ઑર્ડર આપતાં કહ્યું હતું કે હાલના તબક્કે ફરિયાદીએ ફરિયાદ કરવામાં મોડું કર્યું છે એથી તેના દ્વારા કરાયેલા આક્ષેપો ખોટા છે એમ ન કહી શકાય. શા માટે ફરિયાદ કરવામાં મોડું થયું એ ટ્રાયલ વખતે જોઈશું, પણ અત્યારે કેસની ગંભીરતા જોતાં આગોતરા જામીનની અરજી રદ કરવામાં આવે છે.

ફરિયાદ શું હતી?

પરિણીતાએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે ‘લગ્ન પહેલાં તે જ્યારે તેનાં માતા-પિતા સાથે રહેતી હતી ત્યારે જ તેનાં ભાવિ સાસરિયાંએ દબાણ કરી તેને ૨૦ લાખ રૂપિયા દહેજ લાવવા કહ્યું હતું. તેના પિતાએ તેમને ૨૦ લાખ રૂપિયા આપ્યા બાદ ૮ જુલાઈ, ૨૦૧૯ના તેનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ તેના પતિએ તેની સાથે શારીરિક સંબંધ જ બાંધ્યો નહોતો. એ પછી તેને જાણ થઈ કે તે નપુસંક હતો અને તેનો ઇલાજ ચાલી રહ્યો હતો.’

ફરિયાદમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ‘લગ્ન પછી પણ દહેજ માટેની તેમની ડિમાન્ડ ચાલુ જ હતી. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે તેના સસરા, પતિ અને પતિનો ભાઈ તેની રૂમમાં આવ્યા હતા. તેના સસરા જે મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલા છે તેમણે તેને બળજબરીથી ઇન્જેક્શન આપ્યું હતું. એ વખતે તેના પતિ અને તેના ભાઈએ તેને પકડી રાખી હતી. ત્યાર બાદ તેના સસરાએ તેના પર બળાત્કાર કર્યો હતો. એ પછી તેને પિયર મોકલી દેવાઈ હતી અને ધમકી આપવામાં આવી હતી કે જ્યાં સુધી તે દહેજ નહીં લાવે ત્યાં સુધી તેને સાસારિયાંમાં પાછી નહીં બોલાવાય. એ પછી તે માર્ચ મહિનામાં મુંબઈ તેની બહેનના ઘરે આવી અને તેણે તેની બહેનને તેના પર જે વીત્યું હતું એ જણાવ્યું હતું. બહેને તેને હિંમત બંધાવતાં આખરે તેણે સાસરિયાં સામે ફરિયાદ કરી હતી.’

mumbai mumbai news Crime News mumbai crime news